ફેબ્રુઆરીની ૨૪મી તારીખે રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પુરું થયું. ૨૦૨૨ના ફેબ્રુઆરીની ૨૪મી તારીખે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું, જે આક્રમણ થશે તેવી તે આક્રમણ થવાના ઘણા દિવસો પહેલાથી અટકળો કરવામાં આવતી હતી અને આ અટકળો સાચી પડી. રશિયાએ ધરાર આક્રમણ કરી દીધું, જો કે યુક્રેને આ આક્રમણનો મક્કમ સામનો કર્યો. અને એક વર્ષ પછી પણ આ યુદ્ધ ચાલુ જ છે. યુદ્ધ શરૂ થયું તે પછી અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધો લાગુ પાડ્યા પણ એક વર્ષ પછી જોઇ શકાય છે કે આ પ્રતિબંધોની રશિયા પર બહુ અસર થઇ નથી.
ભારત સહિતના કેટલાક દેશો તેનું ઓઇલ ખરીદી રહ્યા છે અને યુરોપિયન દેશોએ મજબૂરીથી રશિયા પાસેથી ગેસ ખરીદવો પડ્યો છે, અમેરિકાએ પણ આવુ કરવું જ પડ્યું છે. હવે અમેરિકા કહે છે કે રશિયાને પ્રતિબંધોની ઘણી અસર થઇ છે અને બીજી બાજુ તે એમ પણ કહે છે કે આ પ્રતિબંધોને ચાતરી જવામાં, પ્રતિબંધોની અસરમાંથી બચી જવામાં રશિયાને કેટલાક લોકોએ, કંપનીઓએ મદદ કરી છે અને જે લોકોએ રશિયાને પ્રતિબંધોને ચાતરી જવામાં મદદ કરી છે તેમના પર અમેરિકાએ નવેસરથી પ્રતિબંધો મૂક્યા છે. અમેરિકાએ રશિયન કંપનીઓ, બેન્કો, ઉત્પાદકો અને લોકો પર યુદ્ધની પ્રથમ વરસી ટાણે પ્રતિબંધોનો નવો રાઉન્ડ જાહેર કર્યો હતો, આમાં તેમને નિશાન બનાવવામાં આવ્યા છે જેમણે એક વર્ષ જૂના યુદ્ધમાં રશિયાને પ્રતિબંધોને ચાતરી જવામાં મદદ કરી છે.
રશિયાનું મેટલ અને માઇનિંગ સેકટર એમાં સમાવિષ્ટ છે કે જેમને અમેરિકાના ટ્રેઝરી વિભાગ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે જેને આજની તારીખ સુધીના સૌથી મહત્વના પ્રતિબંધના પગલાઓ માનવામાં આવે છે. આ પગલું ગ્રુપ ઓફ સેવનના સાથીદારો સાથે સંકલનમાં ભરવામાં આવ્યું છે, જે ૨૫૦ લોકો, કંપનીઓને સજા કરવા માગે છે, શસ્ત્ર ઉત્પાદન સાથે સંકળાયેલી ટેકનોલોજી કંપનીઓ, શસ્ત્ર ડીલરો અને બેંકો પર નાણાકીય પ્રતિબંધો મૂકવા માગે છે અને સંયુક્ત આરબ અમીરાત અને સ્વીત્ઝર્લેન્ડ સુધીના દેશોમાંના એવા લોકો સુધી પહોંચે છે જેમણે રશિયાને પ્રતિબંધો ચાતરી જવામાં મદદ કરી હતી.
