Comments

સબસે ઊંચી પ્રેમસગાઇ …!

ઊંચા ગજાની ધારણા બાંધી હોવાથી, શિલા..શારદા..શૈફાલી. .જેવાં નામો મને તારો  ઝામો પડે તેવાં નહિ લાગ્યાં. એટલે લાવ  ‘શૈલી’ થી સંબોધનનો વઘાર કર્યો..! જો કે આમ તો તારી કામણગારી નમણી કાયા જ એવી કે, તને ‘સરગવી’ કહેવી જ  ‘ફીટમફીટ’ લાગે, પણ તું જાણે  ‘વેજીટેબલ ગર્લ’ હોય એવી ફીલિંગ આવી, એટલે માંડવાળ રાખ્યું. નામની બાબતમાં  શેક્સપિયર તો પછી બોલેલા, એ પહેલાં મારા “પ્રદાદા- આઠમો” કહી ગયેલા કે, જે કંઈ છે તે કામમાં છે, નામમાં નથી.માટે  શૈલી નામ વાંચી, નાકનું ટોચકું નહિ ચઢાવતી..! એ નામ નહિ ફાવે તો મગજની થેલીમાં બીજાં ઘણાં નામ ભરેલાં છે. ખાલવી દઈશ. તારા માટે જાન કુરબાન કરવા નીકળ્યો છે, તો નામ ક્યા ચીજ હૈ..? નામ પણ કુરબાન કરી દઈશ..! સબસે ઊંચી પ્રેમ સગાઇ..!

શિઈઈઈઈટ..!  તું વધારે પડતી જ ધર્માંધ લાગી શૈલી..! યાદ છે..? એક વાર આખલાને ગૌ માતા સમજીને તું રોટલી ખવડાવી આવેલી?  કપાળ ઉપર ચાંદલો કરે એ સમજ્યા, નાક ઉપર પણ ટીલો..? નાક ઉપર ટીલાં કરવાથી શરદી નહિ થાય, એ કોઈએ તને  ભરમાવ્યું લાગે..! જો કે નાક ઉપરનો ટીલો સારો તો લાગે, પણ વખાણ વાંચીને હવે આખા શરીરે લીટા નહિ કરતી..! વાંધો વચકો તો મારા આ પ્રેમપત્રમાં પણ તને આવવાનો જ છે. કારણ કે, પત્રના મથાળે  ‘શ્રી ગણેશાય નમ:’ ‘જયશ્રી કૃષ્ણ’ કે ‘જય શ્રીનાથજી’ જાણીબૂઝીને લખ્યું નથી.

શૈલી..! આ પ્રેમપત્ર છે, એમાં ઊર્મિ ઠાલવવાની હોય. વેપારીનો ચોપડો નથી કે, ઉમિયાપતિને પણ વચ્ચે લાવું. ખજૂરીનું ઝાડવું હોય, દિલમાંથી તીર કાઢ્યું હોય તો  પ્રેમના ઉભરાની પ્રતીતિ થાય..! પ્રેમનો તો ધોધ હોય,  રેશનીંગનું અનાજ થોડું છે કે, વહેંચવા માટે સરકારી માપદંડ રખાય. આપણે ક્યાં કાળું ધોળું કરવું છે, તંઈઈઈઈ..? કુલ્ફી બહુ ભાવે એનો મતલબ એવો નહિ કે, ખિસ્સામાં કુલ્ફી લઈને ફરાય..! પ્રેમમાં તો પવિત્રતા હોય પછી તાકાત છે કે, એમાં સંકષ્ટી આવે..? સખણાં રહીએ તો દેવો પણ ખુશ અને આપણે પણ રંગાખુશ..! ફિર ડરના ક્યા..?

