Editorial

યુક્રેનમાંથી રશિયાએ ભલે પીછેહટ કરી પણ યુદ્ધ જલદી પુરું થાય તેવી શક્યતા નથી

રશિયાએ ફેબ્રુઆરીના અંતભાગે યુક્રેન પર હુમલો કર્યો તે સાથે શરૂ થયેલા યુક્રેન-રશિયા યુદ્ધને આ રવિવારે જ ૨૦૦ દિવસ પુરા થયા. આટલા દિવસોમાં આ યુદ્ધમાં ખાસ કરીને યુક્રેનના પ્રજાજનોએ ઘણુ સહન કરવું પડ્યું છે પરંતુ આ યુદ્ધની  ઘણી આડકતરી વિપરીત અસર આખા વિશ્વ પર થઇ છે. અનેક ચીજવસ્તુઓના ભાવોમાં, ખાસ કરીને કેટલીક ચોક્કસ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવોમાં આ યુદ્ધને કારણે મોટો ભાવવધારો થયો છે. જો કે ભારત સહિતના એશિયન દેશો કે આફ્રિકન  દેશો કરતા પશ્ચિમી દેશોને આ યુદ્ધની વધુ અસર થઇ છે. અમેરિકાએ અને યુરોપના દેશોએ સખત મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે અને યુદ્ધને કારણે પશ્ચિમી દેશોએ જે પ્રતિબંધો લાદ્યા છે તેનાથી ગિન્નાયેલા રશિયાએ જર્મનીનો ગેસ  પુરવઠો ટેકનીકલ તકલીફના બહાના હેઠળ અટકાવી દીધો તેનાથી જે મુશ્કેલી અને ગભરાટ ઉભા થયા તેના પરથી ખ્યાલ આવે છે કે રશિયા ધાર્યા કરતા વધુ સખત રીતે પશ્ચિમી દેશોને ભીંસમાં લઇ શકે છે.

પૂર્વીય યુક્રેનના કેટલાક પ્રદેશોમાં  રશિયા તરફી લોકોની મોટી વસ્તી છે અને રશિયા આ પ્રદેશો પર પોતાનો દાવો કરે છે અને તેમાંથી જ આ યુદ્ધ શરૂ થયું છે. યુદ્ધ શરૂ થયું ત્યારે એવી અટકળો હતી કે થોડા જ દિવસમાં યુક્રેનના સખત પરાજય સાથે આ યુદ્ધનો અંત આવી જશે  પરંતુ યુક્રેન રશિયાને સખત ટક્કર આપી રહ્યું છે. યુદ્ધ દરમ્યાન રશિયાએ યુક્રેનને ઘણુ નુકસાન પહોંચાડ્યું છે પણ તેમ છતાં છ મહિના કરતા વધુ સમય સુધી હજી યુક્રેન ટકી રહ્યું છે અને હવે તો સખત વળતા ફટકાઓ મારી રહ્યું હોવાના  અહેવાલો છે.

યુક્રેને સોમવારે દાવો કર્યો હતો કે તેણે વધુ કેટલાક ગામડાઓ ફરીથી કબજે કર્યા છે અને વિજળીવેગી વળતા આક્રમણમાં તેણે રશિયન દળોને છેક ઉત્તર પૂર્વીય સરહદ નજીક ધકેલી દીધા છે, જે વળતા હુમલાને કારણે રશિયાએ તાજેતરના  દિવસોમાં તેના દળો કેટલાક વિસ્તારોમાંથી પાછા ખેંચી લેવાની ફરજ પડી છે. હાલ કેટલાક મહિનાઓથી યુદ્ધ ભૂમિ પર બહુ ઓછી હિલચાલ દેખાતી હતી પણ યુક્રેને અચાનક મોટા વળતા ફટકાઓ મારવા માંડ્યા તેના કારણે યુક્રેનિયનોનું  મનોબળ ઉંચુ ગયું છે અને રશિયામાં રોષ સર્જાયો છે અને આ યુદ્ધ અંગે પ્રમુખ વ્લાદીમીર પુટિન સામે જાહેરમાં ભાગ્યે જ જોવા મળે તેવી ટીકાઓ જોવા મળી છે.

