નડિયાદ: કપડવંજમાં રહેતી સગીરાને સોશિયલ મિડીયા ઉપર સંપર્ક થયા બાદ લગ્નની લાલચ આપીને ભગાડી જઇ તેની પર દુષ્કર્મ આચરનાર રાજકોટના શખ્સને નડિયાદ કોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.
મૂળ ચોટીલાનો અને રાજકોટના કોટડા સાંધાણી તાલુકાના પીપળાતા ગામે રહેતા મેહુલ ઉર્ફે કિરણ બાબુભાઇ ડેડાણીયા સોશિયલ મિડીયાના માધ્યમથી કપડવંજની સગીરાના સંપર્ક આવ્યો હતો. પ્રાથમિક વાતચીત બાદ મિત્રતા ગાઢ બનતાં મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. બાદમાં મેહુલ નિયમિત રીતે સગીરાને ફોન અને મેસેજ કરતો હતો.
દરમિયાન તેણે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને તા. ૨-૨-૨૦૨૦ ના રોજ તેને કપડવંજથી ભગાડી ગયો હતો. મેહુલ સગીરાને રાજકોટના પીપળાતા ગામના જે કારખાનામાં તે કામ કરતો હતો ત્યાંની ઓરડીમાં લઇ ગયો હતો અને ત્યાં તેણી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કપડવંજ ટાઉન પોલીસે ફરીયાદના આધારે મેહુલ ઉર્ફે કિરણ ડેડાણીયાની અટક કરી હતી.
આ કેસ ગુરૂવારે નડિયાદના બીજા એડિ.સેસન્સ ન્યાયાધિશ ડી.આર.ભટ્ટની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાહુલ જી. બ્રહ્મભટ્ટની દલીલો તેમજ દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓને ધ્યાનમાં લઇને કોર્ટે મેહુલ ઉર્ફે કિરણને ઇપીકો કલમ 3૬3 અને 3૬૬ ના ગુનામાં ૫ વર્ષની સખત કેદ અને રૂ.૫ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદ, ઇપીકો કલમ 3૭૬ તેમજ પોક્સો એક્ટની કલમ 3(એ) ૪ ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૨ માસની સાદી કેદની સજા, પોક્સો એક્ટની કલમ ૫(એલ) સાથે કલમ ૬ ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદ અને રૂ.૧૦ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ પોક્સો એક્ટની કલમ ૧૨ના ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા અને રૂ. ૫ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત રૂ. ૨ લાખ વળતર પેટે ચુકવી આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
સગીર બાળાઓ ઉપર અત્યાચારના ગુના વધી રહ્યા છે
આ કેસમાં સરકારી વકીલ રાહુલ જી.બ્રહ્મભટ્ટે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, હાલમાં સમાજમાં સગીર દીકરીઓ ઉપર દુષ્કર્મના ગુના દિવસે – દિવસે વધી રહ્યા છે, જે અટકાવવા માટે આરોપીને સખત સજા કરી, સમાજમાં દાખલો બેસાડવો જોઇએ. જે દલીલને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને સજા ફટકારી હતી.