નવી દિલ્હી: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) મંગળવારે સહારા રિફંડ પોર્ટલને (Sahara Refund Portal) લોન્ચ કરી દીધું છે. આ પોર્ટલના (Portal) માધ્યમથી ઈન્વેસ્ટરોમાં (Investors) એક આશાનું કિરણ જાગ્યું છે કે તેઓના ફસાયેલા પૈસા (Money) તેમને પરત મળશે. દેશભરમાં લાખો નિવેશકોના કરોડો રૂપિયા સહારા ઈન્ડિયામાં ફસાયેલા છે. પોર્ટલના લોન્ચિંગ કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું કે સહારાની સહકારી સમિતિમાં જે લોકોનાં રૂપિયા વર્ષોથી ફસાયેલા હતા તે પરત કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
અમિત શાહે પોર્ટલ લોન્ચના કાર્યક્રમમાં કહ્યું શરૂઆતી પ્રક્રિયામાં લગભગ ચાર કરોડ લોકોને ફાયદો થશે. સહારા રિફંડ પોર્ટલ દ્વારા પારદર્શક રીતે રોકાણકારોને રૂ. 5,000 કરોડ પરત કરવામાં આવશે. સહારા અંગે તેમણે કહ્યું કે ઘણા વર્ષો સુધી કોર્ટમાં કેસ ચાલ્યો, મલ્ટી-એજન્સી જપ્ત થઈ, નરેન્દ્ર મોદીની સરકારે આવી સ્થિતિમાં રોકાણકારોના હિત માટે રિફંડ પોર્ટલ દ્વારા પહેલ કરી છે. તેમણે કહ્યું કે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો રોકાણકારોની સમસ્યાઓને ધ્યાનમાં લઈને કામ કરે છે તે અમારા માટે ગર્વની વાત છે. જેમણે રોકાણ કર્યું છે તેમને તેમના પૈસા પરત કરતા કોઈ રોકી શકશે નહીં. આ એક શાનદાર શરૂઆત છે અને પારદર્શિતા સાથે કરોડો લોકોને તેમની મહેનતના પૈસા પાછા મળવા લાગ્યા છે.
તેમણે વધુમાં કહ્યું ચાર સહકારી મંડળીઓનો તમામ ડેટા ઓનલાઈન છે. આ પોર્ટલ 1.7 કરોડ થાપણદારોને પોતાની નોંધણી કરાવવામાં મદદ કરશે. આ થાપણદારોના દાવાઓનું સમાધાન કરવામાં આવશે. થાપણદારોના બેંક ખાતામાં 45 દિવસમાં પૈસા પરત કરવામાં આવશે.
જાણો કેવી રીતે 45 દિવસમાં પરત આવશે રકમ
આ રિફંડ પોર્ટલ દ્વારા રકમ તે રોકાણકારોને પ્રથમ પરત કરવામાં આવશે જેમની રોકાણની પરિપક્વતા પૂર્ણ થઈ ગઈ છે. રોકાણકારો આ પોર્ટલ પર તેમના નામની નોંધણી કરશે. વેરિફિકેશન બાદ તેમના પૈસા રિફંડ કરવાની પ્રક્રિયા શરૂ થશે. રોકાણકારોના દસ્તાવેજો સહારા જૂથની સમિતિઓ દ્વારા 30 દિવસ સુધીમાં ચકાસવામાં આવશે. આ પછી ઓનલાઈન દાવો દાખલ કર્યાના 15 દિવસની અંદર રોકાણકારોને SMS દ્વારા જાણ કરવામાં આવશે. આ પછી રોકાણની રકમ બેંક ખાતામાં આવશે. એટલે કે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 45 દિવસનો સમય લાગશે. આ પછી જ રોકાણકારોના પૈસા પાછા આવશે.