Columns

રશિયાનું વાગનર ગ્રૂપ: ખાનગી સૈન્યની આડોડાઇ તેને પોષનારાના જીવ અદ્ધર કરી દે છે

દુનિયા માટે પનોતી થવા તૈયાર બેઠેલા રશિયાની પનોતી બેસી ગઇ હોય એમ લાગે છે. જો કે ધાર્યું હતું તેના કરતાં બધું જરા જલદી આટોપાયું પણ ખાનગી સૈન્ય વાગનર ગ્રૂપે રશિયામાં જે કર્યું તેના પડઘા ભલભલાના કાન ફાડી નાખે એવા રહ્યા એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. રશિયન ક્રાંતિનો ઇતિહાસ કોઇને માટે નવો નથી. આ વાગનર ગ્રૂપે રશિયન સરકાર સામે નિષ્ફળ બળવો પોકાર્યો પણ આ ગણતરીના દિવસોમાં જે થયું તેને કારણે આધુનિક વિશ્વમાં ખાનગી સૈન્યનો જે ફાળો છે તેની તરફ ધ્યાન આપવું અને તેનું વિશ્લેષણ કરવું અનિવાર્ય થઇ પડ્યું. રશિયન પ્રમુખ પુતિનને માટે તો ‘હાથના કર્યા હૈયે વાગ્યા’વાળો ઘાટ થયો છે.

રશિયન પ્રાઇવેટ મિલટરી કંપની – વાગનર ગ્રૂપ આમ તો કોઇ બિઝનેસ કંપની જેવું જ માળખું લાગે પણ તેની કામગીરી, તેની વ્યવસ્થા બધું જ રશિયન સૈન્ય અને ઇન્ટેલિજન્સ ઑફિસીઝ સાથે બારીકાઇથી જોડાયેલું છે. રશિયન સરકારને આ ખાનગી સૈન્ય સેવાઓ કામની લાગી છે. આ ખાનગી સૈન્યનો ઇતિહાસ અને પૃષ્ઠભૂમિ શીત યુદ્ધ પછીના સમયમાં રહેલી છે. શીત યુદ્ધ પછી ખાનગી સૈન્ય સેવાઓ આપતી કંપનીઝ શરૂ થઇ અને જે રાષ્ટ્રમાં તે હોય તે ઉપરાંતના અન્ય રાષ્ટ્રોએ પણ જરૂર પડે તેની મદદ લીધી છે. 21 સદીના ઇરાક અને અફઘાનિસ્તાના સંઘર્ષોમાં આ ખાનગી સેના કંપનીઓએ બધા જ સ્તરે કામ કર્યું હતું.

સોવિયેત રશિયામાં આવી કંપનીઝ હતી જ અને તેમણે ચીન, ફિનલેન્ડ જેવા દેશો સાથેના સંઘર્ષમાં કામગીરી કરી હતી વળી સોવિયેત યુનિયનની આવી કંપનીઝે શીત યુદ્ધ દરમિયાન ‘એડવાઇઝર્સ’ તરીકે સીરિયા, ઇજિપ્ત, લિબિયા જેવા અનેક રાષ્ટ્રોમાં ત્યાંના સૈન્યનું આધુનિકીકરણ કરવામાં મદદ કરી હતી. 90ના દાયકામાં તેમણે મોલડોવા અને જ્યોર્જિયાના અલગાવવાદી સંઘર્ષોમાં ભાગ લીધો પણ રશિયન સરકારે પોતે એ સંઘર્ષનો હિસ્સો હોવાનું ક્યારેય ન સ્વીકાર્યું. સોવિયેત સંઘ છૂટા પડ્યા પછીના રશિયામાં આ ખાનગી સેના કંપનીઓને મજબૂત બનતા ખાસ્સી વાર લાગી કારણ કે રાષ્ટ્રીય સેનાઓએ તેનો વિરોધ કર્યો હતો. જો કે છેલ્લાં કેટલાંક વર્ષો કાયદાકીય ક્ષતિઓ શોધીને 90ના દાયકામાં ખાનગી સલામતી કંપની સાથે આ સેના કંપનીઓ પણ ખડી થઇ ગઇ અને 2010ના દાયકામાં તો સીરિયા અને યુક્રેન યુદ્ધના પરિણામે તે આખા વિશ્વમાં પ્રચલિત પણ થઇ.

યેગવેની પ્રિગોઝિને સ્થાપેલા વાગનર ગ્રૂપે આફ્રિકા, માલી, લિબિયા, સેન્ટ્રલ આફ્રિકા રિપબ્લિક, મોઝામ્બિક જેવાં સ્થળોએ ત્યાંની સરકાર વતી અથવા તો રશિયન સરકાર માટે બિનઅધિકૃત રીતે લશ્કરી ઑપરેશન્સ પાર પાડ્યા છે. વાગનર ગ્રૂપ એવું પહેલું ખાનગી સૈન્ય નથી જે અચાનક જ ચર્ચાનો વિષય બની ગયું છે. વિશ્વમાં અન્ય દેશો પાસે પણ ખાનગી સૈન્ય છે જ. યુનાઇટેડ સ્ટેટ્સે જ્યારે ઇરાક પર હુમલો કર્યો હતો ત્યારે 1997માં સ્થપાયેલા મર્સિનરી ગ્રૂપ બ્લૅકવૉટરે ઇરાકમાં 2000ના દાયકાની શરૂઆતમાં જે વિવાદાસ્પદ કૃત્યો કર્યાં હતાં તેની ભારે ચર્ચા થઇ હતી.

ખાનગી મિલિટરી કંપની તરીકે બ્લૅકવૉટરે US સરકાર અને તેના સાથીઓને સુરક્ષા અને સૈન્યનો સહકાર આપવામાં નોંધનીય યોગદાન આપ્યું હતું. બ્લૅકવૉટર ગ્રૂપની પકડ એટલી મજબૂત હતી કે US મીડિયાએ ક્યારેય તેને વિશે લખવામાં ‘પ્રાઇવેટ આર્મી’ જેવા શબ્દોનો ઉપયોગ ન કર્યો બલકે ‘આર્મ્ડ કોન્ટ્રાક્ટર્સ’ જેવો શબ્દપ્રયોગ કર્યો. આમ કરવાથી આ ખાનગી સૈન્યને કોઇ નકારાત્મક રંગ ન ચઢે તે સ્વાભાવિક છે.

આ ખાનગી સૈન્યને ચાર મોટા ફાયદા હોય છે. સૌથી પહેલાં તો તે સૈન્યને લગતી તમામ બાબતોને લઇને સારી પેઠે તૈયાર હોય છે, તેમને પોતાના વિષયનું – પોતાના કામનું સારું એવું જ્ઞાન હોય છે. જેમ કે બ્લૅકવૉટરની વાત કરીએ તો તેમાં એવા જ લોકોને રાખવામાં આવે છે જેને સૈન્યનો બહોળો અનુભવ હોય. મોટે ભાગે આ લોકો ઉચ્ચ કક્ષાના સ્પેશ્યલ ફોર્સ યુનિટના હોય છે જે હાઇ સ્કિલ્ડ ઑપરેટર્સની કક્ષાના હોય છે. જ્યાં બહુ વધુ જોખમ હોય એવા સંજોગોમાં તેમને માટે જટિલ મિશન્સ પાર પાડવાનું સરળ થઇ પડે છે.

ખાનગી સૈન્યનો બીજો ફાયદો એ છે કે સુરક્ષાને લગતા પડકારો ખડા થાય તો તે ગણતરીની મિનિટોમાં તત્કાળ પ્રતિક્રિયા આપવા માટે સજ્જ હોય છે અને ધાર્યા કરતાં વધુ ઝડપથી તેઓ ‘એક્શન’માં આવી શકે છે. વળી ત્રીજો અગત્યનો મુદ્દો એ કે ખાનગી સૈન્ય જ્યારે હુમલો કરે અથવા યુદ્ધ જેવા સંજોગોમાં સામેલ હોય ત્યારે માનવાધિકારનું ઉલ્લંઘન થાય ત્યારે એ ખાનગી સૈન્ય જે પણ દેશનું હોય, એ દેશની સરકારને કોઇ જવાબદારી રહેતી નથી, તેઓ તેમના જ દેશના ખાનગી સૈન્યથી થયેલા જાન-માલના નુકસાન માટે પોતાને માથે કોઇ ઓળિયો-ઘોળિયો આવે તેનાથી સત્તાવાર રીતે દૂર રહી શકે છે.

વાગનર ગ્રૂપે આફ્રિકા પર ચઢાઈ કરી હતી તેના પગલે રશિયાએ પોતાની મિલિટરી શક્તિની ક્ષમતા દેખાડી દીધી પણ એની કોઇ સત્તાવાર સ્વીકૃતિ ન કરી. આમ થવાથી મોસ્કો આ ઑપરેશન્સમાં, આ સંઘર્ષમાં પોતાનો કોઇ પણ હાથ નથી એમ બતાડી શક્યું છતાં પણ પ્રોક્સી ફોર્સ દ્વારા જે જોઇતું હતું એ તો મેળવી જ લીધું. આ ખાનગી સૈન્યનો ચોથો ફાયદો એ કે તે રાષ્ટ્રને મોંઘી નથી પડતી, સરકારી સૈન્યને જાળવવામાં – સજ્જ રાખવામાં જે ખર્ચો થાય છે તેની સરખામણીએ આ ખાનગી સેના લાંબા અને ટૂંકા ગાળે ગજવા પર હળવી પડે છે અને આમ કરતાં જે બચત થાય તે શસ્ત્ર કે લશ્કરના આધુનિકીકરણના લક્ષ્યમાં વાપરી શકાય છે.

