Columns

રશિયાએ માત્ર ૭૨ લાખ ડોલરમાં અમેરિકાને આખું અલાસ્કા વેચી દીધું હતું

રશિયા અને યુક્રેન વચ્ચેના સાડા ત્રણ વર્ષના યુદ્ધ પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે આ અઠવાડિયાના અંતમાં અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા સંમત થયા છે તે દુનિયાના રાજકીય ઇતિહાસની મોટી ઘટના છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે અચાનક આયોજિત મુલાકાતે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે, કારણ કે ગયા અઠવાડિયા સુધી ડોનાલ્ડ ટ્રમ્પ ધમકી આપી રહ્યા હતા કે જો મોસ્કો ૮ ઓગસ્ટ સુધીમાં યુક્રેન યુદ્ધનો અંત નહીં લાવે તો રશિયા પર વધારાના પ્રતિબંધો લાદવામાં આવશે.

તેના બદલે ડોનાલ્ડ ટ્રમ્પ પુતિનને રૂબરૂ મળવા સંમત થયા છે, જેનાથી પુતિને તેમની રાજદ્વારી અલગતાનો અંત લાવીને એક મહત્ત્વપૂર્ણ ભૂ-રાજકીય વિજય મેળવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને તેમના અલગતાવાદી દરજ્જા છતાં મળવા માટે સંમતિ આપી છે, એટલું જ નહીં, પરંતુ તેમણે તેમને અમેરિકાની ધરતી પર આમંત્રણ પણ આપ્યું છે, જેનાથી પુતિનને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે, જે તેઓ ઇચ્છતા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી વિના પુતિનને મળવા માટે પણ સંમત થયા છે, તેનો અર્થ એ થયો કે યુક્રેન યુદ્ધવિરામ પ્રસ્તાવ પર યુક્રેનિયન પ્રતિનિધિત્વ વિના અમેરિકા અને રશિયા વચ્ચે ચર્ચા કરવામાં આવશે.

આ મહત્ત્વપૂર્ણ બેઠકના થોડા દિવસો પહેલાં જ એવું બહાર આવ્યું છે કે આયોજિત બેઠકથી પુતિનને બીજી ભૂ-રાજકીય જીત મળી હશે, જેના વિશે કોઈ વાત કરી રહ્યું નથી. વધુ મહત્ત્વની વાત એ છે કે પુતિન અલાસ્કાની મુલાકાત લેનારા પ્રથમ રશિયન રાષ્ટ્રપતિ હશે. પુતિનની અલાસ્કા બેઠક ૨૦૧૫ પછી રશિયન રાષ્ટ્રપતિની અમેરિકાની પ્રથમ મુલાકાત હશે. અલાસ્કા ઉત્તર અમેરિકા ખંડના ઉત્તર-પશ્ચિમ છેડે આવેલું છે અને વિસ્તારની દૃષ્ટિએ અમેરિકાનું સૌથી મોટું  રાજ્ય છે, જે અમેરિકાના કુલ વિસ્તારનો ૧૮ ટકા ભાગ ધરાવે છે. અલાસ્કા બેરિંગ સામુદ્રધુની દ્વારા રશિયાની મુખ્ય ભૂમિથી અલગ થયેલું છે. રશિયાની મુખ્ય ભૂમિ અને અલાસ્કાની મુખ્ય ભૂમિ વચ્ચેનું સૌથી સાંકડું અંતર આશરે ૮૮ કિ.મી. છે. અલાસ્કા અને રશિયા વચ્ચેના પાણીના ભાગમાં બે નાના ટાપુઓ આવેલા છે,

જેને બિગ ડાયોમેડ અને લિટલ ડાયોમેડ તરીકે ઓળખવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે બિગ ડાયોમેડ રશિયાની માલિકીનો છે, જ્યારે લિટલ ડાયોમેડ અમેરિકાની માલિકીનો છે. આ બે ટાપુઓ વચ્ચેનો પાણીનો પટ ફક્ત ૩.૮ કિ.મી. પહોળો છે અને શિયાળા દરમિયાન થીજી જાય છે, તેથી અમેરિકાથી રશિયા સુધી ચાલીને જઈ શકાય છે.અલાસ્કા વિશ્વનું સૌથી વ્યૂહાત્મક સ્થાન છે, જે ઉત્તર અમેરિકા અને એશિયાના ક્રોસરોડ પર આવેલું છે, જેની ઉત્તરમાં આર્કટિક અને દક્ષિણમાં પેસિફિક છે. ૧૮૬૭માં નાણાંકીય મુશ્કેલીઓને કારણે ૭૨ લાખ અમેરિકન ડોલરની નજીવી કિંમતે અમેરિકાને વેચવામાં આવ્યું તે પહેલાં અલાસ્કા રશિયન સામ્રાજ્યનો ભાગ હતું.

