Comments

રશિયા- યુક્રેન યુદ્ધમાં ત્રણ વરસ બાદ શાંતિની ઝંખના

લાંબા સમયથી રશિયન પ્રમુખ વ્લાદીમીર પુતીનનો હઠાગ્રહ હતો કે યુક્રેન સાથેના યુદ્ધ બાબતે એ સીધેસીધા અમેરિકા સાથે જ વાત કરશે. જો બાઈડેન નામના બુઢ્ઢા પણ લુચ્ચા પ્રમુખે એક તરફ યુક્રેન વતી રશિયાને પાઠ ભણાવવાની વાત કરીને યુદ્ધ ભડકાવ્યું અને ત્યારબાદ યુક્રેનને જોઈતી મદદ સમયસર ન આપી. લાખો લોકોની કત્લના ગુનેગારોમાં એક જો બાઈડેન ગણાશે. આજે યુક્રેનની લગભગ વીસ ટકા જમીન પર રશિયાએ કબજો જમાવી દીધો છે. યુદ્ધને ત્રણ વરસ નજીકના ભવિષ્યમાં, ૨૪ ફેબ્રુઆરીએ પૂરી થશે.

પ્રમુખ વ્લાદીમીર ઝેલેન્સ્કીએ સારી લડત આપી. જે યુક્રેન માત્ર આઠ દિવસમાં કબજે થઈ જવાનું હતું તેમાંની એંસી ટકા જમીન હજી યુક્રેન પાસે બચી છે એ ઘટનાને કારણે યુક્રેને  પ્રભુનો પાડ માનવો જોઈએ. યુદ્ધમાં રશિયા પણ ઘણું ખુવાર થયું છે. બંને પક્ષો થાકી ગયા છે પણ યુદ્ધ બંધ કરવાનો વિકલ્પ રશિયાના હાથમાં. રશિયાની કેટલીક વ્યૂહાત્મક ચિંતાઓ છે. હવે અમેરિકા સાથે સીધી વાતચીત કરવાની પુતીનની દરખાસ્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકારી છે. શક્ય છે કે વરસોથી પીડાતાં, ઘર-બાર વગરનાં થઈ ગયેલાં બાળકો અને એમનાં વાલીઓને શાંતિ મળે અને આવું ગાઝા અને ઈઝરાયલ વચ્ચે થાય તે પણ જરૂરી છે.

મોસ્કો અત્યાર સુધી યુક્રેનની સરકારને વાટાઘાટો માટે ગેરલાયક ગણાવતું આવ્યું છે. આથી યુક્રેન સાથે એ ચર્ચા વિચારણા કરવા માગતું નથી. રશિયાનું માનવું છે કે અમેરિકી મદદને કારણે યુક્રેન સાથેનું યુદ્ધ લાંબું ચાલ્યું છે અને તેથી અમેરિકા સહમત થશે તો જ યુદ્ધનો અંત આવી શકે છે. એમ જલ્દીથી સમાધાન થઈ જશે નહીં. વાતચીતનો દોર ખૂબ લાંબો ચાલશે અને અનેક અંતરાયો આવશે. હાર્ડ બાર્રેનિંગ થશે. રશિયાનાં દળો યુક્રેનની અંદર ધીમે ધીમે વધુ વિસ્તારોમાં ઘૂસી રહ્યાં છે ત્યારે યુક્રેનની પ્રજા ઈચ્છે છે કે સમાધાન થાય. પુટીનનો મુખ્ય વાંધો એ છે કે યુક્રેનને નાટો સાથે જોડી દેવાશે તો રશિયાના મુખ્ય દુશ્મન નાટો દેશોની સરહદ રશિયાની સરહદ પર  આવી જશે. હાલમાં નાટો અને રશિયા વચ્ચે યુક્રેન એક બફર દેશનું કામ કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે પુતીન હજી જરૂર પડે તો યુદ્ધને લાંબું ખેંચવા માગે છે, જેથી એ અમેરિકા સાથે કડક સોદાબાજી કરી શકે. પોતાની શરતો મનાવી શકે. પુતીન માટે આખરી વિજય એ ગણાશે કે યુક્રેનને પશ્ચિમના દેશોની છાવણીનો એક ભાગ બનતા રોકવામાં આવે.

