પેટલાદ : તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચૂંટણી માટે સોમવારના રોજ મતદાન હાથ ધરાયું હતું. જેની મતગણતરી મંગળવાર સવારે શરૂ થઈ હતી. જેમાં ખેડૂત વિભાગમાં ભાજપ અને કોંગ્રેસ સમર્પિત ઉમેદવારો વચ્ચે છેલ્લી ઘડી સુધી ભારે ખેંચતાણ જોવા મળી હતી. અંતે ખેડૂત વિભાગની દસ પૈકી 7 બેઠકો ભાજપ પ્રેરિત પેનલને મળી હતી. જ્યારે કોંગ્રેસ સમર્થિત વિકાસ પેનલને ત્રણ બેઠકો પ્રાપ્ત થઈ હતી. જો કે વેપારી વિભાગની તમામ ચાર બેઠકો ભાજપને મળતા તારાપુર બજાર સમિતીમાં ફરી એકવાર ભાજપ સત્તારૂઢ થઈ છે.
તારાપુર એપીએમસીની સામાન્ય ચૂંટણી 16 બેઠકો માટે જાહેર થઈ હતી. જેમાં સહકારી ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો માટે ભાજપ પ્રેરિત 2 જ ઉમેદવારી પત્રો ભરાતાં તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જેમાં ઈંન્દ્રસિહ ખુમાનસિંહ પરમાર (કસ્બારા) અને મદારસંગ ભાવસંગજી શિણોલ (ગલીયાણા)નો સમાવેશ થયો હતો. જેથી ત્યારબાદ ખેડૂત વિભાગની 10 તથા વેપારી વિભાગની 4 બેઠકો માટે આખરી યાદી પ્રસિદ્ધ થઈ હતી. જેનું મતદાન 17મીના રોજ થયું હતું. તારાપુર બજાર સમિતી ખાતે ચૂંટણી અધિકારી અને નાયબ નિયામક અભિષેક સુવાની ઉપસ્થિતીમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
જેથી સવારથી મતગણતરી સ્થળે તારાપુર તાલુકાના ખેડૂતો, વેપારીઓ, સહકારી આગેવાનો, ભાજપ – કોંગ્રેસના નેતાઓ, ઉમેદવારોના સમર્થકો વગેરે ઉમટી પડ્યા હતા. સૌપ્રથમ વેપારી વિભાગની મતગણતરી હાથ ધરવામાં આવતા જ પૈકી ચારેય ઉમેદવારો ભાજપ પ્રેરિત પેનલના વિજયી બન્યા હતા. જેથી કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો હતો.
બાદમાં ખેડૂત વિભાગની મતગણતરી શરૂ થતાં જ ભાજપ – કોંગ્રેસ છાવણીમાં ઉત્તેજના વધતી જતી હતી. જેમ જેમ મતગણતરી આગળ વધતી હતી તેમ તેમ બંન્ને પક્ષના ઉમેદવારોમાં મત મેળવવાની ખેંચતાણ જોવા મળતી હતી.
છેવટે બપોરે ચાર કલાકે મતગણતરી પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી અભિષેક સુવાએ પરિણામ જાહેર કર્યું હતું. જે જોતા ભાજપ પ્રેરિત પેનલને 7 અને કોંગ્રેસની વિકાસ પેનલને 3 બેઠકો મળી હતી. પરિણામ જોતા કુલ 16 પૈકી ભાજપ પ્રેરિત 13 અને કોંગ્રેસ સમર્થિત 3 ઉમેદવારો જીત્યા હોવાનું જાણવા મળે છે. જેથી તારાપુર APMC માં ફરી એકવાર કેસરીયો લહેરાતા ભાજપ સત્તારૂઢ બન્યું છે. કેસરીયા બ્રિગેડમાં આનંદની લાગણી વ્યાપી છે.
