રશિયા અને યુક્રેનના યુદ્ધને એક વર્ષ ઉપર થયું, પરંતુ રશિયા હજુ સુધી યુક્રેનમાં કોઈ નોંધપાત્ર જીત હાંસલ કરી શક્યું નથી. આ સમયે બંને દેશોના યુદ્ધની જ્વાળાઓ કોઈ શહેર ઉપર સહુથી વધુ પ્રસરી હોય તો એ યુક્રેનની સીમા ઉપર આવેલું એક મામૂલી શહેર બાખમુત છે. છેલ્લા સાત કરતાં પણ વધુ મહિનાઓથી રશિયાએ આ શહેર ઉપર આક્રમણના અનેક પ્રયત્નો કર્યા છે અને મોટા ભાગના શહેરને મૃત:પ્રાય અવસ્થામાં ફેરવી દીધું છે.
યુક્રેનની સીમાઓ જીતવા માટે રશિયાના પાટનગર મોસ્કો દ્વારા પોતાના લશ્કરી જવાનો ઉપરાંત વાઘનર ગ્રૂપના મર્સીનરી (ભાડૂતી સૈન્ય) નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારે જાનમાલનું નુકસાન વેઠવા છતાં અને અનેક વાર વિજય હાથવેંતમાં હોવા છતાં રશિયાના હાથમાં આ શહેર આવ્યું નથી. યુક્રેનના યોદ્ધાઓએ મહિનાઓથી પોતાનાં શહેરને રશિયાના હાથમાં પડતું રોક્યું છે. હજુ આજે પણ આ બાખમુત શહેરમાં રશિયાનો વિજય થયો નથી. રશિયાને આ બાખમુત શહેરમાં કેમ આટલો રસ છે? કેમ રશિયા યુક્રેનના અન્ય પ્રાંતો કરતાં બાખમુત પાછળ પોતાની લશ્કરી શક્તિનો વધુ વ્યય કરી રહ્યું છે? આ બાબત સમજવા માટે બાખમુત અને તેના પર જેની નજર છે તેવા રશિયન મર્સીનરી ગ્રુપ વાઘનરના વડા વિષે વધુ ઊંડાણથી સમજવું પડશે.
પ્રથમ તો બાખમુતની ભૂગોળ સમજીએ. બાખમુત તે યુક્રેનના પૂર્વીય પ્રાંત દોનેત્સ્કનું એક શહેર છે જે લુહાન્સ્કાની સીમાથી ૧૦ માઈલ દૂર છે. યુદ્ધ પૂર્વે બાખમુત એક ઔદ્યોગિક શહેર હતું જ્યાં જીપ્સમ અને મીઠાનું ઉત્ખનન થતું હતું. આ એ જ શહેર છે જ્યાં ૧૯૫૦ માં સોવિએત રશિયાના તત્કાલીન વડા જોસેફ સ્તાલિનના હુકમ વડે એક વાઇનનું કારખાનું સ્થપાયું હતું. દાયકાઓ સુધી આ કારખાનામાંથી સોવિયેત રશિયાનો શ્રેષ્ઠ “સ્પાર્કલિંગ વાઇન”મળતો. ૧૯૯૧ માં યુક્રેન સ્વતંત્ર થયું ત્યાર બાદ આ વાઇનનું યુક્રેનના વાઈન તરીકે રીબ્રાંડિંગ કરવામાં આવ્યું હતું.
યુદ્ધની શરૂઆત થઇ તે પહેલાં બાખમુતની વસતિ ૭૧,૦૦૦ હજાર આસપાસ હતી જે આજે ઘટીને અમુક હજાર જેટલી જ રહી ગઈ છે. રશિયાની નજર બાખમુત ઉપર ૨૦૧૪ થી જ હતી જ્યારે રશિયન સહાય વડે યુક્રેનના અલગતાવાદી જૂથે દોનેત્સ્કનો કબજો લેવાની કોશિશ કરી હતી. આ જૂથે બાખમુતના અમુક હિસ્સાનો કબજો પણ મેળવી લીધો હતો પરંતુ યુક્રેનના લશ્કરે તેમને મારી હટાવ્યા અને શહેરને ફરી મુક્ત કર્યું હતું. ૨૦૧૬ ના વર્ષમાં શહેરના રહેવાસીઓએ શહેરનું સોવિયેત રશિયાના સમયનું નામ “આર્તેમિવ્સ્ક”બદલીને હાલનું નામ બાખમુત કર્યું. આ નામ મૂળે ૧૫૭૧ ના વર્ષનું છે જ્યારે આ પ્રાંતમાં “કોસ્સાક”પ્રજાતિનો વસવાટ હતો. ગત વર્ષે યુક્રેન ઉપર પૂરજોશમાં આક્રમણ કર્યા બાદ રશિયાએ મે મહિનામાં બાખમુત ઉપર હવાઇ આક્રમણની શરૂઆત કરી હતી. રશિયાના કહેવા મુજબ આ આક્રમણનો ઉદ્દેશ યુક્રેનના દોનેત્સ્ક અને લુહાન્સ્ક સ્થિત લશ્કર ઉપર ઘેરો કરવાનો હતો.
મોસ્કોના કહેવા મુજબ રશિયાનો ઇરાદો બંને પ્રાંતોનો કબજો કરવાનો છે. છેલ્લા સાત મહિનામાં રશિયાના સતત હવાઈ અને મર્સીનરી આક્રમણોને કારણે બાખમુત એક સળગી ગયેલા શરીર જેવું બની ગયું છે. આજની તારીખે બાખમુતમાં અમુક હજાર રહીશો જ જીવતાં રહ્યાં છે, જેમાં મહત્તમ સંખ્યા વૃદ્ધોની છે. તાજેતરમાં ડ્રોન વડે લેવામાં આવેલ તસવીરોમાં કાળા પડી ગયેલ રસ્તાઓ અને દુકાનો, ભાંગીને ભૂક્કો થઈ ગયેલાં મકાનો અને બરફમાં ઢંકાયેલી ખાલી ગલ્લીઓ નજર પડે છે. એક રશિયન વિશ્લેષકના કહેવા મુજબ “બાખમુતનું કોઈ વિશેષ વ્યૂહાત્મક મૂલ્ય નથી.”
રશિયા કેમ સાવ મામૂલી કહેવાય એવા બાખમુત પાછળ પડ્યું છે? હકીકત એવી છે કે રશિયાનું લશ્કર નહીં પણ રશિયાના મર્સીનરી ગ્રુપના વડાની નજર આ શહેર ઉપર છે. આ વડાનું નામ છે યેવેન્યી પ્રીગોઝીન. પ્રીગોઝીન તેના આફ્રિકા અને સીરીયામાં કરાયેલાં ક્રૂર કરતૂતો માટે કુખ્યાત છે. રશિયાના યુક્રેન ઉપરના આક્રમણને કારણે પ્રીગોઝીનને પોતાનું મહત્ત્વ સ્થાપિત કરવાની તક મળી છે. રશિયાના લશ્કરમાં પોતાનો સિક્કો જમાવવા માટે બાખમુત ઉપરનો વિજય પ્રીગોઝીન માટે એક સફળતાનું સોપાન નીવડી શકે છે. બાખમુતને કબજે કરવા માટે પ્રીગોઝીને આજ સુધી હજારોની સંખ્યામાં મર્સીનરી, એટલે કે ભાડૂતી યોદ્ધાઓ મેદાનમાં ઉતાર્યા છે. આ ભાડૂતી યોદ્ધાઓ પોતાના દેશ માટે જાન ન્યોચ્છાવર કરનારા શૂરા સૈનિકો નથી પણ જેલમાંથી છોડાવેલા કેદીઓ, ગુનેગારો અને પૈસા માટે લોકોના જીવ લઈ શકે એવા ઘાતકી હત્યારાઓ છે. જો કે આ ભાડૂતી યોદ્ધાઓના જીવનની કિંમત પ્રીગોઝીનને હોય એમ નથી લાગતું.