અમારા પ્રતિબંધોની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની બંને અસરો છે, જેનાથી રશિયાને તેના શસ્ત્ર ભંડારને ફરી સજ્જ કરવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે અને તેના અટૂલા પડી ગયેલા અર્થતંત્રને પણ અસર થઇ છે એ મુજબ અમેરિકાના ટ્રેઝરી વિભાગના મંત્રી જેનેટ યેલને એક નિવેદનમાં જણાવ્યું હતું. આજના પ્રતિબંધ પેકેજમાં એક ડઝન નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે જેમાં રશિયાની સૌથી મોટી બિન સરકારી બેન્કનો પણ સમાવેશ થાય છે. આમાં રશિયા પરના પ્રતિબંધોને નિષ્ફળ બનાવવાના પ્રયાસો સાથે સંકળાયેલા ૩૦ કરતા વધુ લોકો અને કંપનીઓનો સમાવેશ થાય છે.
અમેરિકાએ બેલારૂસ અને ઇરાન પર નવા નિકાસ નિયંત્રણના નિયમો પણ જારી કર્યા હતા જે દેશો રશિયાના વધતા જતા પ્રમાણમાં સાથીદાર બની રહ્યા છે. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની બાબતમાં આવુ બનતું જ હોય છે, અમેરિકા પ્રતિબંધોની હાકલ કરે કે બ્રિટન કે જર્મની હાકલ કરે તેથી કંઇ બધા દેશો તેમને સાથ આપે નહીં, અને આ રીતે જુદી જુદી ધરીઓ પણ રચાઇ જ જતી હોય છે. જો ઉત્તર કોરિયા જેવો નાનકડો અને નબળો દેશ પણ ચીન જેવા દેશના સહારે સખત પ્રતિબંધો સામે લાંબા સમય સુધી ટકી રહી શકે તો આ તો રશિયા છે.
યુદ્ધની પ્રથમ વરસીએ ચીને રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે હાકલ કરી છે અને આ પહેલા ભારત સહિત અનેક દેશો આવી હાકલો કરી ચુક્યા છે. ચીન, કે જે રશિયાનું નિકટનું સાથીદાર છે, તેણે યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે શસ્ત્ર વિરામની હાકલ કરી હતી અને શાંતિ મંત્રણા શરૂ કરવા કહ્યું હતું જ્યારે તેણે યુક્રેનના સાર્વભૌમત્વને માન આપવાની અને રશિયાની વાજબી સુરક્ષા ચિંતાઓ એમ બંનેની વાત કરી હતી. બીજી બાજુ યુએનની સામાન્ય સભામાં ચીન તે ઠરાવ પર મતદાન કરવાથી ભારતની સાથે ગેરહાજર રહ્યું હતું, જે ઠરાવમાં યુક્રેનમાં એક વ્યાપક, વાજબી અને સ્થાયી શાંતિની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અને તેના પછી ચીને યુક્રેનનું નામ લીધા વિના ચીને તમામ દેશોના સાર્વભૌમત્વ, સ્વાતંત્ર્ય અને પ્રાદેશિક અખંડિતા અસરકારક જાળવી રાખવા માટે હાકલ કરી હતી. આ જ સમયે કોઇ દેશની સુરક્ષા પર અન્યોના ભોગે પ્રાપ્ત કરવી જોઇએ નહીં એમ પણ તેણે કહ્યું હતું. કોઇ પ્રદેશની સુરક્ષા લશ્કરી બ્લોક્સ મજબૂત કરીને કે વિસ્તારીને પ્રાપ્ત કરી શકાય નહીં એમ તેણે કહ્યું હતું. દેખીતી રીતે તેણે નાટોના સંદર્ભમાં આ કહ્યું હતું. પ્રતિબંધોની કોઇ અસર યુદ્ધખોર દેશો પર થતી નથી અને યુદ્ધે ચડેલા દેશો શાંતિની, યુદ્ધ વિરામની અને મંત્રણાની હાકલોને ગણકારતા નથી એવું ઘણી વાર જોવા મળ્યું છે. કોઇ નવી વ્યાપક બિનસરકારી વૈશ્વિક વ્યવસ્થા જ કદાચ સામાન્ય માણસો માટે પારાવાર પીડાઓ લઇને આવતા યુદ્ધોનો અંત લાવી શકે.