Entertainment

સૈયામી: ખેર, શૂન્યથી ફરી શરૂઆત કરશે

જેઓ એમ માને છે કે ફિલ્મી કુટુંબમાંથી આવતા અભિનેતા યા અભિનેત્રી ફિલ્મજગત પર કબજો જમાવી દે છે તેમણે ઉષા કિરણની પૌત્રી સૈયામી ખેરનો દાખલો ય લેવો જોઇએ. જોકે દાખલા જ લેવા હોય તો સની દેઓલના દિકરા કરણથી માંડી સુનીલ શેટ્ટીની દિકરી અથિયા શેટ્ટી સહિતના ઘણા નામ છે જે અત્યારે એક ફિલ્મમાં આવ્યા પછી બીજી ફિલ્મને લાયક ગણાયા નથી. સૈયામી વિશે તો સાવ એવું નથી. તેણે હિન્દીથી પહેલાં તેલુગુ ‘અમૃતા’થી આરંભ કરેલો ને પછી ‘મિર્ઝિયા’માં આવી હતી. રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ અને મિર્ઝા સાહિબાનની લવસ્ટોરી છતાં ફિલ્મ નિષ્ફળ રહી. હતાશ સૈયામીએ માતૃભાષા મરાઠીમાં ‘માઉલી’ ફિલ્મ કરી કે જે જેનિલિયા ડિસોઝા નિર્મીત હતી ને રિતેશ દેશમુખ તેનો હીરો હતો.

સૈયામીએ પ્રાદેશિક ફિલ્મોમાં નહીં હિન્દીમાં જ કામ કરવું છે એટલે પાછી વળી અને નેટફિલક્‌સ માટેની ‘ચોક્‌ડ’ અને એમેઝોન પ્રાઇમ માટેની ‘અનપોઝડ’ માં કામ કર્યું. આ બન્ને ફિલ્મો ગયા વર્ષે રજૂ ય થઇ પરંતુ ઓટીટી ફિલ્મની મર્યાદા છે. તે મર્યાદિત નામ – દામ જ આપી શકે. વળી કોઇ એકદમ જાણીતા સ્ટાર્સ સાથેની ફિલ્મો ન હોય તો પ્રેક્ષક પણ મર્યાદિત જ મળે. સૈયામી ત્રણ ફિલ્મ પછી પણ કોઇ જાણીતા સ્ટાર્સ સાથે ફિલ્મ મેળવી શકી નથી. આ કારણે જ તેણે ગયા વર્ષે ‘સ્પેશિયલ ઉપ્સ’ અને ‘બ્રેથ: ઇન ટુ ધ શેડોઝ’ વેબસિરીઝમાં ય કામ કરેલું અત્યારે ‘વાઇલ્ડ ડોગ’ નામની તેલુગુ ફિલ્મ ઉપરાંત ‘શર્માજી કી બેટી’ નામની ફિલ્મના શૂટિંગમાં તે રોકાયેલી છે.

તે અત્યારે ૨૦૨૧ ના વર્ષને પૂરું થવાની રાહ જુએ છે અને ત્યાર પછી જ નવી યોજના બનાવશે. ફિલ્મોમાં કામ મળવાથી લક્ષય સિધ્ધ નથી થતા એ ફિલ્મો સફળ જાય અને ડિમાંડ ઊભી કરે તો જ લક્ષય સધાયેલું કહેવાય. સૈયામી ખૂબ મહેનતુ છે અને મુંબઇમાં ઘર છે એટલે સંઘર્ષની સમસ્યા નથી. તેના માતા-પિતા એવું સમજે છે કે ફિલ્મમાં કારકિર્દી તરત બને તો બને બાકી રાહ જોવી પડે. ઉષા કિરણની પૌત્રી છે એટલે પ્રેક્ષકો ફિલ્મો જોવા દોડી આવે તે શકય નથી અત્યારે અનેક નવી અભિનેત્રીઓ વચ્ચે ટકવાનું છે અને ફિલ્મનું બજાર વિત્યા સોળ મહિનાથી મંદ પડી ગયું છે. બજાર ફરી ગરમ થાય તો સૈયામી નવા સાહસ કરે!

Most Popular

To Top