સૌરાષ્ટ્રની ધરતી સંત, શૂરા અને દાતારની ભૂમિ કહેવાય છે. સંતો અને શૂરવીરોની ઉદારતા અને દાતારીની કથાઓથી ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો ધન્યતા અનુભવે છે. સંત કવિઓની એક લાંબી શૃંખલા સૌરાષ્ટ્રની ભૂમિને ગૌરવાન્વિત કરે એવી છે. નરસિંહ મહેતા, ભાણસાહેબ, મીઠાભગત, સવાભગત, ગંગાસતી અને પાનબાઇ, દાસીજીવણ, દેશળ ભગત અને એવું તો લાંબું લિસ્ટ બનાવી શકાય તેવી સંતકવિઓની રચનાઓએ આજના ગવાતા ભજનો છે. અહીં એવા જ ઉત્તમ ભજનોની શ્રેષ્ઠ શૃંખલા આપનાર સંતકવિ દાસીજીવણને નજીકથી ઓળખવાનો પ્રયાસ છે.
TV, મોબાઇલ નહોતા ત્યારે રોજિંદા મનોરંજનનો એકમાત્ર આધાર રેડિયો હતો. ગુજરાતના દરેક રેડિયો સ્ટેશન પરથી વહેલી સવારે પ્રાચીન ભજનો પ્રસારિત થતાં અને એ રીતે પ્રત્યેક લોકોની સવાર પડતી, ચાની ચુસ્કી લેતા હાથમાં વહેલી સવારનું પેપર વાંચતાં વાંચતા સાંભળવા મળતા રેડિયો પરના એ પ્રાચીન ભજનોના રચયિતા વિશે જાણવાનો બહુ ઓછા લોકોને રસ હોય પણ આજે આધુનિક ઇલેકટ્રોનિકસ યુગમાં પણ રેડિયો પરની એ પ્રાચીન ભજનો પ્રસારિત કરવાની પરંપરા જળવાઇ રહેલી છે. મોડી રાત સુધી મોબાઇલ કે TV પ્રોગ્રામો જોયા કરવાથી આપણી સવાર કદાચ વહેલી નથી પડતી અને ખોવાઇ ગયેલ રેડિયોમાં પ્રાચીન ભજનો સાંભળવા નથી મળતા.
આધુનિકતા સાથે આપણે સાંસ્કૃતિક પરંપરાઓને ભૂલી જઇ રહ્યા છીએ. મોબાઇલ – TV પહેલાંના એ સમયે ગામનું રામજીમંદિર હોય કે પાદરના વડલાનો ઓટલો, સત્સંગનું ફળિયું હોય કે શેરી-મહોલ્લો ઢળતી સાંજે કયાંક ને કયાંક હાર્મોનિયમ, તબલા, ઝાંઝ-પખાજ, મંજીરા અને તંબુરના તાલે ગવાતા ભજનો જરૂર સાંભળવા મળતા હવે ભકિતસભર ગવાતા ભજનોનો એવો માહોલ બહુ ઓછો જોવા મળે છે. રાજકોટના ગોંડલ પાસે આવેલ ખોબા જેવડા ઘોઘાવદર ગામના મેઘવાળવાસમાં રહેતું જગા દાફડા અને સામબાઇ નામનું યુગલ ગોંડલ સ્ટેટના મરેલા પશુઓના ચામડા ઉતારી તેને કેળવવાનો ઇજારો રાખતું હતું. તેના આ વ્યવસાય થકી કોઇ એને ચમારજ્ઞાતિના હોવાનું કહે છે.
વ્યવસાય સાથે ઘરમાં એક ભકિતપૂર્ણ વાતાવરણ હતું. આવા ધાર્મિક વાતાવરણમાં આ યુગલને ત્યા ઉછેરેલો પુત્ર જીવણદાસ ધર્મના રંગે રંગાઇને ભજનો રચતો થઇ ગયેલો. પિતાને વ્યવસાયમાં મદદ કરવા સાથે કૃષ્ણભકિતની ઉત્તમ રચનાઓ તૈયાર કરી ઢળતી સાંજે એકતારો લઇ સત્સંગીઓ સાથે ભજન ગાવા બેસી જતો. ભકિતના રંગે રંગાયેલા જીવણદાસની ઇચ્છા નહિ હોવા છતાં માતા-પિતાની લાગણી જોઇને માલુબાઇ નામની ભકિતવાન બાઇ સાથે લગ્ન કરેલા. ભગવાન કૃષ્ણની મીરાંબાઇની જેમ ભકિત કરતાં કરતાં પોતાને કૃષ્ણની પટરાણી માની કૃષ્ણની મૂર્તિને ભાત-ભાતના શણગારોથી સજાવતા. દાસ્યભાવે તેની ભકિત થકી તે દાસીજીવણ તરીકે ઓળખાવા લાગ્યા. તેઓ માનતા કે ગુરુ વિના જ્ઞાન નથી મળતું એટલે તેજસ્વી લાગતા સાધુ – સંતાને તે ગુરુ બનાવતા. પણ હૈયું ઠરે એવો આત્મસંતોષ નહોતો મળતો.
