World

રશિયાએ કર્યો પલટવાર, યુક્રેનના નિપ્રો શહેર પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલથી હુમલો

યુક્રેને દાવો કર્યો હતો કે ગુરુવારે સવારે રશિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ (ICBM) વડે નિપ્રો શહેર પર હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલાઓ અસ્ત્રખાન વિસ્તારમાંથી કરવામાં આવ્યા હતા. જોકે રશિયાએ (ICBM) મિસાઇલથી હુમલાની પુષ્ટિ કરી નથી. અસ્ત્રખાન અને નિપ્રો વચ્ચેનું અંતર 700 કિમી છે.

યુક્રેને કહ્યું છે કે રશિયાએ યુદ્ધમાં પહેલીવાર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલો (ICBMs)નો ઉપયોગ કર્યો હતો જેણે ગઇકાલે રાત્રે યુક્રેનિયન શહેર નિપ્રોને નિશાન બનાવ્યું હતું. યુક્રેનિયન વાયુસેનાએ ગુરુવારે ટેલિગ્રામ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને રશિયાના અસ્ત્રખાન ક્ષેત્રમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના ત્યારે બની છે જ્યારે જંગના મેદાનમાં રશિયાની મદદ માટે ઉત્તર કોરિયાના સૈનિકોના પહોંચવા સાથે જ યુદ્ધે વધુ આંતરરાષ્ટ્રીય પરિમાણ લઈ લીધું છે.

અમેરિકન ન્યૂઝ ચેનલ એબીસી ન્યૂઝે પશ્ચિમી દેશોના અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે યુક્રેન હુમલાને વધુ મોટું કરી બતાવી રહ્યું છે. રશિયાએ આ હુમલો સામાન્ય ક્રૂઝ અથવા બેલેસ્ટિક મિસાઈલથી કર્યો છે. આ માટે ICBM નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ પહેલા બુધવારે યુક્રેને બ્રિટનની સ્ટોર્મ શેડો ક્રુઝ મિસાઈલ અને મંગળવારે અમેરિકન એટીએસીએમએસ મિસાઈલથી હુમલો કર્યો હતો.

યુક્રેનિયન વાયુસેનાએ એવો પણ દાવો કર્યો હતો કે ICBM સિવાય રશિયાએ 7 Kh-101 ક્રૂઝ મિસાઈલથી પણ હુમલો કર્યો હતો. જેમાંથી 6 મિસાઈલોને તોડી પાડવામાં આવી હતી. રશિયાએ યુક્રેન પર કિંજલ હાઇપરસોનિક મિસાઇલો પણ છોડી હતી. રશિયાએ ગયા મહિને કહ્યું હતું કે જો તેની ધરતી પર નાટો દેશોના હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે તો તેને ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત માનવામાં આવશે.

અમેરિકાની મોટી ભૂમિકા
નોંધનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા હવે મોટી ભૂમિકા ભજવતું હોય તેમ લાગી રહ્યું છે. અમેરિકી રક્ષા મંત્રીએ પણ મોટી વાત કહી છે. યુએસ ડિફેન્સ સેક્રેટરીએ કહ્યું કે બિડેન પ્રશાસન યુક્રેનને રશિયા સાથેના યુદ્ધમાં એન્ટી પર્સનલ લેન્ડ માઈનનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે.

કિવમાં યુએસ એમ્બેસી બંધ
રશિયા તરફથી સંભવિત હુમલાને જોતા અમેરિકા પહેલાથી જ એલર્ટ થઈ ગયું હતું. યુક્રેનની રાજધાની કિવમાં યુએસ દૂતાવાસે કહ્યું હતું કે તેને રશિયન એરસ્ટ્રાઈકની સંભાવના વિશે એક મહત્વપૂર્ણ ચેતવણી મળી છે જેના કારણે સાવચેતીના ભાગરૂપે દૂતાવાસ બંધ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top