અલાસ્કાનાં લોકો આદરપૂર્વક તેમના રશિયન ભૂતકાળને અને તેમના અમેરિકન વર્તમાનને યાદ કરે છે. ડેનિશ સંશોધક વિટસ બેરિંગે સૌ પ્રથમ ૧૭૨૮માં ઝારવાદી રશિયા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ એક અભિયાન માટે એશિયા અને અમેરિકાને અલગ કરતી સાંકડી સામુદ્રધુનીમાંથી સફર કરી હતી. ૧૭૪૧માં બેરિંગની રશિયાની શોધખોળની સફર સૌ પ્રથમ વાર યુરોપિયનોને અલાસ્કામાં લાવી હતી. ઝારને બતાવવા માટે તેઓ જે દરિયાઈ ઓટરનાં ચામડાં લઈને ગયા હતા તે તેમને પાછા ફરવા માટે આકર્ષિત કરતાં હતાં અને ટૂંક સમયમાં આ વિસ્તાર રશિયન શિકારીઓ અને ફરના વેપારીઓથી ભરાઈ ગયો હતો. રશિયનો કદાચ અલાસ્કાનાં મૂળ વતનીઓનો સામનો કરનારા પ્રથમ યુરોપિયન વેપારીઓ હતા.

૧૭૮૪ સુધીમાં ઓટરના શિકારીઓને રોજગારી આપતી એક રશિયન કંપનીએ કોડિયાક ટાપુ પર એક સ્ટેશન સ્થાપ્યું હતું અને મૂળ રહેવાસીઓને દરિયાઈ ઓટર અને અન્ય દરિયાઈ સસ્તન પ્રાણીઓનો શિકાર કરવા દબાણ કર્યું હતું. તેમણે અલાસ્કાનાં મૂળ રહેવાસીઓ ઉપર બળ અને પ્રલોભનનો ઉપયોગ કરીને તેમની કુશળતાનો ઉપયોગ ફર આપતાં પ્રાણીઓના શિકાર માટે કર્યો હતો. શિકારીઓએ સીલ અને દરિયાઈ જળબિલાડીઓનું વધુ પડતું શોષણ કર્યું, જેના કારણે તેમની વસ્તી ઘટી ગઈ હતી અને રશિયન વસાહતીઓની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ઝારવાદી રશિયાએ ૧૮૬૭માં અલાસ્કાને માત્ર ૭૨ લાખ ડોલરમાં અમેરિકાને વેચી દીધું હતું. નોંધનીય છે કે અલાસ્કામાં રશિયન પ્રભાવ હજુ પણ ટકી રહ્યો છે, જેમાં સૌથી વધુ પ્રભાવ રશિયન ઓર્થોડોક્સ ચર્ચના અસ્તિત્વમાં છે. અલાસ્કાનાં ઘણાં જૂનાં ચર્ચોમાં હજુ પણ ડુંગળીના આકારનો ગુંબજ જોવા મળે છે, જે રશિયન સ્થાપત્ય પ્રભાવને પ્રદર્શિત કરે છે. ઘણા રશિયન રાષ્ટ્રવાદીઓ માટે અલાસ્કાનો સોદો ઐતિહાસિક મૂર્ખાઈ હતી અને પુતિનની આ મુલાકાત તેના રશિયન મૂળના ગૌરવને ઉજાગર કરવાનો પ્રસંગ છે.

પુતિનની અલાસ્કાની મુલાકાતના સમાચાર મળતાં જ ઘણાં રશિયન રાષ્ટ્રવાદીઓએ સોશ્યલ મિડિયા સાઇટ X પર પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે કે પુતિન ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત માટે અલાસ્કા જશે ત્યારે તેઓ અમેરિકાની નહીં પરંતુ મૂળ રશિયન ભૂમિની જ મુલાકાત લેશે. રશિયામાં ઘણાં પાઠ્યપુસ્તકો બાળકોને શીખવે છે કે રશિયાએ ક્યારેય અલાસ્કા અમેરિકાને વેચ્યું નથી, પરંતુ તેને ૧૦૦ વર્ષના લીઝ પર વોશિંગ્ટનને આપ્યું છે અને અમેરિકાએ પાછળથી વેચાણનો બનાવટી કરાર બનાવ્યો છે. અમેરિકા પાસેથી અલાસ્કા પાછું મેળવવું એ લોકપ્રિય રશિયન સંગીત બેન્ડમાં વારંવાર ચર્ચાતો વિષય છે.

