આણંદ : આણંદના વૃંદાવન ગ્રાઉન્ડમાં સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ 6 દિવસીય મેળામાં મહિલાઓએ રજુ કરેલી કલાત્મક ચીજવસ્તુઓ અને જાતે બનાવેલ અન્ય ખાધ પદાર્થોને જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. સખી મંડળની મહિલાઓને સારો એવો વ્યવસાય મળી રહેતાં મહિલાઓના જોમ જુસ્સામાં વધારો થયો છે. ફક્ત ચાર દિવસમાં જ સખી મેળામાં ગ્રામીણ મહિલાઓએ 3.60 લાખની કમાણી કરી છે. તેમાંય ખાસ કરીને શનિવાર અને રવિવારની રજાઓના કારણે મેળાના આ બે દિવસ સૌથી વધારે નાગરિકોએ મુલાકાત લઇને મનપસંદ ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.
કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. વી. દેસાઇની રાહબરી હેઠળ આણંદ અને ખેડા જિલ્લામાંથી અકીક, જયુટ બેગ, ક્રોકરી, ઇમીટેશન જવેલરી, હેન્ડીક્રાફટ જેવી અનેકવિધ કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે આણંદ ખાતે વૃંદાવન ગ્રાઉન્ડમાં સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
આ મેળામાં ચાર દિવસમાં જ શહેર સહિત જિલ્લાના નાગરિકોએ પ્રથમ દિને 23 હજાર બીજા દિવસે 42 હજાર, ત્રીજા દિવસે 1.20 લાખ અને ચોથા દિવસે 1.75 લાખ એમ કુલ મળીને 3.60 લાખની વસ્તુઓનું વેચાણ થયું હતું. આમ સખી મેળામાં ઉત્તરોત્તર વેચાણમાં વધારો થવા પામ્યો છે. આ ઉપરાંત 14 અને 15 એમ બે દિવસ છે તો શહેર સહિત જિલ્લાના નાગરિકો સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનની મુલાકાત લઇને અમારો ઉત્સાહ વધારશે તેવી મેળામાં ભાગ લઇ રહેલ વિવિધ સખી મંડળની મહિલાઓએ આશા વ્યક્ત કરી હતી.
આ મેળા દરમિયાન યોજવામાં આવેલા વંદે ગુજરાતને પણ ભારે આવકાર મળી રહ્યો છે. આ ઉપરાંત રાજય સરકારના ૨૦ વર્ષનો વિશ્વાસ – ૨૦ વર્ષનો વિકાસ પુસ્તિકાએ પણ સારૂં એવું આકર્ષણ જમાવ્યું હતું. આ પુસ્તિકા રાજય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે હાંસલ કરવામાં આવેલ સિધ્ધિઓમાં બે દાયકા પહેલાનું ગુજરાત અને આજનું ગુજરાત વર્ણવતી તસ્વીરી ઝલક સહિતની આંકડાકીય વિગતો આપવામાં આવી છે. આ પુસ્તિકા સખી મેળામાં આવતાં મુલાકાતીઓને મળતાં સ્થળ ઉપર જ નિરીક્ષણ કરી તેને વાંચી રહ્યા હોવાનું પણ જણાઇ આવ્યું હતું.