
ચીખલી તાલુકા મથકને અડીને કાવેરી નદીના તટે આવેલું સાદકપોર ગામ રાજકીય, સહકારી, શિક્ષણ, ખેતીવાડી-પશુપાલન ક્ષેત્રે અગ્રેસર જોવા મળી રહ્યું છે. તાલુકાનાં ત્રણ મુખ્ય મોટાં ગામ પૈકીના સાદકપોર ગામમાંથી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પસાર થનાર હોય ગામની ભૌગોલિક સ્થિતિ બદલાઈ છે. ગામ કાવેરી નદીના કાંઠે હોવાથી ચોમાસામાં પૂરના સમયે ગોલવાડના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે. આ ગામ રસ્તા, પાણીની અદ્યતન સુવિધાથી સજ્જ ગામ છે.
સાદકપોર ગામ તાલુકાના ઘેજ અને રૂમલા એમ ત્રણ પૈકીનું એક મોટું ગામ છે. સાદકપોર ગામમાંથી ચીખલી-ખેરગામ-ધરમપુર રાજ્ય ધોરી માર્ગ અને ચીખલી-ફડવેલ-ઉમરકુઈ મુખ્ય જિલ્લા માર્ગ પસાર થાય છે. ગામના નાની-મોટી કોળીવાડ, ગામતળ, ગોલવાડ, ચાડિયા ફળિયા, ભવાની ફળિયા, કારિયા ફળિયા, ઇંગારી ફળિયા, અંબાજી ફળિયા, ખાખરી ફળિયા, નવા નગર, પોણિયા ફળિયા, રેંટિયા ફળિયા, કુંકણાવાડ, માહ્યાવંશી મહોલ્લો, કુંભારવાડ, એંધરવાડી સહિતનાં ફળિયાંમાં મુખ્યત્વે ઢોડિયા પટેલ ઉપરાંત કોળી પટેલ, પાટીદાર, દેસાઈ, આહીર, હળપતિ, નાયકા પટેલ, કુંકણા પટેલ, કુંભાર, માહ્યાવંશી સહિતના વિવિધ સમાજના લોકો વસવાટ કરે છે. ગામ તાલુકા મથકને અડીને આવેલું હોવાથી ગામનો ગોલવાડ વિસ્તાર અનેક સોસાયટીઓ સાથે રહેણાક વિસ્તાર તરીકે વિકસિત થયો છે. સાદકપોર ગામ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર જોવા મળી રહ્યું છે. ગામમાં બાળકોની કારકિર્દી ઘડતરની પાપા પગલી ભરવા માટે ગામતળ, નાની કોળીવાડ, દાદરા ફળિયા, કાળિયા ફળિયા, પહાડ ફળિયા, ખાખરી ફળિયા, ઘડુલી, બામણિયા ફળિયા ૧ અને ૨, ગોલવાડ હળપતિવાસ, ગોલવાડ કુંકણા ફળિયા, ચાડિયા ઘોલી ફળિયા સહિત ૧૨ જેટલી આંગણવાડીઓ કાર્યરત છે. ઉપરાંત ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ૯ જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે, જેમાં સાદકપોર મુખ્ય શાળા કે જે કેન્દ્ર શાળા છે, જેમાં ૧૫૫ જેટલાં બાળકોની સંખ્યા સાથે આઠ જેટલા શિક્ષક મિત્રો ફરજ બજાવે છે. આ મુખ્ય શાળામાં એક કરોડ કરતાં વધુ રૂપિયાના ખર્ચે સર્વ શિક્ષા અભિયાન ચલાવનાર તથા ગામના દીપાબેન કિશોરભાઈ પટેલ-જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ પદના સમય દરમિયાન જિલ્લા પંચાયતમાંથી પણ ચારેક જેટલા ઓરડાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ શાળામાં અદ્યતન મકાન ઉપરાંત રમતગમતનું મેદાન, મધ્યાહન ભોજનનો શેડ તેમજ અન્ય સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત એકથી આઠ ધોરણની ગોલવાડ પ્રાથમિક શાળામાં-૧૧૬, ઘડુલી ફળિયાની પ્રાથમિક શાળામાં 89 અને ચાડિયા ફળિયાની પ્રા. શાળામાં ૭૬ જેટલા, જ્યારે એકથી પાંચ ધોરણની વર્ગશાળા પૈકી બામણિયા ફળિયામાં ૧૪ અને દાદરી ફળિયામાં ૨૩ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સાદકપોર ગામમાં સાદખપોર કેળવણીમંડળ દ્વારા સંચાલિત શ્રેયસ હાઈસ્કૂલ આવેલી છે. ૧૯૯૪ના વર્ષમાં સ્થાપિત થયેલી આ હાઈસ્કૂલમાં ૯થી ૧૨ (સામાન્ય પ્રવાહ) ચાલે છે. તો ૧૩૪ જેટલા વિદ્યાર્થીને આઠ જેટલા શિક્ષકોનો સ્ટાફ શિક્ષણ પૂરું પાડી રહ્યો છે. આ શ્રેયસ હાઈસ્કૂલના આચાર્ય પદે કિરણબેન વણકર ફરજ બજાવી રહ્યાં છે. જ્યારે સંસ્થાના પ્રમુખ પદે ગામના બાલુભાઈ બી.પટેલ કાર્યરત છે.
આ ઉપરાંત ગામમાં નવજીવન રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત નર્સરીથી ધોરણ-૯ સુધીના શિક્ષણ માટે ગોલવાડમાં શ્રી હરિ વિદ્યાલય આવેલી છે, જેમાં ૩૨૫ જેટલા વિદ્યાર્થીઓ સાથે આચાર્યા કલ્પનાબેન પટેલ, સંસ્થાના પ્રમુખ જિતેન્દ્રભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ અમીતભાઈ દેસાઈ, કિશોરભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ સેવા બજાવી રહ્યા છે. આમ, ગામમાં શિક્ષણની સારી સુવિધા ઉપલબ્ધ હોવા સાથે તાલુકા મથક ચીખલી અને નજીકના વિસ્તારમાં પણ ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા હોવાથી ગામમાં શિક્ષણ પણ ખૂબ સારું જોવા મળી રહ્યું છે. ગામમાં શિક્ષકોની સંખ્યા વિશેષ છે. ઉપરાંત ડોક્ટર, એન્જિનિયર્સની સંખ્યા પણ નોંધપાત્ર છે. ગામના ડો.અનિલભાઈ પટેલ ચીખલીમાં જાણીતા સર્જન છે અને તેમનાં પત્ની ડો.શેહરાબેન પટેલ જાણીતા ગાયનેક છે અને તેઓ વર્ષોથી ધન્વંતરી હોસ્પિટલ ચલાવે છે. ગામના જ ડો.કેતનભાઈ પટેલ જેઓ સાદકપોર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ગામના બામણિયા ફળિયાના હિરેનભાઈ પટેલ આહવા-ડાંગ જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીના ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે. મોટી કોળીવાડના રાજુભાઈ પટેલ બીલીમોરા કોલેજમાં પ્રાધ્યાપક છે. તેમજ ગામના ભરતભાઈ ડી. પટેલ તાજેતરમાં જ ગામની શ્રેયસ હાઈસ્કૂલમાં આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે. ગામના જિગરભાઈ પટેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં નાયબ ઈજનેર પદે ફરજ બજાવી રહ્યા છે.
આધ્યાત્મિક ક્ષેત્રે પણ ગામ આગળ

સાદકપોર ગામ આધ્યાત્મિક ક્ષેત્રે પણ પાછળ નથી. ગામના વિવિધ વિસ્તારમાં અંબામાતા, ઇંગારીમાતા, રતનમાતા, મહાદેવજી, શ્રીરામજી પરિવાર, શ્રી રાધાકૃષ્ણ, શ્રી હનુમાનજી, પાદરદેવી માતા, શ્રીરામજી, મામાદેવ, બ્રહ્મદેવ બાપા ઉપરાંત ગોલવાડ અને ખાખરી ફળિયામાં બે સ્વામિનારાયણ ભગવાનનાં મંદિર સહિત ઘણાં બધાં નાનાં-મોટાં મંદિરો આવેલાં છે અને ગામમાં હનુમાન જયંતી, જલારામ જયંતી ઉપરાંત અલગ અલગ મંદિરોના પાટોત્સવની પણ ઉજવણી કરાતી હોય છે. તથા ગામના ફળિયે-ફળિયે શ્રી ગણેશત્સવ અને નવરાત્રિનો પર્વ ભક્તિભાવપૂર્વક ગ્રામજનો ઉજવે છે.
