નવી દિલ્હી: રશિયા-યુક્રેન (Russia-Ukrain) યુદ્ધમાં (War) જબરદસ્ત ટ્વીસ્ટ આવ્યો છે. મિસાઈલનો (Missile) રાજા કહેવાતો દેશ ઉત્તર કોરિયા (North Korea) હવે રશિયાને યુક્રેન સામેના યુદ્ધમાં મદદ કરશે. ઉત્તર કોરિયા પાસે એકથી એક ખતરનાક પરમાણુ મિસાઇલો અને શસ્ત્રો છે જે આંખના પલકારામાં યુક્રેનમાં તબાહી મચાવી શકે છે.
સૈન્ય સહયોગના મુદ્દે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુની મુલાકાત બાદથી યુક્રેનથી લઈને યુરોપ અને પશ્ચિમી દેશોમાં હલચલ મચી ગઈ છે. અમેરિકા ઉત્તર કોરિયાન રશિયાને જે સૈન્ય સહયોગ આપી રહ્યું છે તેનાં પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સૈન્ય મુદ્દાઓ અને ક્ષેત્રીય સુરક્ષા વાતાવરણ પર ચર્ચા કરવા માટે રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ સાથે મુલાકાત કરી હતી. ત્યારે જાણકારી સામે આવી છે કે કિમ અને શોઇગુ બુધવારે રાજધાની પ્યોંગયાંગમાં મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ રાષ્ટ્રીય રક્ષા તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાનાં વાતાવરણનાં મુદ્દે ચર્ચા કરી હતી.
કિમ જોંગે રશિયાના સંરક્ષણ પ્રધાન સમક્ષ તેમના શસ્ત્રોના ભંડારનું નિરીક્ષણ કર્યું હતું
કિમ જોંગ ઉન પણ રશિયન સંરક્ષણ પ્રધાન શોઇગુને શસ્ત્ર પ્રદર્શનમાં લઈ ગયા હતા જ્યાં ઉત્તર કોરિયાના કેટલાક નવા શસ્ત્રો પ્રદર્શનમાં હતા. કિમે શોઇગુને દેશની સૈન્ય ક્ષમતાઓને વિસ્તૃત કરવાની રાષ્ટ્રીય યોજનાઓ વિશે માહિતી આપી. આ દરમિયાન સર્ગેઈએ ઉત્તર કોરિયાના અત્યાધુનિક અને ખતરનાક હથિયારોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બુધવારના રોજ શોઇગુએ “બંને દેશોના સંરક્ષણ વિભાગો વચ્ચે સહકારને મજબૂત બનાવવા” ના ઉદ્દેશ્ય સાથે ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાન કાંગ સુન નામ સાથે પણ ચર્ચા કરી હતી.
ઉત્તર કોરિયા 1950-53ના યુદ્ધવિરામની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે
જણાવી દઈએ કે રશિયાના સંરક્ષણ પ્રધાન સેર્ગેઈ શોઇગુ મંગળવારે ઉત્તર કોરિયા પહોંચ્યા હતા. મંત્રી શોઇગુ તેમના રશિયન સૈન્ય પ્રતિનિધિમંડળ સાથે ઉત્તર કોરિયાની ત્રણ દિવસની મુલાકાતે છે. ઉત્તર કોરિયા 1950-53ના યુદ્ધવિરામની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે ત્યારે શોઇગુ આ ઉત્સવની ઉજવણીમાં ભાગ લેવા ઉત્તર કોરિયા ગયા છે. જાણકારી મુજબ શોઇગુની આ મુલાકાત રશિયન-ઉત્તર કોરિયાના સંબંધોને મજબૂત કરવામાં મદદ કરશે અને બંને દેશો વચ્ચે સહકારના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ બનશે.