રશિયાના કબજામાંથી બહાર આવેલા એક શહેર પર યુક્રેનના ધ્વજ ફરકવા  માંડ્યા તેવા સમયે એક સ્થાનિક નેતાએ આક્ષેપ કર્યો હતો કે રશિયન દળોએ નાગરિકો પર અત્યાચારો કર્યા છે જેવું અગાઉ પણ રશિયન સૈનિકોએ અન્ય સ્થળો પર કબજા વખતે કર્યું હતું. આ એક મોટી કરૂણતા છે. યુદ્ધોમાં નાગરિકોને સૈનિકો  નિશાન બનાવે, સ્ત્રીઓ પર બળાત્કારો થાય તે તો ઘણી જૂની વાત છે. જીનીવા કરાર જેવા કરારો પછી આ કહેવાતા આધુનિક સમયમાં પણ આવી ઘટનાઓ યુદ્ધો વખતે બનતી જ હોય છે, અને હવે હાલના યુદ્ધોમાં તો બોમ્બમારા, મિસાઇલ  હુમલાઓ વગેરેને કારણે નાગરિક વસ્તીઓને પણ ઘણુ નુકસાન થાય છે અને નિર્દોષ નાગરિકોની પણ ઘણી જાનહાનિ થાય છે જે આપણે યુક્રેન યુદ્ધમાં પણ જોયું છે.

હવે યુક્રેનિયન દળોની આગેકૂચથી યુક્રનિયન નાગરિકોમાં ખુશીની લહેર  દેખાય તે સ્વાભાવિક છે. યુક્રેનના ઉત્તર પૂર્વીય ખાર્કિવ પ્રદેશના ગવર્નરે જણાવ્યું હતું કે અમારા સંરક્ષકો મોરચાના કેટલાક વિસ્તારોમાં રશિયન ફેડરેશનની રાષ્ટ્રીય સરહદ સુધી પહોંચી ગયા છે. ગયા સપ્તાહના અંતે રશિયન સંરક્ષણ મંત્રાલયે  જણાવ્યું હતું કે તેના સૈનિકોએ બે વિસ્તારોમાંથી પાછા ખેંચી લેવામાં આવશે જેઓ પૂર્વીય દોનેત્સ્ક પ્રદેશમાં ફરીથી ભેગા થશે. રશિયન દળો ઉતાવળમાં પીછેહટ કરી ગયા તેથી અંધાધૂંધીના પણ અહેવાલો હતા. જો કે એ હજી સ્પષ્ટ થયું નથી કે  યુક્રેનિયન વિજયકૂચ આ યુદ્ધમાં ટર્નિંગ પોઇન્ટ બનશે કે કેમ? જો કે કેટલાક વિશ્લેષકો કહે છે કે આવું બની શકે છે જે સાથે તેમણે એવી પણ ચેતવણી આપી છે કે વધુ મહિનાઓ સુધી લડાઇ ચાલી શકે છે. જો કે હાલ તો યુક્રેનના પ્રજાજનોમાં  વિજયનો મૂડ છે. યુક્રેનના સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફે સોમવારે જણાવ્યું હતું કે તેણે ગયા દિવસે એટલે કે રવિવારે ૨૦ કરતા વધુ વસાહતો મુક્ત કરાવી છે. હવે યુક્રેનની આ આગકૂચ કેટલી ચાલે છે તે જોવાનું રહે છે.

યુક્રેન રશિયા સામે આટલું ટકી શક્યું અને તેને સખત ટક્કર આપી શક્યું તેનું એક મહત્વનું કારણ તેને અમેરિકા તથા યુરોપિયન દેશોની મદદ પણ છે. યુક્રેનિયન લશ્કરનું મનોબળ ધાર્યા કરતા વધુ મજબૂત નીકળ્યું છે તે સ્પષ્ટ સમજાય તેવી બાબત છે. રશિયાએ જે પ્રદેશો અને શહેરો યુક્રેન પાસેથી આંચકી લીધા હતા તેમાંના ઘણા યુક્રેનિયન લશ્કરે પરત મેળવી લીધા હોવાનું કહેવાય છે. રશિયન દળોએ પીછેહટ કરી તો છે પરંતુ રશિયા કહે છે કે તેના દળો દોનબાસ પ્રદેશ પર હુમલો કરવા માટે ફરીથી ભેગા થશે અને તેનો આ દાવો ગંભીરતાથી લેવા જેવો છે. રશિયાનું લક્ષ્ય ખાસ કરીને પૂર્વ યુક્રેનના દોનબાસ સહિતના પ્રદેશો પર કબજાનું છે, જેને તે મુક્ત કરાવવાનું નામ આપે છે અને આ માટે તે હુમલો કરશે એવું ચોક્કસ જણાય છે અને યુદ્ધ હજી કેટલાક મહિનાઓ સુધી ચાલી શકે છે.

Most Popular

To Top