જી માર્ચે મિખાઇલ ગોર્બાચોવનો જન્મદિવસ ગયો. રશિયાના સમાચારોથી આપણા દિવસો ભરેલા હોય ત્યારે ગોર્બાચોવ, તેનું રાજકારણ, તેમના માથે પેલું મોટું નિશાન, યુએસએસઆરને તોડનાર રાજકારણી તરીકે બધું યાદ આવે તે સ્વાભાવિક છે. ગોર્બાચોવના શાસનકાળ પછી પહેલીવાર એક રાષ્ટ્ર તરીકે રશિયાએ આક્રમકતા દર્શાવી છે. રશિયાની આ આક્રમકતા માત્ર યુક્રેનને તાબામાં કરવા જેટલી હશે? રશિયાની બીજી શું મહત્વકાંક્ષા હોઇ શકે? છેલ્લા ચાર દાયકામાં રશિયા આંતરરાષ્ટ્રિય સંબંધોને મામલે શાંતિપૂર્ણ બદલવાનું કેન્દ્ર રહ્યો છે. ગોર્બાચોવના સમાધાનકારી New Thinking (NT)ને કારણે શીત યુદ્ધના સંઘર્ષનો અંત આવ્યો સાથે યુએસએસઆરનું વિભાજન થયું – અનેક રશિયન દેશો અલગ થયા અને તે સાથે વૈશ્વિક સ્તરે સામ્યવાદી ચળવળનો પણ અંત આવ્યો.
આધુનિક રશિયા અમેરિકન એકધ્રુવીયતાથી દૂર અને બહુધ્રુવીય તંત્રની દિશામાં આગળ વધી રહેલો દેશ છે. સમયાંતરે રશિયા ગોર્બાચોવના NTના આદર્શવાદથી અંતર કરતો આવ્યો છે અને વધુ સંઘર્ષાત્મક–સાદી ભાષામાં સામો થવાનો અભિગમ અપનાવતો આવ્યો છે. બધું શાંતિથી ધીમી ગતિએ બદલાય તે આધુનિક રશિયાને બહુ પચતું નથી પણ આ પહેલા રશિયાએ આક્રમક થવાનું ટાળ્યું. રશિયાએ જે યુદ્ધ હાલમાં છેડ્યું છે તે જેટલું લાંબુ ચાલશે તેટલું વિશ્વના બીજા રાષ્ટ્રો માટે પરિસ્થિત કપરી થશે કારણકે એક વખત પછી દરેક રાષ્ટ્રએ તટસ્થતા નેવે મુકીને પોતે કોના તરફ છે તે જાહેર કરવું પડશે. યુએસએ અને રશિયા વચ્ચે મહાસત્તા બનવાની રેસ ક્યારેય અટકી નથી, એ ઘેલછાને કારણે યુદ્ધો પણ થતા રહ્યાં છે.
રશિયાએ યુક્રેન પર કરેલો હુમલો, જાહેર કરેલું આ યુદ્ધ લાંબુ ચાલશે તો શું થઇ શકે છે? પુતિને જે કર્યું તે શા માટે કર્યું? આ સવાલોના જવાબને સમજતા પહેલાં ગોર્બાચોવના સમય પર નજર નાખીએ. ગોર્બાચોવનો મુખ્ય ઉદ્દેશ હતો આર્થિક દ્રષ્ટિએ રશિયાને પશ્ચિમી દેશોની સમાંતરે મુકવો. અર્થતંત્ર પણ પુરેપુરું નહીં પણ અમુક અંશે ઉદારમતવાદી થયું – આ મિશ્ર અર્થતંત્રની ખીચડીને કારણે અરાજકતા ફેલાઇ જેને કારણે ગોર્બાચોવની નાલેશી થઇ. કમાન્ડ ઇકોનોમી – એટલે કે ઉત્પાદન જાહેર માલિકીની હોય પણ ઉત્પાદનનું લક્ષ્ય, રોકાણ, વેચાણ વગેરે બધું પણ કેન્દ્રિય સત્તાના હાથમાં હોય, મિશ્ર અર્થતંત્રનો ફેરફાર ગોર્બાચોવ ન લાવી શક્યા. રાજકારણમાં લોકશાહી લાવવા માટે ગોર્બાચોવે ગ્લાન્સ્નોત નીતિ લૉન્ચ કરી. આ નિર્ણય ગોર્બોચેવ માટે પગે કુહાડી મારવા જેવો થયો કારણકે સરકારની અસક્ષમતાની વાતો જોરશોરથી થવા માંડી. આ સંજોગોમાં પોતાની સત્તા મજબુત કરવા મથતા ગોર્બોચોવ બંધારણીય સરમુખત્યાર બન્યા તો ખરા પણ તેમની નીતિઓ અમલમાં ન મૂકાતી. સેન્ટ્રલ કમિટી સેક્રેટેરિયટનું જોર વધ્યું પણ ગોર્બાચોવે બમણું જોર કરી પક્ષને રોજિંદા અર્થતંત્રમાં માથાકૂટ કરતા રોક્યો. સત્તા સોવિયેટ્સ પાસે ગઇ. બધા રિપબ્લિક્સને પોતાનું પ્રમુખપદ ખડું કરવાનો મોકો મળ્યો. આ તરફ શીત યુદ્ધને કારણે ખડો થયેલો આર્થિક બોજ ગોર્બાચોવને સમજાયો.