૧૯૯૦ ના દાયકાની શરૂઆતમાં સોવિયેત યુનિયનના વિઘટન પછી, રશિયામાં એક લોકપ્રિય જમણેરી સંગીતમય બેન્ડ લ્યુબે હતું. તેમનાં સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક હતું કે અમેરિકા, મૂર્ખ ન બનો. અમને અલાસ્કા, અમારી મૂળ રશિયન ભૂમિ, પાછી આપો. સાઇબિરીયા અને અલાસ્કા અમારા કિનારા છે. ગીતના વિડિયોમાં રશિયન સૈન્ય દ્વારા અલાસ્કા પર આક્રમણ અને અમેરિકાથી અલગ થતું દર્શાવવામાં આવ્યું છે. લ્યુબે પુતિનના પ્રિય બેન્ડ તરીકે જાણીતું છે. પુતિને ૨૦૦૧ માં લ્યુબે બેન્ડના મુખ્ય ગાયક નિકોલાઈ રાસ્ટોર્ગુયેવને રશિયન સરકારના સાંસ્કૃતિક સલાહકારના પદ પર નિયુક્ત પણ કર્યા હતા. તે જ વર્ષે લ્યુબે મોસ્કોના રેડ સ્ક્વેરમાં વિજય દિવસ પર લાઇવ કોન્સર્ટ કર્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે કિવ અને મોસ્કો બંનેએ જમીન છોડવી પડશે અને આ અઠવાડિયે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત તરત જ બતાવશે કે ક્રેમલિનના નેતા કોઈ સોદો કરવા તૈયાર છે કે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ ભૂતકાળમાં પણ જમીનની અદલાબદલી વિશે વાત કરી ચૂક્યા છે, પરંતુ રશિયા કે યુક્રેન શાંતિ કરારના ભાગ રૂપે જમીન આપવા માટે તૈયાર નથી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ અઠવાડિયે ટ્રમ્પ વહીવટીતંત્રને યુક્રેનમાં યુદ્ધવિરામ માટે એક વ્યાપક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં યુક્રેન વતી મોટી પ્રાદેશિક છૂટછાટોની માંગણી કરવામાં આવી હતી અને લડાઈ બંધ કરવાના બદલામાં તેના યુક્રેનની જમીન પરના દાવાઓને વૈશ્વિક માન્યતા આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીની રશિયાને યુક્રેનનો કેટલોક પ્રદેશ સોંપવાના તેમના પ્રતિકાર બદલ ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ ઝેલેન્સ્કી સાથે ખૂબ જ, ખૂબ જ, ગંભીરતાથી અસંમત છે. તેમણે ઉમેર્યું હતું કે જમીનની અદલાબદલી યુક્રેનના ભલા માટે હશે અને તે પહેલાં તેમણે કહ્યું હતું કે સંભવિત સોદામાં કિવ અને મોસ્કો બંને માટે કેટલીક ખરાબ બાબતો પણ સામેલ હશે.

ડોનાલ્ડ ટ્રમ્પની આ ટિપ્પણીઓ ગયા અઠવાડિયે મોસ્કોમાં તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોફ સાથેની મુલાકાત બાદ આવી છે , જે દરમિયાન રશિયન નેતાએ  યુદ્ધવિરામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો,  જેમાં યુક્રેનને ડોનેટ્સક ક્ષેત્રમાંથી તેની સેના પાછી ખેંચવાની ફરજ પાડવામાં આવશે, જેનાથી તે લુહાન્સ્ક સાથે રશિયાના નિયંત્રણ હેઠળ રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ પુતિન અને ઝેલેન્સ્કીના ગળે તેમની જમીનની અદલાબદલી કરવાની વાત કેટલી હદે ઊતારી શકે છે, તેના પર અલાસ્કાની શિખર પરિષદની સફળતાનો આધાર રહેલો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top