વિકાસની ઝલક: પાણી અને રસ્તાની સુવિધા

સાદકપોર ગામમાં પાણીની સુવિધા તરફ નજર કરીએ તો ગામના કારિયા ફળિયા, દાદરા ફળિયા, ઘડુલી, ગોલવાડ હળપતિવાસ, જોગીવાડ, પહાડ ફળિયા, વાડી ફળિયા, એંધરવાડી, નવાનગર, ચાડિયા ફળિયા, ખેરગામ રોડ, ખાડી ફળિયા, કુંકણા ફળિયા સહિતના મોટા ભાગના વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગની નાની-મોટી સંખ્યા બંધ યોજનાઓ અમલમાં છે, જેમાં ગામના મહત્તમ વિસ્તારમાં પાણીની સુવિધા મળી રહે છે. જો કે, ગામમાં ઘણા વર્ષો જૂની પાંચેક જેટલી ઓવરહેડ ટાંકીઓ જર્જરિત થતાં ગ્રામ પંચાયત દ્વારા તેને તોડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાદકપોર ગામમાં પીવાના પાણી ઉપરાંત મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો પાકા ડામરની સપાટીવાળા જોવા મળી રહ્યા છે. ગામનું નેતૃત્વ સરપંચ થઇ કૌશિકભાઈ, ડેપ્યુટી સરપંચ પદે સંજયભાઈ અને તેમની ટીમ કરી રહી છે અને તેમને ગામના અગ્રણી કિશોરભાઈનું માર્ગદર્શન સતત મળવા સાથે ગામનાં જ મહિલા અગ્રણી એવાં જિલ્લા પંચાયત સભ્ય દીપાબેન પટેલના પ્રથમ અઢી વર્ષના બાંધકામ સમિતિના અધ્યક્ષ પદ, તો હાલે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે ગામના રમેશભાઈ પટેલ બિરાજમાન હોય તેનો પણ લાભ મળ્યો છે. ઉપરાંત જિલ્લા કોંગ્રેસનું નેતૃત્વ કરતા શૈલેષભાઈ પટેલ પણ ગામના વિકાસમાં સક્રિય રહેતા હોય છે.
ગામમાં આ સુવિધા પણ છે
સાદકપોર ગામમાં પોસ્ટ ઓફિસ ઉપરાંત અંતિમધામની પણ વ્યવસ્થા છે. આમ, સાદકપોર ગામ આરોગ્ય, શિક્ષણ, પાણી, સિંચાઈ, રોડ સહિતની માળખાકીય સુવિધાથી સજ્જ છે અને ગામની દરેક ક્ષેત્રે પ્રગતિ સાથે ગામ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. સાદકપોર ગામે વિશાળ તળાવ ઉપરાંત ગામમાં ઈંગારીના પહાડ તરીકે ઓળખાતા વિસ્તારની સરકારી ખુલ્લી જગ્યા પણ વિશાળ પ્રમાણમાં છે. સાદકપોર ગામમાં આરોગ્યની સુવિધાની વાત કરીએ તો ગામમાં જિલ્લા પંચાયત સંચાલિત આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ છે. ઉપરાંત ગામ બે જેટલાં સબ સેન્ટર છે. જે પૈકી એકના મકાનના નિર્માણની પ્રક્રિયા ચાલુ છે. ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં દરરોજ સરેરાશ 45ની આસપાસ ઓપીડી થાય છે. અને આ પીએચસીમાં ગામના જ ડો.કેતનભાઈ પટેલ પૂર્ણ સમયના કાયમી મેડિકલ ઓફિસર તરીકે, જ્યારે સેકન્ડ મેડિકલ ઓફિસર તરીકે ડો.રિયાબેન પટેલ ફરજ બજાવી રહ્યાં છે. આમ, લોકોને ઘરઆંગણે પ્રાથમિક સારવાર ઉપલબ્ધ છે. અધ્યતન સુવિધાવાળા મકાનમાં કાર્યરત આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં અનેક પ્રકારની સારવાર ગામના લોકોને મળી રહી છે. ગામમાં બીજા સબ સેન્ટરનું બાંધકામ પણ ટૂંકા ગાળામાં થઇ જશે તેમ ડો.કેતનભાઈ પટેલે જણાવ્યું હતું.
ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય
સાદકપોર ગામ કાવેરી નદીના કાંઠે હોવા સાથે ગામમાંથી ઇંગારી ખાડી અને ઘડુલી ખાડી પણ પસાર થાય છે. ઉપરાંત નહેરની પણ વ્યવસ્થા છે. નદી અને સ્થાનિક ખાડીઓમાં નાના-મોટા ચેકડેમો, નહેર તથા ખાનગી કૂવા, બોરવેલોના માધ્યમથી સિંચાઈની પૂરતી વ્યવસ્થાને પગલે ગામમાં ચારેતરફ હરિયાળી જોવા મળી રહી છે. ગામમાં મોટાપાયે આંબાવાડી છે અને હાલે આંબા કલમનાં ઝાડો મોર (ફૂટ)થી લચી ઊઠ્યા છે. ગામમાં ખેડૂતો મુખ્યત્વે કેરી, શેરડી, સૂરણ, કંદ, હળદળ ઉપરાંત ચીકુ તથા શાકભાજીનું ઉત્પાદન કરી આવક મેળવી રહ્યા છે. સાદકપોર ગામના ખેડૂતોને તાલુકા મથક ચીખલી નજીક હોય ખેતી પેદાશોના વેચાણ માટે સરળતા રહેતી હોય છે. સાદકપોર ગામમાં ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ મોટાપાયે વિકસિત થયો છે. ગામમાં ગાય, ભેંસ જેવાં દૂધાળાં પશુઓની સંખ્યા વિશેષ છે. દૂધના ઉત્પાદન થકી ઘરઆંગણે આવક મેળવવા સાથે પશુઓના ગોબરનો ખેતી પાકોમાં ઓર્ગેનિક ખાતર તરીકે પણ ઉપયોગ કરી રહ્યા છે. ગામમાં પશુપાલનનો વ્યવસાય ફૂલ્યોફાલ્યો હોવાથી ગામમાં વસુધારા ડેરી સંચાલિત સાત જેટલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કાર્યરત છે. ગામના ગોલવાડ, બામણિયા, ગામતળ, ખાખરી ફળિયા, ઘડુલી, કારિયા ફળિયા સહિતના વિસ્તારમાં દૂધડેરીઓ આવેલી છે. ખાખરી ફળિયામાં સૌથી મોટી દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે. આ એક ડેરીમાં જ એક દિવસમાં 2300 લીટર જેટલી દૂધની આવક થાય છે અને સમગ્ર ગામમાંથી માસિક 1,67,250 લીટર દૂધ વસુધારા ડેરીમાં જતું હોય છે. આમ, ગામમાં પશુપાલનનો વ્યવસાય પણ લોકોની રોજગારી માટેના મોટો સ્ત્રોત જોવા મળી રહ્યો છે. ગામમાં ફક્ત વસુધારા ડેરીમાં જતા દૂધની માસિક આવક 72,94,911 રૂપિયા છે. સાદકપોર ગામમાં ખેડૂતો અને પશુપાલકોની સંખ્યા વિશેષ છે. ત્યારે ગામના ખેડૂતો માટે સાદકપોર સેવા સહકારી મંડળી પણ કાર્યરત છે. આ સહકારી મંડળીની સ્થાપના ફેબ્રુઆરી-1945માં કરવામાં આવી હતી. આ સહકારી મંડળીમાં 684 જેટલા સભાસદો ગામની આ સહકારી સંસ્થામાં પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાન ઉપરાંત ગામના ખેડૂતોને ઘરઆંગણે રાસાયણિક ખાતર મળી રહે છે અને સિઝન મુજબ ભરવા માટેનું અનાજ પણ વ્યાજબી ભાવે ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. તાલુકા-જિલ્લાના સહકારી આગેવાન એવા ગામના કિશોરભાઈ હરિભાઈ પટેલ ચેરમેન પદે આ સહકારી સંસ્થાનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. આ સહકારી મંડળી વાર્ષિક 93.65 લાખ રૂપિયા જેટલું ટર્ન ઓવર ધરાવે છે. આ સહકારી સંસ્થાના સુચારુ વહીવટથી ગામ લોકોનો મોટો લાભ મળી રહ્યો છે.
