કોઇ ફિલ્મ થિયેટરમાં રજૂ થવાની હોય તો તેના પ્રચારની એક રીત બહુ જાણીતી છે. ફિલ્મના મુખ્ય હીરો-હીરોઇન વચ્ચે અફેર્સ છે તેવું જાહેર કરી દેવાનું. આવું કરવાથી નબળી ફિલ્મ સફળ બની જાય એવું તો નથી હોતું પણ પહેલા અઠવાડિયામાં સારું કલેકશન મળી શકે ખરું. આ દિવાળીએ ‘સૂર્યવંશી’ રજૂ થવાની છે અને તેમાં અક્ષયકુમાર, અજય દેવગણ સાથે કેટરીના કૈફ છે. આ બંનેમાંથી કોઇ એક સાથે અફેર્સની અફવા ઉડાવી શકાય તેમ નથી. આ ‘ચાલુ’ હીરોની ઇમેજ જરૂરી હોય છે અને અક્ષય-અજય સ્થિર લગ્નમાં માને છે એટલે કેટરીના વિશે જૂદી અફવા ચલાવવી પડી છે.
એક અફવા એવી ચાલી કે કેટરીના અને સલમાન બેએક વર્ષ પહેલાં દુબઇમાં પરણી ચૂકયા છે. સલમાન જયાં સુધી શાદી નહિ કરશે ત્યા સુધી તેને આવી અફવાનો લાભ મળશે અને એજ રીતે કેટરીના પણ મેરેજ નહિ કરે ત્યાં સુધી અફવાઓમાં પરણતી રહેશે. હમણા એવી પણ અફવા ચાલી કે તે વિકી કૌશલ સાથે રિલેશનમાં છે. વિકીની ફિલ્મ ‘સરદાર ઉધમ’ રજૂ થઇ ને કેટરીનાની ‘સૂર્યવંશી’ રજૂ થવાની છે એટલે એક અફેર્સથી બેને લાભ થાય એવી યોજના હતી. ફિલ્મો રજૂ થાય પછી અફવા શાંત પડી જશે. પરંતુ એટલું ખરું કે કેટરીનાને આવી અફવાની જરૂર છે.
વિત્યા પાંચ વર્ષમા તેની એકેય ફિલ્મ સફળ નથી ગઇ. ‘વેલકમ ટુ ન્યુયોર્ક’, ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’, ‘ઝીરો’ કે પછી ‘ભારત’ને ય સફળ ન ગણી શકો. આવા સંજોગોમાં તે બેબાકળી થઇ ઉઠી છે. ફિલ્મો નિષ્ફળ જવા માંડે તો જ આવી અભિનેત્રી પરણતી હોય છે. કેટરીનાનો હવે પહેલા જેવો દબદબો રહ્યો નથી તેથી ડિસ્ટર્બ રહે છે અને સલમાન ખાન જો તેને પરણવાનો હોત તો કયારનો પરણી ગયો હોત. તેને અફેર્સ કરવામાં જ મઝા આવે છે મેરેજમાં નહીં. બાકી તમે જુઓ કે કેટરીનાની આવી રહેલી એક પણ ફિલ્મમાં સલમાન ખાન નથી.
‘ફોન ભૂત’માં જેકી શ્રોફ અને ઇશાન ખટ્ટર છે તો ‘મેરી ક્રિસમસ’માં વિજય સેતુપથી છે અને ફરહાન અખ્તરની ‘જી લે જરા’માન તો કેટરીના ઉપરાંત પ્રિયંકા ચોપરા ને આલિયા ભટ્ટ હોવાથી હોઇ હીરો વિચારી શકાય તેમ નથી. તમે જોશો તો કેટરીનાએ હવે ફિલ્મોની પસંદગી બદલી નાંખી છે. તે માત્ર મનોરંજક ફિલ્મમાં ગ્લેમર બની રહેવા માંગતી નથી. અલબત્ત, ‘સૂર્યવંશી’માં તેને વ્યકિતગત રીતે ફકત એટલો જ લાભ થશે કે એક વધુ સફળ ફિલ્મ તેના નામે ચડે, બાકી ‘ફોન ભૂત’, ‘મેરી ક્રિસમસ’ ને ‘જી લે જરા’ના વિષયો એવા છે કે જેમાં કેટરીનાએ એકટ્રેસ તરીકે વધુ મહેનત કરવી પડશે. સલમાનની જે ફિલ્મો છે તેમાં અત્યારે તો કેટરીના કયાંય જણાતી નથી.
(સિવાય કે એક) ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’માં આયુષ શર્મા, પ્રજ્ઞા જયસ્વાલ સાથે સલમાન છે તો ‘કભી ઇદ કભી દિવાલી’માં પૂજા હેગડે, ક્રિતી સેનોન છે. જો ‘કીક-2’ બનશે તો દિશા પટની હશે. એટલે કેટરીનાને જે સલમાનનો મોટો આધાર હતો તે રહ્યો નથી. હા, સલમાન તેની પ્રેમિકાઓ સાથે મૈત્રી તોડતો નથી. ઐશ્વર્યા રાય સાથે તો રાખી શકાય એમ નથી એટલે બાકી સંગીતા બીજલાની, સોમી અલી સહિત બધા સાથે તેની મૈત્રી છે. આજકાલ આ નવો ટ્રેન્ડ છે. રણબીર-દિપીકા વચ્ચે પ્રેમભંગ થયો પણ દોસ્તો છે.
ઋતિક રોશન પણ સુઝાન સાથે મિત્ર જ છે (કંગનાની વાત ન કરશો) સલમાને કોઇ સાથે પરણવું નથી એટલે મૈત્રી જાળવી રાખે છે. સવાલ એ છે કે કેટરીનાએ હવે શું કરવું છે? મોટા સ્ટાર્સના મા-બાપ લગ્ન માટે દબાણ નથી કરતા એટલે કેટરીના 38ની થઇ તો પણ પોતે પોતાનામાં દબાણ અનુભવતી હોય તો ઠીક બાકી આમ જ રહેશે. અત્યારે એટલું કહી શકાય કે આવનારું એક વર્ષ તેના માટે નિર્ણાયક બનવું જોઇએ. બાકી, તેણે એકલાજ આગળ વધવાનું બનશે.