કહેવાય છે કે દાસીજીવણે 17 જેટલા ગુરુઓ બનાવ્યા હતા. આજુબાજુના ગામોમાં ભજન – સત્સંગ કરવા જતા હોવાથી તેમના ઘરે પણ સાધુ-સંતોની અવર-જવર વધી ગઇ હતી. ટુકડામાંથી ટુકડો આપીને પણ અતિથિઓનો આદરસત્કાર કરવાની તેમની ભાવનાથી પંથકમાં દાસીજીવણ ખૂબ જાણીતા બન્યા હતા. આવા જ એક ભજનના કાર્યક્રમ થકી રવિભાણ સંપ્રદાયના સિધ્ધસંત ત્રિકમસાહેબના શિષ્ય એવા મોરબી પાસેના આમરણ ગામના સંત શ્રી ભીમસાહેબના સંપર્કમાં આવ્યા અને તેમનામાં પ્રેમલક્ષણા ભકિતનો જુવાળ આવ્યો. દાસીજીવણની રચનાઓ સાદી, સરળ અને મર્મસ્પર્શી હોય છે. ઇ.સ. 1750 માં જન્મેલા દાસીજીવણની રચનાઓ આજે પોણા ત્રણસો વર્ષ પછી પણ લોકજીભે ગવાતી રહી છે. એક અંદાજે દાસીજીવણે 108 જેટલી ઉત્તમ રચનાઓ લખેલી છે.
પણ બહુ પ્રસિધ્ધ ના થઇ હોય તેવી રચનાઓ સાથે 137 થી વધુ સંખ્યા હોવાનું કેટલાક જાણકારો કહે છે. મોરના ઇંડા ચિતરવા ના પડે એવી એક કહેવત અનુસાર દાસીજીવણના પરિવારમાં એક માત્ર પુત્ર દેશળભગત હતા તેઓ પણ પ્રખર સંતકવિ તરીકે વિખ્યાતિ પામ્યા છે. દાસીજીવણના કૃષ્ણ સમર્પિત જીવનના કેટલાક પરચાઓ ઇતિહાસે નોંધ્યા છે. જેમાં એક રસપ્રદ કિસ્સો છે. દેવીદાસ બાપુની જગ્યા પરબધામ છે. ત્યાં એક વાર દાસીજીવણ ભજનમંડળી સાથે ગયેલા એ વખતે પરબધામ જગ્યાના મહંત શાદુળભગત હતા. બધાએ સાથે પ્રસાદ લીધો અને ભકિતભાવથી વાતો કરતા બેઠા હતા તે દરમ્યાન જગ્યામાં આવેલ કૂવા વિશે વાત થઇ કે કૂવામાં પાણી નથી.
ઘણા કસ જોવરાવ્યા પણ પાણી નથી તો દાસીજીવણે કૂવામાં ઉતરીને કસ જોવાની વાત કરી. શાદુળ ભગતે ખાટલી મંગાવી, દોરડાથી બાંધીને ખાટલીમાં બેસાડી દાસીજીવણને કૂવામાં ઉતાર્યા. દાસીજીવણ અંદર હતા તે દરમ્યાન શાદુળભગતે ખાટલી બહાર ખેંચાવી લીધેલ. દાસીજીવણે કૂવામાં તપાસ કરીને કહ્યું કે પાણી તો નથી અને જલ્દી આવે તેવું પણ નથી લાગતું મને બહાર કાઢો. ત્યારે શાદુળભગતે કહ્યું કે તમે ભગવાનના પરમ ભકત છો. તમે ચમત્કાર કરીને પાણી લાવો પછી જ બહાર કાઢીએ. દાસીજીવણે કહ્યું કે એવા ચમત્કાર તો મને નથી આવડતા પણ ભજન થકી પ્રભુને વિનવું કે મહેર કરે…. તો લાવો મારો એકતારો… નીચે મોકલો… દોરડા થકી એકતારો કૂવામાં મોકલ્યો અને દાસીજીવણે એક પછી એક ચાર ભજનો ગાયા ત્યાં જ ભગવાનની મહેર થઇ હોય એમ કૂવામાં ચારે બાજુથી પાણીની સેરો ફૂટવા લાગી અને કૂવામાં પાણી ભરાતું થયું.
દાસી જીવણને કૂવામાંથી બહાર કાઢી શાદુળભગતે તેના પગ પકડી માફી માગી કે સતના પારખા કરવાના મારા અપરાધને માફ કરી દો. એવો જ એક કિસ્સો છે કે ગોંડલ સ્ટેટનો કર ના ભરી શકવાના કારણે ગોંડલના રાજવીએ તેને જેલમાં પૂરી દીધેલા પણ કરસન યાદવ નામના તેજસ્વી માણસે દાસીજીવણનો કર અને દંડ ભરી દીધો તેથી તેને જેલમાંથી મુકિત મળી. દાસીજીવણ કહે છે હું કોઇ કરસન યાદવને નથી ઓળખતો પણ એ યાદવ કુળનો કૃષ્ણ છે એણે જ મને મુકત કરાવ્યો છે.
ઇ.સ. 1825માં 75 વર્ષનું આયુષ્ય ભોગવી દાસીજીવણે તેમના જ ઘોઘાવદર ગામમાં સમાધિ લીધી હતી. તેમના સમાધિ સ્થાન પર મંદિર બંધાયું છે જયાં દાસીજીવણની વિશાળ કદની તસવીર દર્શનીય છે. દાસીજીવણના પુત્ર દેશળભગતને એક દીકરી જ હતી જેને પાસેના દડવા ગામના સાતાભગત સાથે પરણાવેલા, સાતાભગતના બે દીકરા પુરણદાસ અને હમીરદાસ હતા. પુરણદાસના ત્રણ દીકરા હિરદાસ, જીવાદાસ અને મંગળદાસ થયા. તેઓના વંશજો જ આજે દાસીજીવણની જગ્યામાં સેવા-પૂજા સંભાળે છે.