મેહુલભાઈ પટેલ ઉમદા સમાજસેવી

સાદકપોર ગામના પાટીદાર સમાજના અગ્રણી મેહુલભાઈ ગિરિશભાઈ પટેલ ગણદેવી સુગરના ડિરેક્ટર પદે છે. ગામમાં પાટીદાર સમાજની પણ વિશેષ વસતી છે અને ચાલીસ જેટલા પરિવારો વિદેશમાં વસવાટ કરે છે. શેરડી પકવતા ખેડૂતો માટેની મોટી સહકારી સંસ્થા એવી ગણદેવી સુગરમાં વર્ષોથી સાદકપોર ગામના પાટીદાર સમાજના આગેવાનો પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. ગામના પાટીદાર અગ્રણી સ્વ.અરવિંદભાઈ ભીખુભાઈ પટેલ ઘણાં વર્ષ ગણદેવી સુગરમાં વાઈસ ચેરમેન થઇ રહ્યા હતા. આ ઉપરાંત પાટીદાર સમાજના જયંતીભાઈ અશોકચંદ્ર પટેલ, સંજયભાઈ રમણભાઈ પટેલ ઉપરાંત જયંતીભાઈ કાળીદાસ પટેલ પણ ગણદેવી સુગરમાં ડિરેક્ટર પદે રહ્યા છે. હાલ પાટીદાર સમાજના અગ્રણી મેહુલભાઈ પટેલ ગણદેવી સુગરમાં ડિરેક્ટર પદે પ્રતિનિધિત્વ કરી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા સાથે ખેડૂતોના પ્રશ્ને તેઓ હંમેશાં ખેડૂતોની પડખે ઊભી રહેતા આવ્યા છે અને તેમણે અનોખી લોકપ્રિયતા પણ મેળવી છે.
રમેશભાઈ અને ભરતભાઈ સફળ ખેડૂત સાથે પશુપાલન ક્ષેત્રે અગ્રેસર

સાદકપોર ગામના મોટી કોળીવાડના મંદિર ફળિયાના રમેશભાઈ મંગાભાઈ પટેલ અને ભરતભાઈ બાબુભાઈ પટેલનો પરિવાર ખેતી અને પશુપાલન ક્ષેત્રે અગ્રેસર છે. આ પરિવારનો નેવું જેટલાં ગાય-ભેંસ જેવાં દૂધાળાં પશુઓનો તબેલો છે અને ગામની ખાખરી ફળિયા દૂધ ડેરીમાં એમના પરિવારનું દૈનિક 160 લીટરની આસપાસ દૂધ જાય છે અને તેઓ દૂધમાંથી અંદાજે વાર્ષિક 22થી 23 લાખ રૂપિયાની આવક મેળવે છે. આ પરિવાર અથાક પરિશ્રમ વચ્ચે શેરડીનું પણ 1500 ટન કરતા વધુનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની આવક પ્રાપ્ત કરે છે. ખેડૂતો માટે એક મિશાલ સમાન આ પરિવારે ખેતીને જ પ્રાધાન્ય આપી ખેતી પશુપાલનનો વ્યવસાય તરીકે વિકાસ કર્યો છે. આ ઉપરાંત ગામનાં સુનિતાબેન શૈલેષભાઈ પટેલના ઘરથી પણ દૈનિક 120 લીટર જેટલું દૂધ ગામની ખાખરી ફળિયા દૂધડેરીમાં જઇ રહ્યું છે.
