Charchapatra

મહિલાઓનું સન્માન

અલાહાબાદ હાઇકોર્ટમાં સગીર બાળા પર દુષ્કર્મના કેસમાં આપેલા ચુકાદામાં પીડિતાના સ્તન પકડવા કે પાયજામાનું નાડું તોડવું એ બળાત્કાર ન કહી શકાય માટે અપરાધ ન ગણી શકાય. આખા દેશની મહિલાઓમાં, બુદ્ધિજીવીઓમાં તથા કાયદાશાસ્ત્રીઓ સહિત તમામ પ્રજાએ ઉગ્ર પ્રતિભાવો આપી આ ચુકાદા સામે રોષ વ્યક્ત કર્યો છે. એ તો સારું થયું કે સુપ્રીમ કોર્ટે આ ચુકાદાની સુઓમોટો નોંધ લઈ આ ચુકાદાને સંવેદનશીલતાના આભાવ વાળો તથા અમાનવીય અભિગમ વાળો બતાવ્યો છે. ખરેખર કાયદા એટલા માટે ઘડવામાં આવે છે કે દેશની મહિલાઓ સુરક્ષા, સન્માન સાથે ભય વગર જીવીને પુરુષની બરોબરીનો દરજ્જો મેળવી શકે. પરંતુ આઘાતની તો એ છે કે હાઇકોર્ટમાં પણ એમને ન્યાય ન મળશે તો બહેનો ક્યાં જશે. મહિલાઓ સાથે છેડતી, બળાત્કાર કરીને હત્યા જેવી ઘટનાઓ રોજબરોજ બન્યા કરે છે. એનો મતલબ એવો થાય કે હજુ પણ આપણો પુરુષ પ્રધાન સમાજ મહિલાને ભોગની વસ્તુ સમજે છે.

મહિલા સામેના અપરાધના કિસ્સામાં સજાનો દર ખુબ ઓછો છે એ શરમજનક તથા ચિંતા ઉપજાવનારી બાબત છે. કોઈ મહિલા સાથે આવી દુઃખદ ઘટના બને ત્યારે પુરુષ પ્રધાન માનસિકતા ઘરાવતી પોલીસ રિપોર્ટ લખવામાં પણ આનાકાની કરે છે. મહિલાઓની સુરક્ષાનો મુદ્દો માત્ર વચનો અને સૂત્રો સુધી સીમિત થઈ ગયો છે. જો આપણા દેશની મહિલાઓને સુરક્ષા, આત્મસન્માન તથા પુરુષની બરોબરીનો દરજ્જો આપવો હોય તો કડક કાયદા જરૂરી તો છે જ સાથે આપણા પુરુષ પ્રધાન સમાજની વિચાર પદ્ધતિ બદલી પુરુષપ્રધાન માનસિકતા બદલવી પડશે ત્યાં સુધી મહિલાઓ ભય વગર જીવી નહીં શકે.
વ્યારા    – સંજય ઢીંમર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પગાર અને પેન્શન વધારો
પ્રજાના સેવકોને પગાર, પેન્શન અને ભથ્થામાં વધારો તથા અનેક સવલતોમાં પણ બેહદ વધારો કરવામાં આવ્યો છે. સંસદમાં અને સંસદની બહાર પરસ્પર ઝઘડતા રાજકીય પક્ષના સેવકો જ્યારે પગાર વધારાની વાત આવે છે ત્યારે બધા એક થઈ જાય છે. આ દેશનો બિચારો આમ આદમી આ બધું મૂંગે મોંએ જોઈ રહ્યો છે. જો સાચા અર્થમાં પ્રજાના સેવકો કહેવાતા હોય તો એમને ખરેખર તો પગાર લેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ બધું ક્યાં જઈને અટકશે એ સામાન્ય જનનો પ્રશ્ન છે. 90%થી વધુ પ્રજાના સેવકો જે ઠાઠમાંથી જીવી રહ્યા છે તે જોઈએ તો એમને પગારની જરૂર જ નથી. શાસક પક્ષ બદલાય છે પરંતુ પ્રજાની પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવતો નથી. દેશની ૮૦ ટકા પ્રજા જ્યારે મફત અનાજ કે અનેક સુવિધાઓ આપવી પડતી હોય ત્યારે આ રીતે જન પ્રતિનિધિઓને પગાર વધારો કેવી રીતે આપી શકાય? લોકશાહી દેશમાં પ્રજાનો અવાજ ક્યારે સંભળાશે?
નવસારી           – ડૉ. જે.એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.


Most Popular

To Top