કીવ: રશિયાએ હુમલો કર્યો હોય યુક્રેનના (Russiaukrainewar) મોટા ભાગના શહેરોમાં ઠેરઠેર બોમ્બ ધડાકા (Bomb Blast) થઈ રહ્યાં છે, ચારેતરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. દેશ પર હુમલો થતાં યુક્રેનવાસીઓ પોતાનો જ દેશ છોડી ભાગી રહ્યાં છે, ત્યારે એકાએક શુક્રવારની રાત્રે યુક્રેન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. ભારતથી હજારો કિલોમીટર દૂર યુદ્ધભૂમિ યુક્રેન પર ભારત પ્રત્યેનો દેશપ્રેમ ભારતીય નાગરિકો વ્યક્ત કર્યો હતો.
વાત એમ છે કે ગુરુવારે સવારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી 15 હજાર જેટલાં ભારતીય નાગરિકો યુક્રેનમાં ફસાયા છે. તેમાં મોટા ભાગના મેડીકલ સ્ટુડન્ટ્સ છે. આ ભારતીયોને ભારત પરત લાવવા માટે ભારતીય સરકાર સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે શુક્રવારે યુક્રેનથી ભારતીયોનું એક ગ્રુપ ઈન્ડિયા આવવા રવાના થયું હતું. આ ગ્રુપ દ્વારા બસમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવાયા હતા.
આ તરફ રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે વિગત આપતા કહ્યું કે, ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા પ્રયાસ કરી રહી છે. પહેલું ગ્રુપ આજે પરત આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા કેન્દ્ર સરકાર સજ્જ બની છે. આજે એર ઈન્ડિયાના (Air India) 4 પ્લેનની મદદથી ભારતીયો પરત પોતાના વતન ફરશે. એક પ્લેન યુક્રેનના રોમાનિયા અને એક પ્લેન હંગરીમાં ભારતીયોને લેવા જશે. દિલ્હથી 2 વિમાન ભારતીયોને પરત લેવા જશે. ભારતની રેસ્કયુ ટીમ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બોર્ડર સુધી પહોંચાડવામાં મદદ કરશે. જેમાં કેટલાક ગુજરાતના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. રાજ્ય સરકારે પણ ખાતરી આપી છે કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ હેમખેમ પોતાના વતન ફરશે. ભારતીય રેસ્ક્યૂ ટીમ રોમાનિયાની બોર્ડર સુધી પહોંચી ગઈ, જ્યાંથી યુક્રેનની રાજધાની કીવનું અંતર ફક્ત 12 કલાક છે. આ ભારતીય રેસ્ક્યુ ટીમ ભારતીય લોકોને વિમાન સુધી પહોંચાડવામાં મદદ કરશે. ત્યાર બાદ દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર પણ વિદ્યાર્થીઓ માટે પરત પોતાના વતન જવાની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે.
100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરશે
યુક્રેનથી વિદ્યાર્થીઓ ભારતના વિશેષ પ્લેનમાં ભારત પહોંચશે. સાંજે 4 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર AI 1944 નંબરની ફ્લાઈટમાં ગુજરાતના 56 વિદ્યાર્થીઓ મુંબઈ પહોંચશે અને મુંબઈ એરપોર્ટથી રાજ્યના વિદ્યાર્થીઓને ગુજરાત લાવવામા આવશે. આ માટે વિદ્યાર્થીઓને લાવવા GSRTC ની 2 વોલ્વો બસ મુંબઈ મોકલવામાં આવશે. જે યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને સલામત રીતે પોતાના વતન સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને લઈ ટ્વીટ કર્યુ છે કે પ્રથમ રેસ્કયુ પ્લેનમાં 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓને હેમખેમ ગુજરાત પોતાના વતન લાવવામાં આવશે.