શૈલેષભાઈ પટેલની રાજકીય સફર

સાદકપોર ગામના શૈલેષભાઈ પટેલ બે ટર્મથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જિલ્લા કોંગ્રેસનું સુકાન સંભાળી રહ્યા છે. સાદકપોરના હનુમાન ફળિયાના શૈલેષભાઈ નગીનભાઈ પટેલ કોલેજ સમયથી જ નેતૃત્વમાં આગળ રહ્યા હતા. તેઓ 1996-97ના વર્ષમાં બીલીમોરાની વી.એસ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જનરલ સેક્રેટરી તરીકે ચુંટાયા હતા. બાદ 2006ના વર્ષમાં તેઓએ ગામના ડેપ્યુટી સરપંચ તરીકે સેવા બજાવી હતી.
યુવા અવસ્થાથી જ નેતૃત્વની ક્ષમતા ધરાવતા શૈલેષભાઈની સમય જતા પ્રતિભા વધુ ને વધુ ખીલતાં તેઓના સક્રિય રાજકારણમાં પ્રવેશની સાથે તેમની તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદ સુધી સેવા બજાવી છે.
જૂન-2025થી જિલ્લા કોંગ્રેસનું પ્રમુખ પદનું સુકાન તેઓ સંભાળી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે શૈલેષભાઈ પટેલ જિલ્લાભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં નવો સંચાર કરી પ્રદેશ કોંગ્રેસમાંથી આવતાં સંગઠન અને વિરોધ પ્રદર્શનો, કાર્યક્રમોને જમીન પર ચરિતાર્થ કરવામાં સફળ રહ્યા છે.
તાલુકામાં કસ્ટોડિયલ ડેથ, પાર-તાપી રિવર લિંક પ્રોજેકટ, વાવાઝોડામાં સહાય અપાવવા સહિતનાં પ્રદર્શનોમાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાથે ખભેખભાવી મિલાવી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ ઉપરાંત શૈલેષભાઈ પક્ષ સાથે સમાજમાં સક્રિય રહેતા તેમને જૂન-2022માં નવસારી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદે વરણી કરાઈ હતી અને હાલ તેઓ સમાજને વધુ સંગઠિત કરવામાં સક્રિય ભૂમિકા ઉજવી રહ્યા છે.
કોળી પટેલ સમાજનું ગૌરવ કિશોરભાઈ, ખેડૂતોના આધારસ્તંભ

જિલ્લાના સહકારી આગેવાન એવા સાદકપોરના કિશોરભાઈ હરિભાઈ પટેલ ખેડૂતોના વિશ્વાસનો મજબૂત સ્તંભ બનવા સાથે ગામ અને તાલુકામાં ગૌરવશાળી આગેવાન તરીકે ઊભરી આવ્યા છે. બીએસસી સ્નાતકનો અભ્યાસ ધરાવતા કિશોરભાઈ હરિભાઈ પટેલ ગામની ખેડૂતોની સહકારી મંડળીમાં ઘણાં વર્ષોથી ચેરમેન પદે સફળ નેતૃત્વ સાથે છેલ્લાં વીસેક વર્ષથી તાલુકાની સૌથી મોટી એવી ખેડૂતોની સહકારી સંસ્થા એપીએમસીના ડિરેક્ટર પદે કાર્યરત છે. આ દરમિયાન 16 વર્ષ સુધી એપીએમસીમાં ચેરમેન પદે રહી ચીખલી એપીએમસી અને ખેરગામ સબયાર્ડના આધુનિકીકરણ સાથે ખેડૂતોને