ટ્રમ્પનું કહેવું છે કે રશિયા અને અમેરિકા વચ્ચે વાટાઘાટો તુરંતમાં શરૂ થઈ શકે તેમ છે, પણ પશ્ચિમના રાજદ્વારીઓ અને રાજકીય પંડિતોને તે બાબતની નવાઈ લાગે છે. યુરોપના નેતાઓ અને અધિકારીઓને તેમ જ યુક્રેનને પણ આ વાટાઘાટોમાં સામેલ કરવા જરૂરી છે. બીજી તરફ અમેરિકાને સંરક્ષણ મંત્રી પીટ હેગસેઠ કહે છે કે યુક્રેનને નાટોના સભ્ય બનાવવાનો મુદ્દો હમણાં એજન્ડામાં નથી. તેને બાજુએ રખાશે. આમેય આજે નાટોનું જે કંઈ સંગઠન છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પને શ્રધ્ધા નથી. નાટો દેશો સંરક્ષણ માટે નાણાં ફાળવતાં નથી અને તેઓની રક્ષાનો મોટા ભાગનો ખર્ચ અમેરિકા  ઉઠાવે છે તે હકીકત સામે પણ ટ્રમ્પ ખફા છે. સ્વાભાવિક છે કે યુક્રનને નાટોનો સભ્ય બનાવવાનું ટ્રમ્પની યાદીમાં નહીં હોય.

જો કે અગાઉ નિવેદન કર્યા બાદ પીટ હેગસેઠે વલણ બદલ્યું છે અને કહ્યું છે યુક્રેન બાબતની વાટાઘાટોમાં ક્યા મુદ્દાઓને મહત્ત્વ આપવું તેનો આખરી નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ લેશે. જો કે ગયા ગુરુવારે ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે રશિયા સાથેની મંત્રણાઓમાં યુક્રેનની પણ હાજરી હશે. એ ઉપરાંત વાટાઘાટોમાં બીજાં અનેક લોકોને સામેલ રાખવામાં આવશે, તેમ પણ ટ્રમ્પ કહે છે. વાટાઘાટોમાં યુક્રેનને નાટોનું સભ્યપદ આપવાનો મુદ્દો હમણાં બાજુ ઉપર રખાશે એવા હેગસેઠના નિવેદનને પ્રમુખ ટ્રમ્પે પણ સમર્થન જાહેર કર્યું છે. બીજી તરફ પુતીનને અમેરિકા દ્વારા ભાવ મળી રહ્યો છે તેથી રશિયન મિડિયા તેને પુતીનની મોટી જીત ગણાવે છે અને પ્રમુખના ગુણગાન ગવાઈ રહ્યાં છે.

યુધ્ધમાં રશિયાએ પણ ઘણું ગુમાવવું પડ્યું છે. રશિયન દળોએ અનેક યુધ્ધ મેદાનોમાં, ખાસ કરીને ખેરસોનમાં પાછા ફરી જવું પડ્યું હતું. રશિયન સૈનિકો અને સરંજામની મોટી ખુવારીઓ સર્જાઈ. હવે પછીના સમાધાનમાં, રશિયાએ યુક્રેનની જે જમીન પર કબજો જમાવ્યો છે તેમાંની અમુક યુક્રેનને પાછી વાળવાની દરખાસ્ત હશે. પુતીન અમેરિકા સાથે સીધી મંત્રણા એ કારણથી કરવા માગે છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ રશિયા અને પશ્ચિમના દેશોને અલગ પાડતી સંધિ રચવામાં આવી હતી તેની પ્રતિકૃતિ જેવી સંધિ આ વખતે પણ રચવામાં આવે, જેમાં બંને પક્ષો પોતપોતાની આણ ધરાવતાં ક્ષેત્રો સ્પષ્ટપણે જૂદાં પાડી શકે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બન્યા પછી સૌથી મહત્ત્વનાં કરવાનાં કામોની યાદીમાં રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવાના કામને સૌથી પ્રથમ સ્થાન આપ્યું છે. આ ચોવીસ તારીખે યુદ્ધનાં ત્રણ વરસ પૂરાં થશે. જો બાઈડને ગુમાનમાં રહીને પુતીનની મંત્રણાની ઓફરો સ્વીકારી નહીં, પણ તેમાં લાખો નિર્દોષ આબાલવૃધ્ધ માર્યા ગયાં. બુધ્ધિભ્રષ્ટ બાઈડેનનું માત્ર એક જ ધ્યેય હતું કે વ્લાદીમીર પુતીનને એકલા પાડી દેવા. પણ આજે ત્રણ વરસ બાદ પાસાં પલટાયાં છે. વાટાઘાટો થશે તો ક્યારે થશે? શું પરિણામ આવશે તે કહેવાનું મુશ્કેલ છે, માત્ર એક જ વાત ચોક્કસ છે કે પુતીન અને રશિયાને દુનિયામાંથી એકલાં પાડી શકાયાં નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top