શહેરમાં હિન્દુ-મુસ્લિમ તોફાન થઇ શકે તેવું તણાવ ભરેલું વાતાવરણ હતું. દરેક મકાન, ગલીઓ, સોસાયટીઓમાં ડર ફેલાયેલો હતો. જ્યાં હિન્દુ-મુસ્લિમ સાધારણ પરિસ્થિતિમાં હળીમળીને ત્યાં પણ બધા એકબીજા પર શક કરવા લાગ્યા હતા અને એકબીજા તરફ ગુસ્સાથી જોતા અને જો કઈ થાય તો મારા-મારી કરી એકબીજા પર હુમલો કરવા અંદરથી તૈયાર થઇ ગયા હતા. આમ દોસ્ત બની એકબીજાના ઘરે જમનારા આજે કારણ વિના માત્ર હિન્દુ કે મુસલમાન હોવાને કારણે દુશ્મન બની ગયા હતા.
એક સોસાયટીમાં તોફાન થાય તો હિન્દુઓના હુમલાથી કેમ બચવું તે વિચારવા મુસલમાનો એકબાજુ ભેગા થયા હતા. તેમને ભેગા થયેલા જોઈ હિન્દુઓ પણ વળતો હુમલો કેમ કરવો તે નક્કી કરવા ભેગા મળ્યા. હિન્દુ અને મુસલમાન એમ બે ભાગ પડ્યા અને ત્યાઁ જ બોલાચાલી શરૂ થઇ. એક વયોવૃદ્ધ કાકા લાકડી લઇ ઊભા થયા અને કડક અવાજે બોલ્યા, ‘બધા મારી સાથે ચાલો.’ કાકાનું સોસાયટીમાં માન ઘણું એટલે આવા વાતાવરણમાં પણ કોઈ ના પડી શક્યું નહિ. બધા એક સાથે તેમની પાછળ ગયા. કાકાએ ગલીમાં એક બીજાની સામે કારણ વિના ભસતાં કુતરાઓને એક પથ્થર મારીને ભગાવી દીધા.
પછી એક જ સોસાયટીમાં રહેતા પણ અત્યારે હિન્દુ અને મુસલમાન બની પાડોશીઓમાંથી દુશ્મન બની બેઠેલા બધા લોકોને કાકા કડક અવાજમાં ખીજાયા કે ‘માણસ થઈને કૂતરાઓની જેમ ઝઘડો છો, શરમ નથી આવતી. જુઓ આ કૂતરાઓ અંદર અંદર ઝઘડતાં હોય છે એટલે કોઈ પણ તેમને પથ્થર મારીને નુકસાન પહોંચાડી શકે છે, ભગાડી શકે છે, કારણ તેમની વચ્ચે એકતા અને સંપ નથી. તમે બધા પણ વર્ષો જુનો પ્રેમ અને સંબંધ ભૂલી આજે કોઈ કારણ વિના એકબીજાના દુશ્મન બની બેઠા છો. જરા વિચારો શું સાચે તમારામાંથી કોઈએ પણ કોઈનું કઈ બગાડ્યું છે ખરું?
તો પછી આ નફરત શા માટે? એના કરતા તો એક રહો, જાતિ, ધર્મના નામે કોઈ કઈ પણ બોલી દુશ્મનીની આગ સળગાવવાની કોશિશ કરે તો તે આગ પર સંપ અને સ્નેહની ધારા વહાવી તે આગને વધે તે પહેલા જ શાંત કરી દો. નહિ તો નફરત અને ક્રોધની આ જ્વાળા દુશ્મની અને વેરની આ ચિનગારી માત્ર તમને જ નહિ સમાજ અને દેશને ભરખી જશે. એકતા અને સંપ રાખો તો સલામત રહેશો અને દેશને સાચવી શકશો. કાકાની વાતથી બાધની આંખો ખુલી ગઈ. હિન્દુ અને મુસલમાન એમ બે ટોળા એક થઈને કોઈનો પણ સામનો કરવા સજ્જ થયા અને પોતાનો સંપ જાળવી રાખવાનું નક્કી કર્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