ગોર્બાચોવે યુએસએસઆર હવે આંતરરાષ્ટ્રીય જોખમ નથી તેવું વિશ્વભરના દેશોને ગળે ઉતાર્યું. બદલાયેલી નીતિને કારણે શીત યુદ્ધ અટક્યું અને પૂર્વિય યુરોપનું લોકશાહીકરણ થયું. બીજી તરફ સોવિયેત યુનિયનની સ્થિતિ નબળી પડી, આર્થિક પ્રશ્નો ગંભીર બન્યા – સોવિયેત સામ્રાજ્યના નેતા તરીકે ગોર્બાચોવનું સ્થાન જોખમાયું. બોરિસ યેલ્તસીનની એન્ટ્રી-એક્ઝિટ અને રિ એન્ટ્રી થઇ. ગોર્બાચોવને માથે માછલાં ધોવાયા અને યેલ્તસીનના રાજકારણે રશિયન રાષ્ટ્રવાદની લાગણી તીવ્ર કરી. રશિયન્સને સોવિયેતનું તંત્ર કઠ્યું. ઘણી ઊંચ- નીચ પછી અંતે સામ્યવાદી પક્ષનો અંત આવ્યો,સમયાંતરે સોવિયેત યુનિયનનું ખંડન થયું. યેલ્તસીને મોકાનો લાભ લઇ પોતાની છબી મજબુત કરી. જો કે તેના શાસનમાં પણ સમસ્યાઓનો પાર નહોતો.
વર્તમાન રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના મતે ગોર્બાચોવે અને યેલ્તસિને રશિયાને સૌથી વધુ નુકસાન કર્યું છે. આજે રશિયાનું અર્થતંત્ર રેઢિયાળ હાલતમાં છે. પુતિનને તેની કોઇ પરવા નથી. લોકશાહી તરફી વાત પુતિનને CIAનું કાવતરું લાગે છે. પુતિને આ પહેલા તો હંમેશા એ વાતની ના જ પાડી છે કે તે પોતાના પાડોશી દેશ યુક્રેઇન પર હુમલો કરશે. યુરોપિયન લોકશાહી ધરાવતા યુક્રેન પર હુમલો કરવાનું કારણ આપતા પુતિને કહ્યું કે રશિયાને હંમેશા આધુનિક યુક્રેનથી બહુ જ જોખમ રહ્યું છે. પુતિન હાલમાં જે ચાલી રહ્યું છે તેને યુદ્ધ કે ચઢાઈ તરીકે સ્વીકારવા તૈયાર નથી. તે પોતે યુક્રેનની સફાઇ કરે છે – સૈન્યને ત્યાંથી કાઢી તેમાંથી નાઝીવાદ દૂર કરે છે તેવો તેનો દાવો છે.
પુતિનની માંગ છે કે યુક્રેનને નાટોમાં જોડવું નહીં, ભૌગોલિક દ્રષ્ટિએ પૂર્વિય વિસ્તરણ કરવું નહીં અને જેમ 1997માં નક્કી થયું હતું તેમ કરવું. પુતિનના મતે આધુનિક યુક્રેન સામ્યવાદી રશિયાથી બન્યું હતું પણ હવે તે એક પપેટ સ્ટેટથી વધારે કંઇ નથી,જેનો દોરી સંચાર પશ્ચિમી રાષ્ટ્રના હાથમાં છે. નાટોની મનમાની સામે પુતિનને વાંધો છે. પુતિનનું સૈન્ય યુક્રેન પર બધી તરફથી ફરી વળ્યું છે અને યુરોપને હચમચાવી દેવાની તેની ધમકી રશિયનો માટે જ બહુ મોટી ખોટ સાબિત થશે. પુતિનને કોઇ પરવા નથી, તેને પોતાની પ્રજાના ભલામાં રસ નથી. યુરોપની સૌથી મોટી આર્મીની લગામ તેના હાથમાં છે, તેણે આખા વિશ્વને યાદ કરાવ્યું છે કે તેની પાસે ન્યુક્લિયર શસ્ત્રો છે. યુક્રેનિયન જેનોસાઇડ – નરસંહારને રોકવા માટે પોતે જે કરી રહ્યો છે તે યોગ્ય છે તેમ પુતિનની માન્યતા છે. પુતિનને યુક્રેનની સ્વતંત્રતાનો અને પશ્ચિમી ઝુકાવનો ડર છે શસ્ત્રોનો નહીં.