સબસે ઊંચી પ્રેમ સગાઇ..! એટલે તો સંબોધનમાં મેં મલાજો રાખ્યો છે. તને  પ્રિયે-ડાર્લિંગ-બેબી કે જાનૂનાં  લેબલ લગાવીને છીછરાવેડા કર્યા નથી. યાદ છે ને, એક વખત પ્રિયાત્મા લખવામાં લોચો વળી ગયેલો ને મારાથી ‘પ્રેતાત્મા’ લખાઈ ગયેલું તેમાં, તે છ મહિના સુધી મારું મોંઢું નહિ જોવાનો ઉપવાસ કરેલો. એ હજી હું ભૂલ્યો નથી. ગઈ કાલે ચંદુ ચપાટી સાથે મોકલેલો તારો આખો ય પ્રેમપત્ર એક જ શ્વાસે વાંચી ગયો. વાહ…!

તું તો ભારે ધાર્મિક નીકળી શૈલી..! પ્રત્યેક વાક્યના છેવાડે, પૂર્ણવિરામ કે અલ્પ વિરામ મૂકવાની કાળજી લેવાને બદલે, ‘જય જલારામબાપા’ લખીને તેં તો મને પ્રેમપત્ર મોકલવાને બદલે ‘જલારામ બાવની’ મોકલી હોય તેવું લાગ્યું.  પ્રેમની પથારી ફેરવી નાંખી. ગલગલિયાં થાય એવી  ‘ફીલિંગ્સ’ જ નહિ આવી. પ્રેમપત્ર એ પ્રેમપત્ર છે, પ્રાર્થનાપોથી નથી. તું તો મને અધધધધ  ધાર્મિક મિજાજની લાગી. તારા ઘર પાછળ આવેલા મંદિરમાં જેટલી વખત ઘંટ વાગે, એટલી વખત ‘જય જલારામબાપા’ લખ્યું હોય એવું લાગ્યું..! યાર..દાળ-ભાત, પુલાવ, ખીચડી ને બિરયાનીના ભેદ તો રાખ..?, હું પ્રેમનો પુજારી છું.

ભગવાં વસ્ત્રોને બદલે બ્રાન્ડેડ કપડાં પહેરીને ફરું છું. ભગવાનને સંપૂર્ણ સરન્ડર થઇ ગયો હોય એવો ભગત નથી. મને શું કામ ધાર્મિક પારાયણ કરાવે..? પતિ-પત્નીનાં જોડાં ભલે આકાશમાંથી નક્કી થઈને આવતા હોય, પણ પ્રેમલા-પ્રેમલીનાં જોડા તો સ્વર્ગથી ઘડાયને પૃથ્વી ઉપર આંટો લેવા આવે..! વિચાર અવશ્ય સારા છે, પણ પ્રેમના ઉભાર ફૂટતા હોય ત્યારે, આવા મીઠાના પાણીમાં બોળેલા કોરડા નહિ વીંઝાય..! મગજમાં વાગે  યાર..!

પ્રણય કેરી વાતનો તો ચમકાર નોખો હોય
હદમાં સમાવીએ તો  શણગાર નોખો હોય
ગજા બહારના ચળકાટથી કંઈ નથી વળતું 
આભ સિતારા ખેરવે એનો ભાર નોખો હોય

હું રહ્યો  એક અદનો હાસ્ય કલાકાર..! કલાકાર પ્રેમનો ભૂખ્યો હોય. ભૂખ્યા સિંહ આગળ આવાં સસલાં નહિ છોડાય. પ્રેમાલાપ છેડવાને બદલે આવા ધાર્મિક ધૂપ-ધુમાડાના ગોટા કાઢે તો, ટેન્શનમાં આવી જવાય યાર..! એળે ગયો અવતાર જેવું લાગે..! લગન પછી મારે ગિરનારની ગુફા જ શોધવાની આવશે કે શું, એવી શંકા પણ ગઈ. પ્રેમપત્ર વાંચી તો ગયો, પણ વાંચતાં વાંચતાં ધ્યાનમાં ઊતરી ગયો હોય એવું લાગ્યું. ચિંતા ના કર..! શુરુ શુરુમેં ઐસા હી હોતા હૈ..! વળી આપણી  ઉંમરનો ગાળો પણ એટલો ઊંચો કે, એક પાકટ માણસ, ઊગતા કલાકાર પાસે કંઠી બાંધવા નીકળ્યો હોય, એવું લાગે..! શૈલી..! તારા પ્રેમમાં પડ્યા પછી, વીજળીના જીવતા તારને અડવું કેટલું જીવલેણ હોય, એ જાણવા મળ્યું. પણ પ્રકાશ વગર જીવનનાં અંધારાં ક્યાં સુધી કાઢવાં?  એટલે આવી છેડખાની કરવી પડે.. આ તો પ્રેમનું લંગર છે.