પૂરતી સવલત ઊભી કરવામાં સફળ રહ્યા છે. જેના પગલે ચીકુ, કેરી અને શાકભાજીનો વર્ષ દહાડે કરોડો રૂપિયાનો વેપાર થઇ રહ્યો છે. ચીખલી એપીએમસીમાં ચીખલી ઉપરાંત ગણદેવી, વાંસદા તાલુકાના અને પાડોશી વલસાડ જિલ્લાના ખેડૂતો પણ ચીકુ અને કેરીના વેચાણ માટે આવી રહ્યા છે. કિશોરભાઈના દીર્ઘ અને નિષ્ઠાપૂર્ણ સેવાને પગલે તેઓ વર્ષોથી ખેડૂતોનો અખૂટ વિશ્વાસ સંપાદન કરવામાં સફળ રહ્યા છે. આજ એપીએમસીમાં ધમધમતો વેપાર કિશોરભાઈના દૂરંદેશી વિચારધારાવાળા નેતૃત્વને આભારી છે. એપીએમસીના મુખ્ય યાર્ડ ચીખલી અને ખેરગામ સબયાર્ડમાં ખેડૂતો-વેપારીઓની જરૂરિયાત મુજબ સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી સવલતોમાં વધારો કર્યો છે. ચીખલી તાલુકામાં સરકારી ક્ષેત્રમાં કિશોરભાઈ પટેલના સફળ નેતૃત્વ સાથે નવસારી અને વલસાડ જિલ્લાની મોટી સરકારી સંસ્થા એવી વલસાડ જિલ્લા સહકારી બેંકમાં છેલ્લી ત્રણ ટર્મથી ડિરેક્ટર પદે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ તાલુકાની રૂપાંતર મંડળીમાં પણ ડિરેક્ટર પદે છે. સાથે હાલ થોડા માસ પૂર્વે નવસારી, વલસાડ અને ડાંગ એમ ત્રણ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી વિશાળ સહકારી સંસ્થા વસુધારા ડેરીમાં પણ ડિરેક્ટર પદે ચુંટાયા છે. કિશોરભાઈ એપીએમસી હોય કે કોઇપણ સહકારી સંસ્થા હોય, હંમેશાં ખેડૂતોના પડખે રહ્યા છે. વડોદરા-મુંબઇ એકસપ્રેસ હાઈવેમાં ખેડૂતોના વળતર મામલે તેઓ વર્ષ-2010થી લડત ચલાવી રહ્યા હતા અને ધારાસભ્ય, સાંસદ સહિત અન્યો સાથે જરૂરી સંકલન સાધી ખેડૂતોને માતબર વળતર અપાવવામાં સફળ રહ્યા છે. ખેડૂતો ઉપરાંત કિશોરભાઈ પટેલે વર્ષો સુધી તાલુકાના કોળી સમાજના પ્રમુખ પદે રહી સમાજનું નેતૃત્વ કરી દાતાઓના સહયોગથી સમાજ વાડીનો વિકાસ અને સુવિધા વધારી હતી. આજે પણ તેઓ કોળી સમાજ મંડળના ટ્રસ્ટી તરીકે સમાજના ઉત્થાન અને વાડીના વિકાસ માટે સક્રિય યોગદાન આપી રહ્યા છે.
કિશોરભાઈ એપીએમસી જેવી સહકારી સંસ્થા હોય કે સમાજ હોય દરેક ક્ષેત્રે આર્થિક સાથે પોતાના વ્યવસાયના વ્યસ્ત શિડ્યુલમાંથી સમયનું પણ યોગદાન આપી રહ્યા છે. તેઓ તેમની સરળ કાર્યશૈલી, વહીવટી સૂઝબૂઝ, સાદગીભર્યું લો-પ્રોફાઈલ વ્યક્તિત્વ અને અજોડ નિર્ણયશક્તિ સાથે પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. ગામ, સમાજ અને ખેડૂતો માટે તેઓ એક અનમોલ રતન છે.