આ યુદ્ધ લાંબુ ચાલશે તો અન્ય રાષ્ટ્રોએ પોતે કોની તરફ છે તે જાહેર કરવું પડશે. પશ્ચિમી દેશોએ આ યુદ્ધથી થતું નુકસાન જેટલું ઓછું થાય તે માટે સાબદા રહેવું પડશે. પશ્ચિમી દેશોએ ફુલ સેન્ક્શન પેકેજીઝના જે વાયદા કર્યા હતા તે પુરાં કરવા પડશે. વગર કારણ રશિયન્સ નાગરિકોને દંડાવું પડે તેવા પગલાં ટાળવા પડશે જેમ કે રશિયન્સ માટે વિઝાનો પ્રતિબંધ જેવા પગલાં તેઓ નહીં લઇ શકે. રેફ્યુજી ક્રાઇસિસ પણ નવા સ્તરે પહોંચશે. નાટો અને તેના સભ્ય દેશોએ યુક્રેનને શસ્ત્ર સંરજામ સહિતની તમામ સહાય પુરી પાડવી પડશે. બિન પશ્ચિમી દેશોએ પોતાનો મત સ્વીકારવો પડશે. જેમ કે કેન્યાના યુએન પ્રતિનિધિએ રશિયાનો વાંક છે તેમ કહેવામાં કોઇ સંકોચ ન રાખ્યો. ચીનને રશિયા-પુતિન સાથેની યારી દોસ્તી આર્થિક અને રાજકીય દ્રષ્ટિએ ભારે પડી શકે છે અને માટે સાચા દોસ્તની માફક તેણે પુતિનને પીછેહઠ કરવા સમજાવવો રહ્યો. યુએન અને અન્યોએ યુક્રેનમાં યુદ્ધને કારણે થનારા માનવતાવાદી નુકસાનને પહોંચી વળવામાં મદદ કરવી જોઇએ. આપણા દેશની વાત કરીએ તો ભારત અને રશિયા વચ્ચેના વ્યાપારી સંબંધોને પગલે હાલના સંજોગોને કારણે સુરક્ષા, ઊર્જા, ધાનની ડિલીવરી અને કિંમતો પર ઘેરો પ્રભાવ પડવાની શક્યતાઓ છે. રશિયન ક્રાઈસિસને કારણે UNSCમાં ભારતનો ફાળો ઘટી રહ્યો છે. ભારતને યુરોપિયન દેશોની માફક રશિયા સાથે ડીલ કરવાનું માફક આવે તેમ છે નહીં કે યુએસની માફક.
બાય ધ વેઃ
પુતિને રશિયા માટે જોખમી અને અચોક્કસ સંજોગોનો માર્ગ પસંદ કર્યો છે. યુદ્ધ કોણ જીતશે તે જરૂરી નથી. ઇરાક અને અફઘાનિસ્તાનના દ્રષ્ટાંત પરથી USAને સમજાયું હશે કે સરકાર ઉથલાવવી અને તેને બદલે કંઇક સ્થિર સ્થાપિત કરવું બન્ને અલગ બાબતો છે. પુતિને જે સૈન્યોના વિસ્તરણનો ડર બતાડી યુક્રેન પર હુમલો કર્યો છે તે લાવ-લશ્કર નાટોએ સરહદે સજ્જ કરી દીધાં છે. રશિયન ઇતિહાસ સરમુખત્યારોના હાથમાં રહ્યો છે, તે ઝાર નિકોલસ હોય કે જોસેફ સ્ટાલિન હોય. રશિયા યુક્રેનનો સંઘર્ષ છેલ્લા દાયકાઓમાંનો સૌથી મોટો યુરોપિયન સંઘર્ષ બની શકે તેવું જોખમ છે. રશિયાના ઇતિહાસમાં આ એક શરમજનક પડાવ ગણાશે તેવું ઉદારમતવાદી રશિયન્સનું માનવું છે.