Sports

સાયકા ઈશાક કોલકાતાના પાર્ક સર્કસથી લઈને WPLમાં પર્પલ કેપ સુધીની સફર

હાલમાં મુંબઇમાં રમાઇ રહેલી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં ભારતની યુવા ક્રિકેટરોએ પોતાનું કૌવત બતાવવા માંડ્યું છે. જે રીતે ઇ્ન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થયા પછી ભારતની પુરૂષ ક્રિકેટ ટીમની બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત બની હતી તેવી જ સ્થિતિ હવે મહિલા ક્રિકેટમાં પણ આવે તેવી સંભાવના દેખાઇ રહી છે. આવી જ એક યુવા મહિલા ક્રિકેટરની આપણે અહીં વાત કરવાના છીએ. નામ છે એનું સાયકા ઇશાક. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બે વિકેટ લીધા બાદ WPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં ટોચ પર પહોંચીને પર્પલ કેપ હોલ્ડર બની હતી. સાઇકાએ તે સમયે જ એકદમ સ્પષ્ટપણે કહ્યું હતું કે ‘મેં બોલર હું, ઔર યહાં વિકેટ લેને આયી હૂં.’ તે પછી બે દિવસ બાદ તેણે દિલ્હી કેપિટલ્સ સામે વધુ ત્રણ વિકેટ લીધી હતી . તેના પ્રદર્શનના આધારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ દિલ્હીને માત્ર 105 રનના કુલ સ્કોર પર આઉટ કરવામાં સફળ રહી હતી. મુંબઈ અને દિલ્હી વચ્ચેની આ મેચ ઘણી રીતે મહત્વની હતી. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો અત્યાર સુધી અજેય રહી હતી. દિલ્હીની ટીમે સતત બે મેચમાં 200નો આંકડો પાર કરી લીધો હતો, પરંતુ WPLમાં શાનદાર એન્ટ્રી લેનારી સાયકાની સામે તેઓ કંઈ કરી શક્યા ન હતા.

સાઇકા દક્ષિણ કોલકાતાના પાર્ક સર્કસથી ખૂબ જ નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવે છે. 15 વર્ષ પહેલા અવસાન પામેલા તેના પિતા દ્વારા તેને આ રમતનો પરિચય થયો હતો. તેણે અંડર-19 અને અંડર-23 સ્તરે બંગાળ માટે સખત મહેનત કરી છે. જો કે, 2018 માં ખભાની ઇજાએ તેને થોડા વર્ષો માટે પાછળ ધકેલી દીધી હતી. જેનાથી તેનો આગળનો રસ્તો વધુ મુશ્કેલ બન્યો હતો. એ ઈજામાંથી સાજી થયા બાદ ઈશાક વિકેટ લઈ શકી નહોતી. પરિણામે તેને બંગાળની ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવી હતી. તેનો આત્મવિશ્વાસ દિવસેને દિવસે ઘટી રહ્યો હતો પરંતુ તે દરમિયાન 2021માં તેની મુલાકાત બંગાળના લેફ્ટ આર્મ સ્પીનર શિબસાગર સિંહ સાથે થઇ હતી.

તેણે સાયકાની ટેક્નિકમાં નાના ફેરફારો કર્યા અને કેટલાક વીડિયો જોયા પછી સાઈકાને કહ્યું કે તે ખૂબ જ ફુલ લેન્થ બોલિંગ કરી રહી છે. આ કારણે બોલને ટર્ન કરવાનો મોકો નથી મળી રહ્યો. શિબસાગરે આ બાબતે એવું કહ્યું હતું કે મેં જોયું કે તે પ્રતિભાશાળી છે અને તેનામાં કંઈક અલગ છે. મેં તેને કહ્યું કે તેના બોલની લંબાઈ થોડી ઓછી કર, જેથી બોલ સ્પિન થઈ શકે. મેં તેને એમ પણ કહ્યું હતું કે તેણે વિકેટ લેવા માટે વધુ પડતા પ્રયાસ કરવાના સ્થાને યોગ્ય રીતે બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. શિવસાગર એવું ઉમેરે છે કે મેં તેને એક સમયે એક બોલ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આખી ઓવર વિશે ન વિચારવાનું કહ્યું હતું.

તેની માનસિકતા ધીમે ધીમે બદલાવા લાગી. પહેલા તે વિચારતી હતી કે તે કેટલી ઓવરમાં કેટલી વિકેટ લેશે. ભારતની માજી ઓલરાઉન્ડર રુમેલી ધર જ્યારે બંગાળની કેપ્ટન હતી ત્યારે સાઇકા તેની આગેવાનીમાં રમતી હતી. રૂમેલીને ઈશાકનું કદી ન હાર માનનારું અને લડાયક ચરિત્ર ખૂબ જ પસંદ હતું. રુમેલીએ કહ્યું હતું કે જ્યારે હું કેપ્ટન હતી, ત્યારે ઘણી વખત મેં તેને પૂછ્યું કે શું તે મુશ્કેલ સમયમાં વિકેટ લઈ શકશે, તે તરત જ હા કહેતી અને વિકેટ લેતી. તે બદમાશ (તોફાની) છે અને મોજ મસ્તી કરનારી એક પ્રેમાળ છોકરી છે. તે મસ્તી કરવાનું પણ જાણે છે અને લોકોને કેવી રીતે હસાવવા તે પણ સારી રીતે જાણે છે.

તેના પુનરાગમન પછીથી તે જાણે છે કે બોલને સ્પીન કરવા અને બેટરને મુશ્કેલીમાં મુકવા માટે તેણે ક્યાં બોલ ફેંકવો જોઈએ. તેણે શીખી લીધું છે કે ચોક્કસ ક્ષેત્રો, પરિસ્થિતિઓ, કેપ્ટન અને કોચના કોલનો જવાબ કેવી રીતે આપવો. તેની બોલિંગમાં ઘણું નિયંત્રણ છે. ઈશાકે ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ચાર વિકેટ ઝડપી હતી . અત્યાર સુધીમાં WPL પહેલા, શિબસાગર ઈશાકને પુરૂષ ક્રિકેટરો સાથે તાલીમ આપવા ઈસ્ટ બંગાળ ક્લબ લઈ ગયો. તેણે તમામ બેટ્સમેનોને ઈશાક સામે મોટા શોટ મારવા કહ્યું હતું.

શિબસાગરે કહ્યું, હતું કે તે એક બુદ્ધિશાળી બોલર છે. અઘરી ઓવરો નાખવામાં ક્યારેય ડરતી નથી. તે પાવરપ્લેમાં બે ઓવર નાખશે અને પછી ડેથ ઓવરમાં પણ બોલિંગ કરવા માંગશે. રન કોઈપણ બોલર સામે આવવાના જ છે પરંતુ તે હંમેશા વિકેટ લેવા માટે આશ્વસ્ત રહે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે WPL અનકેપ્ડ પ્રતિભાઓને બહાર કાઢવા અને તેમને રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવાનો માર્ગ શોધી કાઢશે. ભારતના વર્તમાન ડાબેરી સ્પીનરો રાજેશ્વરી ગાયકવાડ અને રાધા યાદવ સાતત્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે ઈશાકે માટે માર્ગ ખુલી શકે છે.

Most Popular

To Top