Charchapatra

એસ. બી. આઈ. બી. ઓ. બી. નો રેઢિયાળ કારભાર

થોડા સમય પહેલાં આ જ જગાએ હું એસ.બી.આઇ. ના રેઢિયાળ કારભાર માટે લખી ચૂકયો છું. હવે એવો જ અનુભવ મને બી.ઓ.બી. નો થયો! રાજય સરકારના પેન્શનરોએ મે થી જુલાઇ સુધીમાં તેમની હયાતીની ખરાઇ બેંકમાં જઇને કરવાની હોય છે તે મુજબ મારી પત્ની (નિવૃત્ત શિક્ષિકા) સાથે બી.ઓ.બી.ની નાનપુરા શાખામાં ગયા તો હયાતી સર્ટીફીકેટ લેવા માટે આ બારીથી પેલી બારીના ખો અપાયા બાદ લગભગ ૨૦ મીનીટ પછી સર્ટીફીકેટ મળ્યું! ૨૦૨૧ સુધી આ હયાતી સર્ટીફીકેટ સાથે આધાર ને પાનની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો બીડવાની સૂચના હતી તે મુજબના ડોકયુમેન્ટસ જોડે લઇ ગયેલા જેથી કામ તુર્ત જ પતે, પણ એવું ના થયું! બેંકે કહ્યું આ વખતે ઉપરોકત ડોકયુમેન્ટ ઉપરાંત તમારે પેન્શન બુક અને બેંક પાસ બુકની નકલ પણ બીડવાની છે. મેં કહ્યું કોઇ સરકયુલર છે? તો બેંકે ટ્રેઝરી – ઓફીસ, સુરતનો સરકયુલર બતાવ્યો, જે અત્યંત ઝાંખો હતો જેમાં પેન્શન બુક અને બેંક પાસબુક ઉપરાંત પતિ – પત્નીના સંયુકત ફોટા જોડવાનો પણ ઉલ્લેખ હતો. આમાંના કોઇ ડોકયુમેન્ટસ અમારી પાસે ના હોઇ અમે પરત ઘરે ગયા અને ફરીથી બધા ડોકયુમેન્ટસ જોડી ફોર્મ આપ્યું! અહીં પ્રશ્ન ટ્રેઝરી ઓફીસ દર એપ્રિલ માસમાં પેન્શનરોને હયાતી ખરાઇ માટે વર્તમાનપત્રોમાં નોટીસ જારી કરે છે તેમાં આ બધા ડોકયુમેન્ટસનો ઉલ્લેખ કેમ ના કર્યો? એટલે રેઢિયાળ બેંક સાથે ટ્રેઝરી ઓફીસ પણ એટલી જ જવાબદાર કહી શકાય! અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશના સીનીયર સીટીઝનોની હાલત દયનીય છે એમાં કોઇ બે મત ના હોઇ શકે!
સુરત     – ભાર્ગવ પંડયા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top