નવસારી: (Navsari) નવસારી સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સથી કામ કરતા 250 જેટલા કામદારોનો પગાર 2 માસથી બાકી હોવાથી સિવિલ સર્જનને રજુઆત કરી છે. નવસારી સિવિલ હોસ્પિટલના કારભારીઓની કામગીરીનો વિવાદ થંભી રહ્યો નથી. નવસારી સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સથી 250 જેટલા કામદારો કોન્ટ્રાક્ટ (Contract) ઉપર કામ કરી રહ્યા છે. જે કામદારોનો છેલ્લા બે મહિનાથી પગાર થયો નથી. જેના પગલે સિવિલ હોસ્પિટલના કામદારોના પરિવારો આર્થિક પરિસ્થિતિ બગડી ગઇ છે. જેથી કામદારોએ પગાર આપવા માટે સિવિલ સર્જનને રજુઆત કરી છે.
અગાઉ લોકડાઉનમાં પણ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ કર્મીઓનો કોરોનાકાળમાં દિવસ-રાત એક કરી કોરોના દર્દીઓને સાચવી રહ્યા હતા. ત્યારે પણ હોસ્પિટલના કારભારીઓએ કોન્ટ્રાક્ટ કર્મીઓનો પગાર કર્યો ન હતો. જેના પગલે કોન્ટ્રાક્ટ કર્મીઓ હડતાળ ઉપર જવાનું નક્કી કર્યુ હતુ. જોકે તે સમયે નવસારી ધારાસભ્યએ કોન્ટ્રાક્ટર તેમજ જિલ્લા અધિક કલેક્ટરને રજુઆત કરી તેઓનો પગાર કરાવ્યો હતો. ત્યારે હાલ ફરી પાછી કોન્ટ્રાક્ટ કર્મીઓને પગાર ચુકવવામાં આવ્યો નથી. બે-બે મહિના વીતી જવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને સિવિલના કારભારીઓને પગાર ચુકવવાનું સુઝ પડતુ નથી. ત્યારે કામદારોને ક્યારે પગાર ચુકવાય તે જોવુ રહ્યુ.
તંત્રની ગંભીર બેદરકારી: વલસાડ સિવિલ હોસ્પિટલ- મેડિકલ કોલેજમાં પહોંચવા બસ સેવા જ નથી
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા મથક ખાતે આવેલી જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ સુધી દર્દીઓ કે પછી તેમના પરિવારજનોને પહોંચવા સરકારી રાહે કોઈ વ્યવસ્થા જ નથી. સિવિલ સુધી પહોંચવા લોકોએ રિક્ષાનું મોઘુંદાટ ભાડું ખર્ચીને કે ખાનગી વાહનમાં પહોંચવું પડે છે. ઉપરોક્ત બાબત વલસાડ વહીવટી તંત્ર અને જિલ્લાના રાજકારણીઓ માટે શરમજનક બાબત બની રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ ખાતે રૂ.300 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલી મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે વિના મૂલ્યે સારવાર માટેની મહત્વની હોસ્પિટલ છે. જોકે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર કે પછી સમયાંતરે અહીં આવતા મંત્રીઓએ જિલ્લાના ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડી કે પછી વાંસદા-આહવા-ડાંગ તેમજ મહારાષ્ટ્રથી આવતા દર્દીઓ કે પછી તેમના સ્વજનો માટે એસટી ડેપો કે રેલવે સ્ટેશન કે હાઇવે ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચવા સરકારી એસટી બસ (Bus) શરૂ કરવાનું જ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. હાલે વલસાડ એસટી ડેપોથી સિવિલ પહોંચવા રિક્ષા ચાલકો રૂ.50 થી 70 ભાડું લે છે. રેલવે સ્ટેશનથી પણ વધુ ભાડું લેવામાં આવે છે. જે ગરીબ દર્દીઓ માટે અત્યંત મુશ્કેલભર્યું બની રહે છે. જો એસટી ડેપોથી અને રેલવે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધીની બસ સેવા શરૂ થાય તેવી લાગણી સાથે માગણી ગરીબ લોકો દ્વારા કરાઈ રહી છે.