ગુજરાતી ભાષાના જ્ઞાન-વિજ્ઞાનના અવિરત ૪૦ ઉપર વર્ષોથી પ્રકાશિત ‘સફારી’ સામયિકની સફર, વાચકોના અભાવે જૂન, ૨૦૨૫ના અંતિમ અંક સાથે આશ્ચર્ય અચરજપૂર્વક અંત પામી. સફારી તંત્રીશ્રી નગેન્દ્ર વિજય પાસે અઘરા ગણાતા ઈતિહાસ તથા વિજ્ઞાન વિષયને ગુજરાતી ભાષામાં રસાળ તથા સરળ રીતે પીરસવાની સુંદર કળા છે, જે કળા વર્ષોવર્ષ સફારી થકી ગુજરાતીઓને મળતી રહી. પણ, સ્માર્ટ ફોનમાં સસ્તા ડેટા થકી સોશ્યલ મિડિયાને સ્ક્રોલ કરવામાં, ઓનલાઈન ગેમ રમવામાં સમાજે વાચકો ગુમાવ્યાં અને અનેક લેખકો, પ્રકાશકોને, પુસ્તકો, સામયિકો કેમ છાપવાં-છપાવવાં અને આજના મોંઘવારીના સમયે પ્રકાશનના બે છેડા ભેગા કરવામાં અતિશય તકલીફ વેઠવાનો વખત આવ્યો. જેમાં ‘સફારી’ની સફર પણ અનેક બંધ થતાં સામયિકોની જેમ સમાપ્ત થઈ ગઈ. આ બાબત દુઃખદ છે, વિચારવા લાયક છે અને સમાજ માટે લાલબત્તી સમાન છે. આપણે આવા વિષયે ખૂબ સાવધાન થઈ વિચારવાની તાતી જરૂર છે કે, આવાં બંધ થતાં પુસ્તકો, સામયિકો માટે આપણે શું કરવું, ક્યારે કરવું અને કેમ કરવું. સવાલ પેઢીને માનસિક રીતે ફળદ્રુપ બનાવવા કે ગુલામ બનાવવા તેના નિર્ણય વિશેનો છે. વિચારજો.
સુરત – મોહમ્મદ સાબીર ગાડીવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ચૌટા પુલનું રીપેરીંગ ઈમરજન્સી
શહેરના રાજમાર્ગ એવા સુરત ડિસ્ટ્રીક્ટ બેન્કની બાજુમાં આવેલો ચૌટા પુલ ઓવરબ્રિજની વર્તમાન સ્થિતિ ખૂબ જ જર્જરિત અને જોખમી છે. હજુ પણ આ પુલની ઉપર અનેક ભારે વાહનો અને સેંકડો રાહદારીઓ પુલની ઉપર અને નીચેની તરફ અવરજવર કરતાં હોય છે. પુલની સ્થિતિનું નિરીક્ષણ કરતાં એસ.એમ.સી.ના સંબંધિત અધિકારીઓ અને સત્તાધીશો લોકહિતમાં તાત્કાલિક યુધ્ધના ધોરણે આ પુલની મજબુતાઈ માટે જરૂરી રીપેરીંગની કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે. નહીં તો કોઈ મોટી દુર્ઘટના પણ બની શકે એમ છે. નિયમ એવો છે કે શહેરમાં સ્થાપિત દરેક પુલોની એક ચોક્કસ સમયમર્યાદા હોય છે. એ મર્યાદા પૂરી થતાં એસ.એમ.સી.નાં સત્તાધીશો-અધિકારીઓએ પુલોનું નિરીક્ષણ કરીને તેનો વર્તમાન સ્ટ્રક્ચરલ રીપોર્ટ આપવાનો હોય છે. શું આ નિયમનું યોગ્ય રીતે પાલન થાય છે ખરું?
મોટા મંદિર, સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે