World

તુર્કીમાં ઉતર્યા બાદ રશિયાના વિમાનમાં આગ લાગી, લિથુઆનિયામાં DHLનું કાર્ગો વિમાન ઘરમાં ઘુસી ગયું

અંકારા: તુર્કીના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે, દક્ષિણ તુર્કીના અંતાલ્યા એરપોર્ટ પર ઉતર્યા બાદ રશિયન વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જેમાં 95 લોકો સવાર હતા. તમામ મુસાફરો અને ક્રૂને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
અઝીમુથ એરલાઈન્સ દ્વારા સંચાલિત સુખોઈ સુપરજેટ 100 પ્રકારના વિમાને રવિવારે સોચીથી ઉડાન ભરી હતી અને તે 89 મુસાફરો અને 6 ક્રૂ સભ્યોને લઈને જઈ રહ્યું હતું, એમ મંત્રાલયે જણાવ્યું હતું.વિમાન રાત્રે 9:34 વાગ્યે લેન્ડ થયા બાદ પાયલટે ઈમરજન્સી કોલ કર્યો હતો. એરપોર્ટના બચાવ અને અગ્નિશામક જવાનોએ આગને ઝડપથી કાબુમાં લીધી હતી, એમ નિવેદનમાં કહેવાયું હતું.આ બનાવમાં કોઈને ઈજા થઈ ન હતી. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.
એક ન્યૂઝ વેબસાઈટે પોસ્ટ કરેલા વીડિયોમાં, વિમાનની ડાબી બાજુએથી આગની જ્વાળાઓ નીકળતી દેખાય છે જ્યારે ઇમરજન્સી ક્રૂ વિમાની આગ બુઝાવવાના પ્રયાસ કરી રહ્યા હતા.

મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ દ્વારા વિમાનની બહાર કાઢતા જોવામાં આવ્યા હતા, જેમાં કેટલાક પોતાનો સામાન સાથે લઇને બહાર આવ્યા હતા. પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાનને રનવે પરથી હટાવવાના પ્રયાસો ચાલુ હતા. જ્યારે સૈન્ય દ્વારા ચલાવવામાં આવતા રનવે પરથી વિમાનો પ્રસ્થાન કરી રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર આગમનને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું હતું.

ડીએચએલનું એક કાર્ગો વિમાન તૂટી પડયું
વિલનિઅસ: લિથુઆનિયાની રાજધાની નજીક સોમવારે સવારે ડીએચએલનું એક કાર્ગો વિમાન તૂટી પડયું હતું એને ઘસડાઈને એક ઘરમાં ઘુસી ગયું હતું, જેમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માતના કારણની હજુ તપાસ કરાઈ રહી છે.
એક વીડિયોમાં દેખાય છે કે એરપોર્ટની નજીક પહોંચતા વિમાન ઉતરવા માટે નીચે નમ્યું હતું ત્યારબાદ તેમાં વિસ્ફોટ થઈને તેમાં આગ લાગી હતી. આ અકસ્માત ત્યારે થયો છે જ્યારે પશ્ચિમના દેશોના અધિકારીઓ શંકા કરી રહ્યા છે કે રશિયાની ગુપ્તચર સંસ્થા તેમની વિરૂદ્ધ તોડફોડના કૃત્ય કરી રહી છે. લિથુઆનિયાના અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે આ અકસ્માતમાં રશિયાની સંડોવણીના એંગલથી પણ તપાસ કરાશે, જો કે તેમણે કહ્યું હતું કે અત્યારે એવા કોઈ પુરાવા મળ્યા નથી.

પોલીસ અધિકારી રેનાટાસ પોઝેલાએ જણાવ્યું હતું કે, ‘તે એરપોર્ટથી થોડાક કિલોમીટર પહેલાં તૂટી પડ્યું હતું, તે થોડાક સો મીટર સુધી સરકી ગયું હતું, તેનો કાટમાળ રહેણાંક મકાન પર પડ્યો હતો. ઘરની આસપાસના માળખામાં આગ લાગી હતી થોડું નુકસાન થયું હતું, પરંતુ અમે લોકોને બહાર કાઢવામાં સફળ થયા હતા.અહેવાલ મુજબ અકસ્માતમાં એક સ્પેનિશ નાગરિકનું મોત થયું હતું જ્યારે 3 અન્ય ક્રૂ સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા.વિમાનની ઓળખ જર્મનીના લેઇપઝિગથી આવતા ડીએચએલ કાર્ગો વિમાન તરીકે કરાઈ હતી. અગ્નિશમન દળ સહિત અન્ય ઈમરજન્સી સેવાઓના જવાનો ઘટના સ્થળ પર છે.

ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે વિમાન રનવેથી 1.5 કિલોમીટરથી થોડે દૂર તૂટી પડતાં પહેલાં, લેન્ડિંગ માટે લાઇનમાં ઊભું હતું. સ્થાનિક સમય અનુસાર સવારે 5:30 વાગ્યા પહેલા અકસ્માત થયો હતો, સત્તાવાળાઓએ હજુ અકસ્માતનું કોઈ કારણ આપ્યું નથી. ડીએચએલ ગ્રુપનું મુખ્યમથક જર્મનીના બોનમાં છે ત્યાંથી આ અકસ્માત અંગે કોઈ ટિપ્પણી આવી ન હતી. બોઇંગ 737, 31 વર્ષ જૂનું હતું, જેને નિષ્ણાતો દ્વારા જૂની એરફ્રેમ માનવામાં આવે છે, જો કે કાર્ગો ફ્લાઇટ માટે તે અસામાન્ય નથી.

Most Popular

To Top