સુરતમાં આજે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેમ લાગે છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને ક્રિકેટના ગોડ સચિન તેંડુલકર સહિત અનેક મનોરંજન અને રમતજગતની દિગ્ગજ હસ્તીઓ સુરતના આંગણે પધારી છે.
આજે તા. 9 જાન્યુઆરી 2026ની સાંજથી સુરતમાં ISPL ક્રિકેટનો મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. ઓપનિંગ સેરેમનીનું આજે ‘અનુપમા’ રૂપા ગાંગુલી હોસ્ટિંગ કરશે. જ્યારે આ પ્રસંગને અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને સાઉથના સુપર સ્ટાર સૂર્યા સહિત અનેક હસ્તીઓ દિપાવશે.
આજે સવારે જ સચીન તેંડુલકર સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યા તેમનું ગ્રાન્ડ વેલકમ કરાયું હતું. તેમના પછી બીગ બી આવ્યા હતા. બીગ બીનું પણ ગ્રાન્ડ વેલકમ કરાયું હતું. બીગ બી તેમના એક ચાહકના અડાજણ સ્થિત ઘરે પણ ગયા હતા. ત્યાર બાદ સાઉથના સુપર સ્ટાર રિઅલ સિંઘમ સૂર્યા સુરત આવી પહોંચ્યા હતા. આ સેલિબ્રિટીઓનું સુરતમાં ભવ્ય સ્વાગત કરાયું હતું.
આજથી સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની ત્રીજી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક મહિના સુધી ચાલનારી આ ટેનિસ બોલની T10 ક્રિકેટ લીગમાં બોલિવુડ અને ક્રિકેટ જગતના દિગ્ગજોની હાજરી જોવા મળશે.
આજે પહેલા દિવસે ઓપનિંગ સેરેમનીમાં મહાનાયક અમિતાભ બચ્ચન, માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર અને સૂર્યાની હાજરી જોવા મળશે. એરપોર્ટ પર આ સેલિબ્રિટી આવ્યા ત્યારે તેમની સાથે ફોટો પડાવવા ચાહકોએ પડાપડી કરી મુકી હતી. હોટલમા પણ તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અડાજણ વિસ્તારમાં કાસારિવેરા રેસીડેન્સી ખાતે આવવાના હોવાની જાણ થતા મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. પબ્લિક નિયંત્રણની બહાર જતા ભારે અફરાતફરી સર્જાઈ ગઈ હતી. આ દરમિયાન રેસીડેન્સીનો પ્રવેશ કરવાનો મેઈન કાચનો દરવાજો પણ તૂટી ગયો હતો.
આજે સાંજે 5.30 કલાકે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં 200 ડાન્સર્સ પર્ફોમન્સ આપશે. અક્ષય કુમાર હેલિકોપ્ટરથી એન્ટ્રી કરશે.