વડોદરા : શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલ ભરવાડવાસ પાસે રોડ ઉપર પાર્ક કરેલી બસમાં સગીરાને ખેંચી લઈ જઈ દુષ્કર્મની વધુ એક ઘટનાથી ખડભળાટ મચ્યો છે. ત્રણ ભાઈઓ સગીરાને બસમાં ખેચી ગયો હતા અને જે પૈકી એક નરાધમે સગીરાને પીંખી નાખી હતી. જ્યારે અન્ય બે ભાઈઓએ બસની બહાર પહેરો રાખ્યો હતો. આ મામલે એક સપ્તાહ બાદ હરણી પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે અલગ અલગ ટીમો તૈયાર કરી મુખ્ય આરોપીને એમ.પી ખાતેથી ઝડપી પાડ્યો હતો. તથા બીજા બે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલ રેવડીયા મહાદેવ મંદિર નજીકના વિસ્તારમાં રહેતા અને મુળ મધ્યપ્રદેશના સગીરાના સંબંધીએ પોલીસને જણાવ્યું હતું કે, તે છુટક મજુરી કામ કરે છે. મારા સંબંધીના ત્રણ સંતાનો મારા મકાનની સામે રહે છે. જે પૈકી એક 16 વર્ષીય સગીરા મારી ભત્રીજી થાય છે. તે પણ મારી સાથે મજુરી કામ કરે છે. ચારેક દિવસ અગાઉ મારી મોટી ભત્રીજી ગામડે ગઈ હતી. જ્યારે નાની 16 વર્ષીય ભત્રીજી ઘરે જ રોકાઈ હતી.
ભત્રીજી કેટલાક દિવસોથી કામે આવતી ન હતી અને તે ઘરે એકલી હોવાથી મે તેની ખબર અંતર પુછવા ગયો હતો. ત્યારે મારી ભત્રીજી ખુબ રડતી હતી. જેથી તેને મે રડવાનું કારણ પુછતા તેને પેટમાં દુઃખાવો થાય છે તેમ જણાવ્યું હતું. તેણે હિંમત આપી હકિકત અંગે પુછતા, સગીરાએ જણાવ્યું હતું કે, તે ચારેક દિવસ અગાઉ સાંજના આઠ વાગ્યાની આસપાસ સાધુવાસવાણી સ્કુલ પાસે આવેલી ઘંટી ઉપર દરણુ દળાવવા ગઈ હતી. ત્યારે તે રેવડીયા મહાદેવ મંદિર પાસેના ભરવાડવાસની સામેના રોડ પર બસ પાછળ લઘુશંકા કરવા ગઈ હતી. દરમિયાન સગીરાના જ ફળિયામાં રહેતો એક કિશોર પાછળથી આવ્યો હતો. અને તેને પકડી લીધી હતી. કિશોરના અન્ય બે ભાઈઓ બસમાં બેઠા હતા. જેથી કિશોરે બુમો પાડી તેમને બહાર બોલાવી લીધા હતા. ત્રણેય જણા સગીરાને પકડી બસમાં લઈ ગયા હતા. એક કિશોર બસમાં રહી ગયો હતો. જ્યારે અન્ય બે નીચે ઉતરી ગયા હતા અને દરવાજો બંધ કરી દઈ બહાર વોચમાં રહ્યા હતા. કિશોર સગીરાને બસની પાછળની સીટ પર લઈ ગયો હતો. અને બેહરેમીપુર્વક દુષ્કર્મ આચર્યું હતું. અને જાનથી મારી નાખવાની ધમકી આપી બનાવ અંગે કોઈને જાણ ન કરવા જણાવ્યું હતું.
હરણી પોલીસે દુષ્કર્મના મુખ્ય આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો
સગીરા ખુબ ગભરાઈ ગઈ હતી. જેથી તેણે કોઈને જાણ કરી ન હતી. જો કે સગીરાના કાકાને બનાવની જાણ થતા તેઓ સગીરાને તાત્કાલીક તેમના મધ્યપ્રદેશના ગામે ફરિયાદ નોંધાવવા લઈ ગયા હતા. બનાવ વડોદરામાં બન્યો હોવાથી મધ્યપ્રદેશની પોલીસે તેમજ ગામના સરપંચે સગીરાના કાકાને વડોદરા ખાતે ફરિયાદ નોંધાવવા જાણ કરી હતી. જેથી સગીરાના કાકાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આરંભી હતી. જો કે દુષ્કર્મનો મુખ્ય આરોપી મધ્યપ્રદેશ ખાતેથી ઝડપાઈ ગયો હતો. જ્યારે પોલીસે અન્ય બેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ત્રણ આરોપીઓ પૈકી એક પટેલ ટ્રાવેલ્સની બસનો ડ્રાઈવર
ગત તા.11ના રોજ હરણી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો બનાવ નોંધાયો હતો. જેમા ત્રણ આરોપીઓ પૈકી મુખ્ય દુષ્કર્મ આચરનાર સગીર છે. જેને હરણી પોલીસ મધ્યપ્રદેશ ખાતેથી પકડી લાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી પટેલ ટ્રાવેલ્સની બસનો ડ્રાઈવર છે. ફોરેન્સીકની ટીમ દ્વારા બસની ચકાસણી કરવામાં આવી હતી. અન્ય બે આરોપોઓને પકડી પાડવા પોલીસની ટીમો બનાવવામાં આવી છે. હાલ મુખ્ય આરોપી પકડાઈ ગયો છે. – ભરત રાઠોડ, ACP એચ ડીવિઝન