સાત મહિનાઓથી ચાલી રહેલા આ બાખમુતના આક્રમણમાં જાનમાલનું ભારે નુકસાન પ્રીગોઝીને સહન કર્યું છે. તેમ છતાં વધુ ને વધુ તાલીમ વગરના લોકોને તે બાખમુત ઉપર મોકલી રહ્યો છે. એવું કહી શકાય કે રશિયાના લશ્કરી વડાઓની સામે પોતાના વાઘનર મર્સીનરી ગ્રૂપનું મહત્ત્વ સ્થાપિત કરવા માટે, પ્રીગોઝીન કોઈ પણ હદ સુધીનું નુકસાન સહન કરવા તૈયાર છે. સામાન્ય રીતે કોઈ શહેરના વ્યૂહાત્મક મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેના માટે યુદ્ધ લડાતું હોય છે. પરંતુ બાખમુત માટે એમ કહી શકાય કે તેના માટે યુદ્ધ લડાતું હોવાને લીધે તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વધી ગયું છે.
યુદ્ધની શરૂઆતમાં રશિયાએ જેટલા વિસ્તારો ઉપર વિજય મેળવ્યો હતો એ પૈકી બાખમુત સિવાયના લગભગ દરેક વિસ્તારો ઉપર યુક્રેને વળતા પ્રહારો કરી રશિયાનો કબજો દૂર કર્યો છે. હાલમાં, રશિયા અને યુક્રેનનું યુદ્ધ એક ૬૦૦ માઈલ લાંબી જમીની સીમા ઉપર ખેલાઇ રહ્યું છે ત્યારે બંને દેશો માટે, આ સીમાથી ૧૦ જ માઈલ દૂર રહેલું બાખમુત એક મહત્ત્વનું શહેર બની ગયું છે. વાઘનર ગ્રૂપના વડા માટે ભલે બાખમુત પોતાનું મહત્ત્વ સ્થાપિત કરવાનો રસ્તો હોય, પરંતુ રશિયા માટે પણ બાખમુત કબજે કરવું જરૂરી બન્યું છે. યુદ્ધની શરૂઆતમાં રશિયાએ હાંસલ કરેલા લગભગ દરેક પ્રાંતો ઉપરથી રશિયાના લશ્કરે હાલમાં કબજો ગુમાવ્યો છે, જેના કારણે રશિયાના લશ્કરમાં એક પ્રકારની નિરાશા જોવા મળે છે. જો યુક્રેનના સૈન્યને બાખમુતમાંથી પીછેહઠ કરવાની ફરજ પાડવામાં રશિયા સફળ થાય તો તે રશિયા માટે એક બહુ મોટો વ્યૂહાત્મક વિજય હશે.
રશિયા જેવી મહાસત્તા, યુક્રેન જેવા નાનકડા દેશના બાખમુત જેવા મામૂલી શહેરને પણ સાત-સાત મહિનાથી કબજે નથી કરી શકી. આ મુદ્દાને લઈને બાખમુત યુક્રેનના લશ્કર અને તેના નાગરિકો માટે સ્વતંત્રતાનું એક પ્રતીક બની બેઠું છે. ડિસેમ્બરમાં જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ બાખમુતની મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે એ શહેરને “આપણા જુસ્સાના ગઢ”તરીકે ઓળખાવ્યું હતું. બીજા જ દિવસે અચાનક તેમણે વૉશિંગ્ટનની મુલાકાત લીધી હતી અને બાખમુત શહેરની એક ધજા અમેરિકન કોંગ્રેસની સામે પ્રસ્તુત કરી હતી. આ સમયે તેમણે બાખમુત માટેની તેમની લડાઈને અમેરિકાની ક્રાંતિ સાથે સરખાવી હતી. ડિસેમ્બર મહિનાથી બાખમુત કોઈ પણ સમયે રશિયાના હાથમાં જઈ શકશે એવું લાગતું હતું પણ છેલ્લા અઠવાડિયામાં આ યુદ્ધ અત્યંત આક્રમક બની ગયું છે. બાખમુત બંને દેશો માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયું છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.