SURAT

મંદી નહીં પરંતુ આ કારણના લીધે સચીન GIDCના ઉદ્યોગકારોને વેઠવું પડશે કરોડોનું નુકસાન

સુરત(Surat) : સચિન જીઆઈડીસીના (Sachin GIDC) ઉદ્યોગકારોને જેટકોની (Jetco) બેદરકારીના કારણે વીજ સંબંધિત સમસ્યા આગામી પાંચ દિવસો સુધી ઉભી થઈ ચૂકી છે. સચિન જીઆઈડીસીમાં પાંચ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક એમ કુલ છ જેટલાં 66 કેવીના સબસ્ટેશનોમાં હાલ તલંગપુરના 220 કેવીના સબસ્ટેશનમાંથી સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારોને ટુકડે-ટુકડે (લોડ સેડિંગ) પાવર આપવા માટેની ગોઠવણ કરાઈ રહી છે.

સચીન ઇન્ડસ્ટ્રીયલ કો ઓપરેટીવ સોસાયટીના મયુર ગોળવાલાએ જણાવ્યું કે સચિન જીઆઈડીસી રાજ્યમાં બીજા ક્રમાંકે આવનારી જીઆઈડીસી છે. જેટકોની બેદરકારીને કારણે સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારોને આગામી પાંચ દિવસો પૈકી સોમથી શુક્ર સુધી વીજકાપ રહેવાનો છે.

તલંગપુર 220 કેવીના સબસ્ટેશનમાં કાર્યરત પાંચ સબસ્ટેશનોમાંથી સોમવારે એક સબસ્ટેશન લથડી પડતાં ચોવીસ કલાક સુધી સચિન જીઆઇડીસીના બે-બે સબસ્ટેશનો બંધ રખાશે જેનાથી કરોડો રૂપિયાની લોસ ઉદ્યોગકારોને જવાની છે. સચિન જીઆઈડીસીમાં એ,બી,સી,ડી,ઈ એમ પાંચ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક એમ કુલ છ સબ સ્ટેશનને તલંગપુરના 220 કેવીના સબસ્ટેશનમાંથી 6 જેટલાં 66 કેવીના સબસ્ટેશનોમાં આગામી પાંચ દિવસ સુધી બે-બે દિવસ ચોવીસ કલાક વીજપુરવઠો કાપીને ટુકડે-ટુકડે પાવર અપાશે.

તલંગપુર સબ સ્ટેશનમાં પાંચ ટ્રાન્સફરમર લાગેલાં છે જેમાંથી 160 મેગાવોટના 3 અને 100 મેગાવોટના 2 એમ પાંચમાંથી એક 160 મેગાવોટનું ટ્રાન્સફરમર પહેલેથી એટલે કે ફેબ્રુ 2023 થીજ ફેઈલ હતું અને સચિન જીઆઈડીસીને બાકીના ચારમાંથી વીજપુરવઠો અપાતો હતો.

જોકે, જે ટ્રાન્ફરમર પહેલેથી બંધ એટલે કે ફેઈલ હતું તેની સામે બીજું એક નવું મંગાવી લઈ શોભાના ગાંઠીયાની જેમ મુકી રખાયું હતું. જોકે, તેનું ટેસ્ટીંગ કરીને તેને ચાલું કરી દેવાવું જોઈતું હતું પરંતુ જેટકોએ બેદરકારી દાખવી આળશ કરતાં બાકીના ચારમાંથી પાવર સપ્લાય ચાલતો રહ્યો હતો.

સોમવારે ચાર ટ્રાન્સફર્મરમાંથી વધુ એક બગડી જતાં હવે સમગ્ર સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારોને ત્રણ ટ્રાન્સફરમાંથી પાવર આપવો શક્ય ન હોવાથી ઉદ્યોગો માટે વીજપુરવઠાની સમસ્યા સર્જાતાં હવે આવતાં પાંચ દિવસો સુધી સચિન જીઆઈડીસીના 6 સબ સ્ટેશનોમાં પાવર સેટિંગ કરીને બે-બે દિવસ સુધી વીજકાપ રાખવાની નૌબત આવતાં ઉદ્યોગકારો હેરાન પરેશાન થઈ ઉઠ્યાં છે. આમ, જેટકોની ખૂબ મોટી ઉદ્યોગો વિરૂદ્ધની બેદરકારી છતી થતાં ડીજીવીસીએલ કંપનીને પાવર લોસ થયો અને સામી દિવાળીએ સચિન જીઆઈડીસીમાં અંધારું છવાઈ ગયું છે.

Most Popular

To Top