હવે રશિયાના વાગનર ગ્રૂપની ફરી વાત કરીએ તો તેના કર્તાહર્તા યેગવેની એક સમયે કેટરિંગનું કામ કરતા હતા અને તે હજી થોડા સમય પહેલાં તો પુતિનના ખાસ ગણાતા. યુક્રેનના યુદ્ધમાં વાગનરના ભાડૂતી સૈનિકો રશિયા વતી ખાસ્સું એવું લડ્યા.
રશિયામાં તે બળવો થયો તેનું કારણ હતું વાગનર ગ્રૂપ અને રશિયાના સંરક્ષણ મંત્રાલય વચ્ચેના મતભેદને પગલે પ્રેગોઝિને રશિયન આર્મીને જ પતાવી દેવાનું એલાન કર્યું અને આ એલાનને પગલે ક્રેમલિને કહ્યું કે આ વાગનર ગ્રૂપનો બળવો છે.

વાગનરવાળાની ફટકી તે 24 કલાક સુધી રશિયન સરકારના જીવ પડીકે બંધાઇ ગયા કારણ કે આ ખાનગી સૈન્ય જે દેશ માટે લડતું તેની જ સરકારી સેના સામે તેમણે મોરચો માંડ્યો અને ભારે નુકસાન કર્યું. અચાનક જ બધું કોઇ ફિલ્મી સીનની માફક બદલાતું રહ્યું. આ આખા ખેલમાં પુતિનનું વલણ હાસ્યાસ્પદ કહી શકાય એવું રહ્યું પછી ભલે ને લુકાશેન્કોની મદદથી વાગનરની ધમકીઓ તેણે ટાળી હોય. શનિવારે પહેલાં એમણે પ્રિગોઝિનના લખ્ખણોને આંતરિક વિશ્વાસઘાત કહીને તેમને રાજદ્રોહી પ્રકારનું લેબલ આપ્યું. પુતિનને રાજદ્રોહીઓ પર પોતાના વિદેશી શત્રુ રાષ્ટ્રો કરતાં પણ વધારે તિરસ્કાર છે, તેણે આડકતરી રીતે પ્રિગોઝિનનો નાશ કરવાનું એલાન કર્યું અને સાંજ સુધીમાં તો પ્રિગોઝિન પર ખટલો સુદ્ધાં નહીં ચાલેની વાત આવી અને પ્રિગોઝિન બેલારૂસ ચાલ્યા ગયા.

પુતિનના રસોઇયા તરીકે ઓળખાતા પ્રિગોઝિને જે પણ કર્યું હોય પણ તેની કંપની રશિયા માટે જરૂરી છે. પુતિને હવે પોતાના સૈન્ય અને ખાનગી સૈન્ય વચ્ચે કોઇ સંતુલન શોધવું પડશે. વળી વાગનર ગ્રૂપે આડા ફાટવાનું નક્કી કર્યું તેની પાછળ કોનો દોરીસંચાર હશે એ પણ પુતિને વિચારવું રહ્યું. શું આ માત્ર સત્તા સાબિત કરવાને લીધે થયું કે પછી કોઇ પશ્ચિમી રાષ્ટ્રે વાગનર ગ્રૂપને આમ કરવા માટે ઉશ્કેર્યું? વળી વાગનર ગ્રૂપે જે કહ્યું તેને બળવો કે ક્રાંતિ કહેવાય? રશિયન ક્રાંતિ – બૉલ્શેવિક ક્રાંતિનો પ્રભાવ આખી દુનિયાના રાજકારણ પર પડ્યો હતો પણ વાગનરે જે કર્યું તેની અસરે નિર્દોષોનો ભોગ લીધો અને પુતિનની રાતની ઊંઘ હરામ કરી દીધી.

રશિયા એટલે કે પુતિને આ વાગનર ગ્રૂપને તેની કામગીરી બદલ નહીં નહીં તો ૨ બિલિયન ડૉલર્સ ચૂકવ્યા હશે પણ એક વસ્તુ સમજવી જરૂરી છે કે આ પ્રાઇવેટ આર્મીઝ – ખાનગી સૈન્ય કોઇનાં પણ સગાં નથી, કોઇ પણ દેશ તેનો ઉપયોગ કરીને છાનું ઑપરેશન કરાવી શકે છે. ખાનગીકરણનું આ જ સત્ય છે, જે પૈસા આપશે તેને માટે કામ કરશે અને વધારે પૈસા આપશે અને પૈસા આપનારાની માંગ હશે સગા બાપને ય નહીં છોડે. વળી આ આર્મીઝ બહુ જોરાવર હોય છે અને એટલે જ એમને કોઇની ય સાડાબારી નથી હોતી.

Most Popular

To Top