શ્રી સત્યસાંઇ સીતારમણ સેવા કેન્દ્ર

સાદકપોરના ગોલવાડ સ્થિત શ્રી સત્યસાંઇ સીતારમણ સેવા કેન્દ્ર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 2100 જેટલા દર્દીઓને ચશ્માનું વિતરણ, 4,000 જેટલાંનાં આંખનાં ઓપરેશન કરવામાં આવ્યાં છે. ઉપરાંત હરસ મસાના 930થી જેટલાં વિનામૂલ્યે ઓપરેશન કરાયાં છે. મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાના હેતુથી સિવણના વર્ગ ચલાવી 2500 જેટલા લાભાર્થીઓને સિવવાના સંચાનું વિતરણ સાથે બ્યુટીપાર્લર અને કોમ્પ્યુટરની પણ 900-900 વિદ્યાર્થીને શિક્ષણ તાલીમ પૂરી પાડવામાં આવી છે. ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને યુનિફોર્મ, સ્કૂલબેગ અને નોટબુકોનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. શ્રી સત્યસાંઇ સીતારમણ સેવા કેન્દ્ર દ્વારા સામાજિક ક્ષેત્રે પણ વિશેષ યોગદાન આપી હમણાં સુધીમાં 25 જેટલાં સમૂહલગ્નોનું આયોજન કરી 1100 જેટલાનાં લગ્ન કરાવાયાં છે. વધુમાં અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોને આજીવિકા રોજગારીના હેતુથી 44 જેટલી ગાયોનું પણ દાન કરવામાં આવ્યું છે.
મીરા ફાર્મ એન્ડ નર્સરી

સાદકપોર ગામના મુકેશભાઈ પટેલ ગામમાં મીરા ફાર્મ એન્ડ નર્સરી ધરાવે છે. સાથે મુકેશભાઈ દ્વારા આત્મનિર્ભરના સંકલ્પ સાથે ગામમાં જ ગૃહઉદ્યોગ શરૂ કરી સ્થાનિકોને રોજગારી પણ આપવાનું કામ પણ કરી રહ્યા છે. મુકેશભાઈ દ્વારા તેમના ખેતરમાં વેસ્ટમાંથી બેસ્ટના હેતુ સાથે તરોપા (નાળિયેર)ના સુકાયેલ પડની મશીનમાં પ્રક્રિયા કરી તેમાંથી રેસા અને બાકીનું છૂટું પાડી રેસામાંથી કાથાની દોરી અને કુંડાં બનાવી રહ્યા છે. નોંધનીય છે કે આ રેસો મૂર્તિઓની બનાવટમાં પીઓપીમાં મિકસ કરવા ઉપરાંત પગ લૂછણિયા, પાથરણાં બનાવવા પણ ઉપયોગી થતો હોય છે. રેસા સિવાયના વેરમાંથી તેઓ કોકોપીટ ખાતર બનાવે છે. આ સિવાય ખેતરમાં વિવિધ વૃક્ષોનાં સૂકા પડવા અને મશીનમાં ગ્રાઈન્ડિંગ કરી છાશ, ગાયનું મૂત્ર, ગોળ, બેસન વગેરે મિકસ કરી રાખ્યા બાદ જરૂરી આથો પકડ્યા બાદ માટી સાથે ભેળવી ઓર્ગેનિક ખાતરનું પણ ઉત્પાદન કરી આવક મેળવી રહ્યા છે. તેમની મુખ્ય માર્ગ ઉપર ગોલવાડમાં આવેલી મીરા ફાર્મ એન્ડ નર્સરીમાં તમામ પ્રકારનાં ફૂલ છોડો, વિવિધ પ્રકારનાં ફળો અને બારેમાસ લીલાંછમ રહેતાં વૃક્ષોના રોપા ઉપલબ્ધ હોય છે. નર્સરીના ક્ષેત્રમાં પણ મુકેશભાઈ બહોળો અનુભવ ધરાવવા સાથે વિવિધ સંશોધનો કરતા હોય છે અને તેમના ઘરઆંગણે આ ધંધા રોજગારમાં તેમની પત્ની અને એન્જિનિયર પુત્ર ખભેખભા મિલાવી મદદરૂપ થઇ રહ્યાં છે.