National

સ્વીડનમાં એવું તો શું થયું કે વિદેશમંત્રી જયશંકરે કહ્યું, ‘આપકે મુંહ મેં ઘી-શક્કર’

નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે (S. Jaishankar) ઈયુ ઈન્ડો-પેસિફિક મિનિસ્ટીરીયલ ફોરમની (EIPMF) બેઠકમાં ભાગ લેવા માટે સ્વીડન(Sweden) ના ત્રિ-દિવસીય પ્રવાસે છે. અહીં વિદેશ મંત્રીએ ભારતીય સમુદાયની સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ‘ભારતીય સંસ્કૃતિના વૈશ્વિકીકરણ’ પર પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતા હિન્દીની કહેવત ‘આપકે મુંહ મેં ઘી-શક્કર’નો ઉપયોગ ર્ક્યો હતો. જેના કારણે લોકોના ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી.

તેમણે રવિવારે સાંજે સ્વીડનમાં ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં આવેલી પ્રગતિ વિશે માહિતી આપી હતી. મંત્રીએ ભારતમાં થઈ રહેલા પરિવર્તનો અને પ્રવાસી ભારતીયો માટે ત્યાં નિર્માણ કરવામાં આવી રહેલી તકો વિશે ચર્ચા કરી હતી. અહીં પૂછવામાં આવ્યું કે વૈશ્વિકીકરણના આ યુગમાં શું પશ્ચિમે ‘હેમબર્ગર’ની જગ્યાએ પાણી પુરી ખાવાની શરૂ કરી દીધી છે અને હવે ‘શર્ટ’ પર ન્યૂયોર્કના બદલે નવી દિલ્હી છપાશે. તેના પર મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ‘એક કહેવત છે, જેને આપકે મુંહ મેં ઘી-શક્કર કહેવામાં આવે છે.’ આ વાક્ય પર લોકોના ચહેરા પર સ્માઈલ આવી ગઈ અને ભારતીય સમુદાયે તાળીઓ વગાડી હતી.  

વિદેશમંત્રીએ આગળ વધુમાં કહ્યું હતું કે, સ્વીડનનું EUના સભ્ય, એક નોર્ડિક ભાગીદાર અને એક સાથી બહુપક્ષીય દેશના રૂપમાં મહત્વ છે. આપણે ભારતમાં થઈ રહેલા તે બદલાવો વિશે વાત કરી, જે આપણી વૈશ્વિક ઉપસ્થિતિને વધારે છે અને વિદેશોમાં ભારતીયો માટે તક નિર્માણ કરે છે.

આના પહેલા વિદેશમંત્રીએ સ્વીડનના પોતાના સમકક્ષ ટોબિયાસ બિલસ્ટ્રોમની સાથે રવિવારે અનેક વિષયો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન હિન્દ-પ્રશાંત, યૂરોપની વ્યૂહાત્મક સ્થિતિ અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને જોખમ મુક્ત કરવાના વિચારોનો આદાન-પ્રદાન ર્ક્યા હતા. વિદેશમંત્રી તરીકે એસ.જયશંકરની આ પહેલી સ્વીડન યાત્રા હતી. વિદેશમંત્રી આવા સમયે અહીં પ્રવાસ કરી રહ્યા છે, જ્યારે ભારત અને સ્વીડન પોતાના રાજનૈતિક સંબંધોની સ્થાપનાના 75 વર્ષ પૂરા કરી રહ્યા છે. સ્વીડન હાલમાં EU પરિષદની અધ્યક્ષતા કરી રહ્યો છે.

મંત્રી જયશંકરે સ્વીડનના રક્ષા મંત્રી પોલ જોનસન સાથે પણ મુલાકાત કરી હતી અને બંને નેતાઓએ ક્ષેત્રીય તેમજ વૈશ્વિક સુરક્ષા પર ચર્ચા કરી હતી. આ ફોરમ દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરે ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બુલ્ગારિયા, સાઈપ્રસ, લાત્વિયા, લિથુઆનિયા અને રોમાનિયાના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી હતી.

Most Popular

To Top