લંગર ના હોય ત્યાં સુધી, સ્પાઈડરમેનના જેવી આઝાદી મળતી નથી. પ્રેમમાં પડે એટલે માનવી સુપરમેન બની જાય, સગાઇ થાય એટલે જેન્ટલમેન અને લગન થાય પછી ડોબરમેન..! (કેમ હસી પડી..!) શૈલી, આ જમાનો હવે પેટનો રહ્યો નથી.  નેટ, ચેટ અને જેટનો યુગ છે. હવે તો લાઈન પણ, ઓન લાઈન મારવાની ફેશન છે ..! ચેટીંગ કરનારો રઘુ, ભલે રઘલો કહેવાતો હોય, પણ ચેટીંગ રઘેશના નામથી કરે..! કોણ કહેવા જાય કે, ‘રઘલા, ટાઢો પડ..ટાઢો પડ..! પ્રેમમાં હદ બહારના રઘવાયા નહિ થવાય..!’ લગન એટલે, સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા  લાગી, બુધવારે બોલતા થયા, ગુરુવારે ગમી ગયા.

શુક્રવારે સોગંદ લીધા ને શનિવારે શંકા પડી. ને રવિવાર આવ્યો એટલે છેડા છુટ્ટા..! રામ બોલો ભાઈ રામ..!  તું તારા ગામને હું મારા ગામ..!  રામ રામ બોલો  ભાઈ રામ..! કડવાશને ગળી જવાની હોય શૈલી..! એને વાગોળાય નહિ. જે ગળી જાય તે કોઈના પણ ગળે મળી જાય ને વાગોળે તે વિખૂટાં પડી જાય..! મને ખબર છે કે, પ્રેમ એ મગજની બીમારી છે, છતાં હૃદયનો સ્વીકાર કરીને મેં પ્રેમ માટે મગજની પણ અવગણના કરી છે.  એક વાત કહું શૈલી ? કૂતરાનું બચ્ચું ગમે એટલું સુંદર હોય, એને ગલુડિયું જ કહેવાય. બકરીનું બચ્ચું ગમે એટલું સુંદર હોય, એને લવારું જ કહેવાય, એમ પ્રેમ ગમે એટલો ઊંચો હોય પણ લગન પહેલાં તો સાલું  લફરું જ કહેવાય..! ખોટી વાત છે..?

લાસ્ટ બોલ
ઘર ઘરમાં રાબેતા મુજબની એક ફરિયાદ હોય કે, ‘તમે હવે મને પહેલાં જેટલો પ્રેમ કરતાં નથી. લગન પહેલાં તો તમે મારા કેટલા વખાણ કરતાં..! મને રબડી કહેતા, બરફી કહેતા, રસમલાઈ કહેતા અને હવે તો મને જોઇને દાંતિયા જ કરો છો..!
ગાંડી,  ચૂંટણી પતી ગયા પછી કોઈ ઉમેદવાર પ્રચાર કરે ખરો..? રહી વાત મીઠાઈની..! તે દૂધમાંથી બનાવેલી મીઠાઈ તો કેટલા દિવસ ચાલે..?  અમુક દિવસ પછી બગડી જાય કે નહિ..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top