રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. તાજેતરના દિવસોમાં રશિયાએ યુક્રેન પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. દરમિયાન યુક્રેનિયન વાયુસેનાએ સોમવારે જણાવ્યું હતું કે રશિયાએ યુદ્ધ દરમિયાન એક જ રાતમાં સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં રશિયા દ્વારા બોમ્બમારા માટે 479 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુક્રેનિયન વાયુસેના અનુસાર ડ્રોન ઉપરાંત યુક્રેનના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના 20 મિસાઇલો પણ છોડવામાં આવ્યા છે.
યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે હુમલા દરમિયાન મુખ્યત્વે યુક્રેનના મધ્ય અને પશ્ચિમી પ્રદેશોને નિશાન બનાવવામાં આવ્યા હતા. વાયુસેનાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનની વાયુ સંરક્ષણ પ્રણાલીએ 277 ડ્રોન અને 19 મિસાઇલો હવામાં જ નષ્ટ કરી દીધી છે. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે માત્ર 10 ડ્રોન અથવા મિસાઇલો તેમના લક્ષ્યો સુધી પહોંચી શક્યા. યુક્રેનના આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
રશિયાના હવાઈ હુમલા સામાન્ય રીતે મોડી સાંજે શરૂ થાય છે અને સવારે સમાપ્ત થાય છે કારણ કે અંધારામાં ડ્રોનને ઓળખવું મુશ્કેલ છે. ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયાએ યુક્રેનના નાગરિક વિસ્તારો પર શાહિદ ડ્રોનથી વારંવાર હુમલો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર આ હુમલાઓમાં 12,000 થી વધુ યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે. રશિયા કહે છે કે તે ફક્ત લશ્કરી થાણાઓને નિશાન બનાવે છે.