National

સચીન, જેકી, નીરા, અનિલ અંબાણીની મુશ્કેલી વધી: પેન્ડોરા પેપર્સ લીકમાં સરકારે તપાસના આદેશ આપ્યા

‘પેન્ડોરા પેપર્સ’ તરીકે (Pandora Papers Leak) જાણીતા અભૂતપૂર્વ નાણાંકીય રેકોર્ડના લીકમાં સામે આવેલા પ્રત્યેક ભારતીય નામોની તપાસ સરકાર કરશે. આ પેપર્સમાં આરોપ લગાવાયો છે કે કેટલાંક વૈશ્વિક નેતાઓનું વિદેશોમાં ગુપ્ત રોકાણ છે. સીબીડીટીના (CBDT Chairman Investigation) ચેરમેનની અધ્યક્ષતામાં વિવિધ સંસ્થાઓનું એક જૂથ પેન્ડોરા પેપર્સ કેસમાં તપાસોની દેખરેખ કરશે, એમ સોમવારે એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું.

Pandora Papers Leak માં સચીન તેન્ડુલકર, જેકી શ્રોફ અને ટાઈગર શ્રોફ, અનિલ અંબાણી, વિનોદ અદાણી, નીરા રાડીયા, સતીષ શર્મા સહિત 380 ભારતીયોના નામ ખૂલ્યા છે. આ કૌભાંડ મીડિયામાં ઉછળ્યા બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે. ‘સરકારે આજે નિર્દેશ આપ્યા હતાં કે મીડિયામાં આવી રહેલાં પેન્ડોરા પેપર્સ લીકના કેસોમાં તપાસની દેખરેખ એક બહુ સંસ્થાઓવાળું સમૂહ કરશે જેની અધ્યક્ષતા સીબીડીટીના ચેરમેન કરશે. આ સમૂહમાં સીબીડીટી, ઈડી, (ED) આરબીઆઈ (RBI) અને એફયુઆઈ (FUI) ના પ્રતિનિધિઓ સામેલ હશે’, એમ સીબીડીટીએ કહ્યું હતું જે આવક વેરાની બાબતોમાં નિર્ણય લેતી ટોચની સંસ્થા છે. સંબંધિત વ્યક્તિઓ-સંસ્થાઓની માહિતી મેળવવા સરકાર સક્રિય રીતે વિદેશી ન્યાયતંત્ર સાથે સંપર્કમાં રહેશે જેથી અસરકારક તપાસ કરી શકાય.

એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે પેન્ડોરા પેપર્સમાં સામે આવેલાં નામો પૈકી કેટલાંક નામો પહેલેથી અમને ખબર છે અને તેમની તપાસ ચાલુ છે. બાકીના નામો પર અમે ધ્યાન આપી રહ્યા છીએ. જે દેશોમાં આ કંપનીઓ સ્થિત છે તેમાંના મોટાભાગના દેશો સાથે સરકારની નાણાંકીય માહિતી આપ-લે કરવાની સમજૂતી છે. કોર્ડિયો, ગાલીન્ડો, અલ્કોગલ જેવા નામો ધરાવતી ‘લૉ-કંપનીઓ’ પોતાના ગ્રાહકોને વિદેશોમાં ગેરકાયદે કંપનીઓ રચવામાં મદદ કરે છે.

ટેક્સ હેવનોને કારણે દુનિયાભરની સરકારોને વર્ષે ૪૨૭ અબજ ડૉલરનું નુકસાન થાય છે: ઓક્સફામ

કરવેરા મુક્ત વ્યવસ્થા ધરાવતા દુનિયાના કેટલાક નાના દેશો, જેમને કર સ્વર્ગ કે ટેક્સ હેવન (Tax Heaven) કહેવામાં આવે છે ત્યાં દુનિયાભરના ધનિકો બનાવટી ધંધાઓ દ્વારા પોતાના નાણા રાખે છે અને પોતાના દેશમાં કરચોરી કરે છે આને કારણે દુનિયાભરની સરકારોને વર્ષે ૪૨૭ અબજ ડૉલર જેટલું નુકસાન થાય છે એમ અધિકાર જૂથ ઓક્સફામે આપેલી માહિતી પરથી જાણવા મળે છે. તેની ભારતીય પાંખ ઓક્સફામ ઇન્ડિયાએ દુનિયાભરના આવા ટેક્સ હેવનોનો નાશ કરવા માગણી કરી છે.

આ પેન્ડોરા પેપર્સ લીકમાં વિશ્વના જે મોટા નામો બહાર આવ્યા છે તેમાં જોર્ડનના રાજા, ઝેક રિપબ્લિકન દેશના વડાપ્રધાન ઉપરાંત યુક્રેઇન, કેન્યા અને ઇક્વેડોરના પ્રમુખો તથા ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેરના નામોનો સમાવેશ થાય છે. રશિયા, અમેરિકા, મેક્સિકો સહિત વિશ્વના અનેક દેશોના અબજપતિઓના નામો આમાં બહાર આવ્યા છે.

Most Popular

To Top