બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવાના આરોપીની રવિવારે વહેલી સવારે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીએ ગુનો કબૂલી લીધો છે. સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદને મુંબઈની બાંદ્રા હોલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપી 6 મહિના પહેલા જ બાંગ્લાદેશથી મુંબઈ આવ્યો હતો.
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કરવાના આરોપસર ધરપકડ કરાયેલા વ્યક્તિને આજે (૧૯ જાન્યુઆરી) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને પોતાનો ચહેરો બતાવવા કહ્યું. તેને તમામ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા અને પછી પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.
કોર્ટમાં આરોપીને પહેલા તેનો ચહેરો બતાવવાનું કહેવામાં આવ્યું અને પછી તેનું નામ પૂછવામાં આવ્યું. આરોપીએ પોતાનું નામ જણાવ્યું. કોર્ટે આરોપીને પૂછ્યું કે શું તેને પોલીસ સામે કોઈ ફરિયાદ છે? આના પર આરોપીએ ‘ના’ કહ્યું. પોલીસે જણાવ્યું કે અમને ઘટનાસ્થળેથી એક છરી મળી આવી છે. અમને લીલાવતી હોસ્પિટલમાં સૈફના શરીરમાંથી કાઢવામાં આવેલ છરી મળી આવી છે. છરીના ત્રણ ટુકડા થઈ ગયા હતા. બે ટુકડા મળી આવ્યા છે અને એકની શોધ ચાલી રહી છે. આરોપીએ ઘટના સમયે પહેરેલા કપડાં ક્યાંક છુપાવી દીધા છે.
આરોપી બાંગ્લાદેશી નાગરિક છે – પોલીસ
પોલીસે કોર્ટને જણાવ્યું કે આરોપીની ધરપકડ કર્યા પછી જાણવા મળ્યું કે તે બાંગ્લાદેશી નાગરિક છે. મુંબઈ પોલીસે કોર્ટને જણાવ્યું કે તે બાંગ્લાદેશથી ગુપ્ત માર્ગે ભારત આવ્યો હતો. અહીં તેને કોણે મદદ કરી અને કોણ તેને ટેકો આપી રહ્યું હતું? તેની ઓળખ સાથે અહીં કોણ કોણ રહે છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે કોર્ટ પાસેથી આરોપીની 14 દિવસની કસ્ટડી માંગી હતી. આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું કે તેની સામેના આરોપો ખોટા છે. આ મુદ્દાને વધુ પડતો ઉછાળો આપવામાં આવી રહ્યો છે કારણ કે પીડિતા એક સેલિબ્રિટી છે. જ્યારે સરકારી વકીલે કહ્યું કે તેમને ખબર છે કે સેલિબ્રિટી કયા વિસ્તારમાં રહે છે. તે જાણે છે કે ત્યાં સુરક્ષા છે. આમ છતાં તે અંદર પહોંચી ગયો જેનો અર્થ એ થયો કે તેણે તે યોજના બનાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી તેના વતન ગામ ભાગી જવાની તૈયારીમાં હતો ત્યારે તેને થાણેના હીરાનંદાની એસ્ટેટમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો. અધિકારીના જણાવ્યા અનુસાર માહિતી મળી છે કે આરોપી બાંગ્લાદેશના ઝાલોકાટી જિલ્લાનો વતની છે. પોલીસે જણાવ્યું કે આરોપી ચોરીના ઇરાદે અભિનેતા સૈફના ઘરમાં ઘુસ્યો હતો. ગુનાની તપાસ માટે વિવિધ તપાસ ટીમો બનાવવામાં આવી હતી અને ભારતીય દંડ સંહિતા (IPC) ની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુંબઈ પોલીસે કહ્યું હતું કે આરોપી બાંગ્લાદેશી નાગરિક છે. ઝોન 9 ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) દીક્ષિત ગેડામે કહ્યું કે તેમની પાસે માન્ય ભારતીય દસ્તાવેજો નથી. જપ્ત કરાયેલી કેટલીક વસ્તુઓ દર્શાવે છે કે તે બાંગ્લાદેશી નાગરિક છે.
તૈમૂર અને જહાંગીર પિતા સૈફને મળવા પહોંચ્યા
સૈફ અલી ખાનની તબિયત હવે સુધારા પર છે. દરમિયાન તેને મળવા પરિવારના સભ્યો પહોંચી રહ્યા છે. માતા શર્મિલા, બહેન સોહા અલી પણ સૈફને મળવા પહોંચ્યા હતા. માસૂમ જહાંગીર અને તૈમૂર પણ પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. તે સમયને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. કરીના પણ સૈફની સાથે રહી તેની સંભાળ રાખી રહી છે.