ચંદુભાઈ માધાભાઇ પરમાર નર્વસ નાઈન્ટીથી સિમીત
તારાપુરના સહકારી આગેવાન ચંદુભાઈ માધાભાઇ પરમાર થોડા સમય અગાઉ અમૂલની ચૂંટણી સમયે જ કોંગ્રેસનો હાથ છોડી ભાજપ સાથે જોડાયા હતા. જેથી આ વખતે તારાપુર એપીએમસીની ચૂંટણીમાં તેઓએ ભાજપ પ્રેરિત ખેડૂત વિભાગની પેનલમાંથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેઓના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય પુનમભાઈ માધાભાઇ પરમારના પુત્ર વિજયસિંહે પણ કોંગ્રેસની વિકાસ પેનલમાંથી ઉમેદવારી કરી હતી. જેથી કાકા – ભત્રીજા વચ્ચે ભારે ખેંચતાણ થવાના એંધાણ હતા. પરંતુ આજે પરિણામ જાહેર થતાં વિજયસિંહને 144 મત મળ્યા હતા, જ્યારે ચંદુભાઈને માત્ર 97 મતથી સંતોષ માનવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અમૂલના ચેરમેન – વા.ચેરમેનની ચૂંટણી સમયે સીતાબેન ચંદુભાઈ ભાજપ સાથે જોડાતા અત્યારે એક તબક્કે તારાપુર એપીએમસીના ચેરમેનની રેસમાં ચંદુભાઈનું નામ આગળ ચાલતું હોવાની વાત ચર્ચાસ્પદ હતી. પરંતુ હવે ચંદુભાઈનો પરાજય થતાં તે અટકળોનો અંત આવ્યો હોવાનું જાણવા મળે છે.
વિજેતાઓને મળેલ મત
પૃથ્વીરાજસિંહ ગોહિલ (148 – ભાજપ), વિજયસિંહ પરમાર (144 – કોંગ્રેસ), રાજેન્દ્રકુમાર પટેલ (142-કોંગ્રેસ), મુળુભાઇ પરમાર (140- ભાજપ), ઘનશ્યામસિંહ ગોહિલ (138 – કોંગ્રેસ), મહેશભાઈ મકવાણા (135 – ભાજપ), કુંવરસિંહ સોલંકી (131 – ભાજપ), મથુરભાઈ ચૌહાણ (124 – ભાજપ), ભગવતસિંહ પરમાર (122 – ભાજપ), પિયુષભાઈ પટેલ (109 – ભાજપ)
ફેર મતગણતરીની જોગવાઈ નથી
મતગણતરી પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીએ પરિણામ જાહેર કર્યું હતું. જેની સામે કોંગ્રેસની વિકાસ પેનલના રણછોડભાઈ ભરવાડ અને લધુભા ગોહિલે મતગણતરી સામે પ્રશ્નો ઉઠાવતી અરજી આપી હતી. આ બંન્ને ઉમેદવારોને એકસરખા 108 મત મળ્યા હતા. વાંધા અરજીમાં જણાવ્યું હતું કે, મતગણતરી સ્થળ ખૂબ જ નાનું અને ભીડવાળું હતું. જેથી મતગણતરી સ્પષ્ટ જોઈ શકાતી નહોતી. જે બેલેટ પેપરમાં મતની સ્પષ્ટ છાપ જોવા મળતી ન હતી તેને પણ મતગણતરીમાં લેવાયા છે. ઉપરાંત મતગણતરી દરમ્યાન અમારા એજન્ટને બેલેટ પેપર પણ બતાવવામાં આવ્યા નથી. તેમાંય દસમા ક્રમાંકના વિજેતા વચ્ચે માત્ર એક જ મતનું અંતર હોવાથી ફેર મતગણતરીની માંગણી અરજદારોએ કરી હતી. જેના અનુસંધાનમાં ચૂંટણી અધિકારી અભિષેક ચુવાએ વાંધા અરજી નામંજૂર કરતાં હુકમ કર્યો હતો કે ગુજરાત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ રૂલ્સ 1965ની જોગવાઈ ધ્યાને લેતાં ફેર મતગણતરીની કોઈ જ જોગવાઈ નથી.
ખેડૂત વિભાગમાં રસ્સાખેંચ
ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 27 ઉમેદવારો હતા. જેમાં ભાજપ પ્રેરિત પેનલના 10, કોંગ્રેસની વિકાસ પેનલના 10 તથા અન્ય 7 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. મતગણતરી દરમ્યાન ભાજપ – કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હાર – જીત માટે મતોનું અંતર ખૂબ જ ઓછું જોવા મળતાં એક તબક્કે ભારે ઉત્તેજના જોવા મળતી હતી. પરંતુ છેવટે આ વિભાગમાં પણ ભાજપે બાજી મારી લેતાં સ્પષ્ટ બહુમત મળ્યો હતો.
વેપારી વિભાગમાં ક્લીન સ્વિપ
આ વિભાગની ચાર બેઠકો સામે તમામ ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો જીત્યા હતા. જેમાં દિલીપભાઈ પટેલ – 98, મહિપતસિંહ શિણોલ – 90, રાજેન્દ્રભાઈ ઠક્કર – 83 અને પ્રવિણભાઈ વાઘેલાને – 78 મત મળ્યા હતા.