યુક્રેન: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ (War) અટકવાનું નામ નથી લઈ રહ્યું. યુક્રેનના રાષ્ટ્રપતિના એક સલાહકારે દાવો કર્યો છે કે ગુરુવારનાં રોજ ફરી એકવાર રશિયાએ યુક્રેન પર 100 થી વધુ મિસાઈલો (Missiles) છોડી છે. આ દરમિયાન યુક્રેનમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા હતા. રાજધાની કિવ સહિત અનેક શહેરોમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર ઓલેકસી એરેસ્ટોવિચે ફેસબુક પર પોસ્ટ કર્યું કે રશિયા દ્વારા યુક્રેનના ઘણા વિસ્તારોમાં મોટા પાયે હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. એક પછી એક મિસાઈલ સતત છોડવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિવ, ઝાયટોમીર અને ઓડેસામાં વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.
આ વિસ્તારોમાં વીજ કાપની જાહેરાત
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, કિવ, ઝાયટોમીર અને ઓડેસા સહિત અનેક શહેરોમાં વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. હુમલા બાદ, ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થતા નુકસાનને ઘટાડવા માટે ઓડેસા અને નીપ્રોપેટ્રોવસ્ક પ્રદેશોમાં પાવર કટની જાહેરાત કરવામાં આવી હતી. રશિયાએ યુક્રેનની ‘શાંતિ ફોર્મ્યુલા’ને ફગાવી દીધા બાદ આ વિસ્ફોટો થયા છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે યુક્રેન માટે કોઈ શાંતિ યોજના હોઈ શકે નહીં.
રશિયાની શાંતિની ઓફર યુક્રેને નકારી
યુક્રેન દ્વારા તાજેતરમાં રશિયાને 10-પોઇન્ટની શાંતિ યોજનાની ઓફર કરવામાં આવી હતી, જેને ક્રેમલિન દ્વારા નકારી કાઢવામાં આવી હતી. આટલું જ નહીં રશિયાએ નવા વર્ષ પહેલા ફરી એકવાર યુક્રેન પર મિસાઈલોનો વરસાદ શરૂ કરી દીધો છે. ગુરુવારે રશિયા તરફથી યુક્રેન પર લગભગ 100 મિસાઈલો છોડવામાં આવી હતી. જેના કારણે રાજધાની કીવ અને આસપાસના વિસ્તારોમાં તબાહીનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ક્યાંક રસ્તાઓ પર ઉભેલા વાહનો ધુમાડામાં સળગી રહ્યા છે તો ક્યાંક ઈમારતોને નુકસાન થયું છે. રશિયાએ આજે સવારે જ મિસાઈલોનો વરસાદ શરૂ કરી દીધો હતો.
મોસ્કો સતત કહેતું આવ્યું છે કે યુક્રેન તેના દ્વારા કબજે કરાયેલા પ્રદેશોને રશિયન પ્રદેશ તરીકે માન્યતા આપે. અને યુક્રેન તેનો વિરોધ કરી રહ્યું છે. તાજેતરમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ 10-પોઇન્ટનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ અંતર્ગત તેમણે રશિયાને યુક્રેનની અખંડિતતાને સ્વીકારવાની અપીલ કરી છે. યુક્રેન દ્વારા રશિયા પર આરોપ છે કે તેણે નાગરિકો પર પણ હુમલો કર્યો છે. સાથે જ રશિયાએ આ આરોપોને ફગાવી દીધા છે. જો કે, યુક્રેન તરફથી સતત આક્ષેપો થઈ રહ્યા છે કે રશિયા તેના શહેરો અને હોસ્પિટલો પર હુમલો કરી રહ્યું છે.