મોસ્કોઃ રશિયા(Russia)એ યુક્રેન (ukrain) પર કરેલા હુમલાના પગલે સમગ્ર વિશ્વ પુતિનનો વિરોધ કરી રહ્યું છે. વિશ્વની સાથે સાથે પુતિનનો પોતાના દેશમાં પણ વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધ વચ્ચે રશિયાના એક બિઝનેસમેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના માથા પર 1 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું છે. આ બિઝનેસમેને ફેસબુક અને લિંક્ડઈન પર પુતિનની તસવીર સાથેનું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં પુતિનનું માથું લાવવા માટે 1 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
- યુક્રેન પર હુમલાને લઈને રશિયન બિઝનેસમેનનો પુતિન પર આક્રોશ
- પુતિનને જીવતો કે મૃત લાવવા પર ઈનામની જાહેરાત કરી
- બિઝનેસમેન રશિયા સાથે છેતરપિંડી કરીને અમેરિકા થયો હતો ફરાર
યુક્રેન પર હુમલાને લઈને વિશ્વભરનાં દેશોની સાથે સાથે રશિયાના લોકો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્ધ થઈ ગયા છે. રશિયાની રાજધાની મોસ્કો સહિત અનેક મોટા શહેરોમાં પુતિનનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે રશિયન ઉદ્યોગપતિ એલેક્સ કોન્યાખિને વ્લાદિમીર પુતિનના માથા પર 1 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું છે. ભારતીય રૂપિયામાં ઈનામની રકમ લગભગ 7.5 કરોડ રૂપિયા હશે. કોન્યાખિને તેના ફેસબુક અને લિંક્ડ-ઇન પર પુતિનની તસવીર સાથેનું એક પોસ્ટર શેર કર્યું છે, જેના પર ‘વોન્ટેડઃ ડેડ ઓર અલાઇવ. ફોર માસ મર્ડર’ લખેલું છે. એલેક્સે પોસ્ટમાં કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ યુદ્ધ અપરાધી તરીકે પુતિનની ધરપકડ માટે 1 મિલિયન ડોલર ચૂકવવા તૈયાર છે.
ફેસબુકે કોન્યાખિનની પોસ્ટ હટાવી
ફેસબુકે કોન્યાખિનની આ પોસ્ટને નિયમોનું ઉલ્લંઘન માનીને હટાવી દીધી છે. જે બાદ રશિયન બિઝનેસમેને સ્પષ્ટતા કરી હતી
કે હું લોકોને પુતિનને મારવા માટે નથી કહી રહ્યો હતો. મારો હેતુ તેમને ન્યાય અપાવવાનો છે. કોન્યાખિને આ પોસ્ટ યુક્રેન પર રશિયાના આક્રમણના લગભગ એક સપ્તાહ બાદ કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યુદ્ધમાં યુક્રેનના 2000 થી વધુ નાગરિકો માર્યા ગયા છે. તે જ સમયે, રશિયન સંરક્ષણ મંત્રાલયે એક દિવસ પહેલા કહ્યું હતું કે યુક્રેનમાં વિશેષ ઓપરેશન દરમિયાન તેના 498 સૈનિકો શહીદ થયા છે. તેનાથી વિપરીત, યુક્રેને દાવો કર્યો છે કે તેણે લગભગ 9000 રશિયન સૈનિકોને માર્યા છે.
કોન્યાખિન પર છે 8 મિલિયન ડોલરની ઉચાપતનો આરોપ
એલેક્સ કોન્યાખિન એક કરોડપતિ બિઝનેસમેન છે. 1992માં, તેમણે રશિયાના તત્કાલિન રાષ્ટ્રપતિ બોરિસ યેલત્સિનની આગેવાની હેઠળ યુએસમાં રશિયન પ્રતિનિધિમંડળમાં સેવા આપી હતી. બાદમાં તેમણે રશિયન એક્સચેન્જ બેંકમાં ઉચ્ચ હોદ્દા પર ક્રેમલિનના રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય વતી કામ કર્યું. જો કે, રશિયન એક્સચેન્જ બેંકમાંથી 8 મિલિયન ડોલરની ઉચાપતનો આરોપ લાગ્યા બાદ તેણે રાજીનામું આપ્યું અને 2007માં યુએસ ભાગી ગયો.
પુતિને તેમના વિરોધીઓને મારી નાખ્યાનો દાવો
તેમણે દાવો કર્યો છે કે પુતિન રશિયન પ્રમુખ નથી કારણ કે તેઓ રશિયામાં એપાર્ટમેન્ટ બિલ્ડીંગોને ઉડાવી દેવાના વિશેષ અભિયાનના પરિણામે સત્તામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે સ્વતંત્ર ચૂંટણીઓ નાબૂદ કરીને અને તેમના વિરોધીઓને મારીને બંધારણનું ઉલ્લંઘન કર્યું. , એક વંશીય રશિયન અને રશિયન નાગરિક તરીકે, હું નાઝીવાદથી રશિયાની મુક્તિને મારી નૈતિક ફરજ માનું છું. તેણે યુક્રેનને સતત મદદ આપવાની પણ જાહેરાત કરી છે.