Comments

‘સલામત માતૃત્વ દિવસ’ અને નવા પડકાર

માતૃ મૃત્યુ દર હજુ પણ એક ગંભીર પ્રશ્ન છે. દર વર્ષે ભારતમાં દર એક લાખ પ્રસુતિએ ૧૦૩ મહિલા મૃત્યુ પામે છે. ભારતની ગણતરી ઊંચા માતૃ મૃત્યુ દર ધરાવતા દેશોમાં થાય છે. પ્રસુતિ સમયે મૃત્યુ પામતી માતામાંથી ૧૨ ટકા ભારતીય હોય છે. આ સમસ્યા પાછળ ઘણા કારણો જવાબદાર છે, જેમાં કુપોષણ, અપૂરતી સમજ અને સ્વચ્છતાનાં અભાવ જેવા નિવારી શકાય એવા કારણો પણ છે. આ અંગે યોગ્ય જાગૃતિ ઊભી થાય, જે લાંબાગાળે પ્રશ્નને હલ કરવામાં મદદ મળે હેતુથી ‘રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ’ મનાવવાની દરખાસ્ત વિકાસના કાર્યો કરતા ૧૮૦૦ સંસ્થાના સંગઠન WRAI (White Ribbon Alliance India) દ્વારા કરવામાં આવી. ૨૦૦૩થી ભારત સરકારે કસ્તુરબા ગાંધીનો જન્મદિવસ ૧૧મી એપ્રિલનો દિવસ આ માટે નક્કી કર્યો. આ દિવસની જાહેરાત કરતા સરકારે કહ્યું હતું કે કોઈ પણ સ્ત્રીનું ગર્ભાવસ્થા કે પ્રસુતિ સમયે મૃત્યુ ના થાય એ માટે જરૂરી વ્યવસ્થા અને જાગૃતિ ઊભા કરવા જરૂરી છે. યોગ્ય સ્વાસ્થ્યની વ્યવસ્થા, પુરતું પોષણ અને ગર્ભાવસ્થાના દરેક તબક્કે જરૂરી સહાય પૂરી પડી રહે એ માટેનું માળખું ગોઠવવાની દિશામાં કામ કરવું એ ઉદ્દેશ્ય માટેના એક પગલા તરીકે આ ઉજવણીની શરૂઆત થઇ.

માતૃ મૃત્યુ દર એક અગત્યનો આરોગ્ય સૂચકાંક ગણાય છે કારણ કે, ગર્ભાવસ્થા કે પ્રસુતિ સમયે ઊભા થતાં સ્વાસ્થ્યનાં જોખમ પાછળના કારણોથી તબીબ વિજ્ઞાન માહિતગાર છે જેને યોગ્ય સારવાર દ્વારા કાબૂમાં રાખવા શક્ય છે. એટલે જો પ્રસુતિ સમયે મહિલાઓ મૃત્યુ પામતી હોય તો એ ગરીબી અને સામાજીક-આર્થિક અસમાનતાની નિશાની છે, જે આરોગ્ય વ્યવસ્થાની ગુણવત્તા પર સવાલ ઉઠાવે છે. પાછલા બે દાયકામાં આરોગ્યની સુવિધામાં સુધારો થવાની સાથે ભારતમાં માતૃ મૃત્યુ દરમાં ઘણો ઝડપથી સુધારો આવ્યો છે. ભારત સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે ૨૦૦૦ થી ૨૦૨૦ દરમ્યાન માતૃ મૃત્યુ દર પ્રતિ લાખે ૩૮૪ થી ઘટીને ૧૦૩, એટલે કે લગભગ ૮૪ ટકા ઘટ્યો છે.

તેમ છતાં વૈશ્વિક સ્તરે સરખામણી કરતાં ભારત હજુ ઘણું પાછળ છે. કૂલ ૧૮૬ દેશોની યાદીમાં ભારતનો ક્રમાંક ૬૮ છે, એટલે કે ૧૧૮ દેશમાં ભારત કરતા પરિસ્થિતિ સારી છે. જો કે વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફના ૨૦૨૫માં પ્રકાશિત થયેલા રીપોર્ટ મુજબ વિશ્વભરમાં તેમ જ ભારતમાં માતૃ મૃત્યુ દરનાં ઘટાડાની પ્રગતિ ૨૦૧૬થી ધીમી પડી છે. નિષ્ણાતોના મત પ્રમાણે ભારતમાં પ્રજનન દર જ ઘટ્યો છે જે માતૃ મૃત્યુ દર ઘટવા માટેનું અગત્યનું પરિબળ હોઈ શકે પણ પ્રાથમિક કે માધ્યમિક આરોગ્ય સેવા કેન્દ્રોની સવલતોમાં ખૂબ ધીમી પ્રગતિ થઇ રહી છે જેને કારણે ધાર્યા પરિણામો મળી રહ્યા નથી. જો કે, ૨૦૨૦થી ૨૧ વચ્ચે પ્રગતિ ધીમી પડવા પાછળ કોવીડ પણ એક મોટું કારણ ગણી શકાય કારણ કે, આ સમય દરમ્યાન બધી સેવાઓની સાથે સાથે ગર્ભવતી મહિલાઓ માટેની આરોગ્ય સુવિધાઓ પણ ઠપ પડી હતી.

આરોગ્યના મુદ્દે અમેરિકાના ‘યુ.એસ.એઇડ’ દ્વારા ઘણી સહાય મળી છે જેણે માતૃ મૃત્યુ અને બાળ મૃત્યુ પર કાબૂ મેળવવામાં પ્રગતિ કરી શક્યા છીએ. ભારતમાં છેવાડાના લોકો સુધી પહોંચવા માટે સરકારી તંત્ર કરતા બિનસરકારી સંસ્થાઓ વધુ અસરકારક સાબિત થઇ છે. આવી ઘણી સંસ્થાઓને આર્થિક અનુદાન યુ.એસ.એઇડ જેવી સંસ્થા તરફથી મળે છે જેના આધારે તેઓ ધરાતલ પર કામ કરતા હોય છે.

૧૯૬૧માં યુ.એસ.એઇડ.ની સ્થાપના થઇ ત્યારથી તેનો મુખ્ય હેતુ જ વિશ્વભરના વંચિત વર્ગ સુધી માનવતાના ધોરણે સહાયતા પહોંચાડવાનો રહ્યો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પદાગ્રહણ પછી સૌથી પહેલો અને સૌથી મોટો કાપ યુ.એસ.એઇડ પર આવ્યો છે. એમના મત પ્રમાણે આ કેટલાક ડાબેરી વિચારધારા ધરાવતા ‘ગાંડા લોકોની’ સંસ્થા છે ટ્રમ્પના નજીકનાં સહયોગી અને બિઝનેઝ મેન એલન મસ્ક તો યુ.એસ.એઈડને ‘ગુનાહિત સંસ્થા’ કહી ચુક્યા છે. એટલે અમેરિકાનાં વર્તમાન રાજકીય નેતૃત્વ પાસેથી માનવતાવાદી નાણાકીય સહાય આવતી દેખાતી નથી.

૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં ભારતના આરોગ્ય ક્ષેત્રે ૫૫ મિલિયન ડૉલર ફાળવવામાં આવ્યા હતા. અલબત્ત આ રકમ ભારતના કૂલ આરોગ્ય બજેટનો ખૂબ નાનો ભાગ છે, પણ જો વંચિત વર્ગ માટે જેનો સીધો ઉપયોગ થાય એવા નાણા ભંડોળને માત્ર ધ્યાનમાં લઈએ તો આ વિદેશી સહાય એનો મોટો હિસ્સો છે. ગામડાઓ સુધી પહોંચતી જીવન બચાવતી દવાઓના પુરવઠા પર એની સીધી અસર પડી શકવાની ભીતિ છે, જે ગર્ભાવસ્થા અને પ્રસુતિને સલામત બનાવવા માટે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ધરાતલના આરોગ્ય કાર્યકરોના પગાર પણ સીધી અસર પડી શકે છે જે લોકોના ઘરે ઘરે જઈને આરોગ્ય સેવા પૂરી પાડતા રહ્યા છે. આ વ્યવસ્થામાં કાપ આવતા માતૃ મૃત્યુ દર પર કાબૂ મેળવવાની આપણી સફર પર અવળી અસર થઇ શકે છે. આ સંજોગોમાં ભારત સરકાર શું નીતિ અપનાવી શકે એની ચર્ચા પણ આજના ‘સલામત માતૃત્વ દિને’ થવી જરૂરી છે.
નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top