યુક્રેન: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં રશિયા હવે યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા સતત હુમલાઓ કરી રહ્યું છે. કિવ એરપોર્ટ નજીક જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટથી ઘણી ઈમારતોને નુકસાન થયું છે. આજે અગાઉ, રશિયન એરક્રાફ્ટે કોનોટોપમાં બે વિસ્ફોટ કર્યા હતા. એવી આશંકા છે કે રશિયા ખાર્કિવ એરપોર્ટ પર પણ હુમલો કરી શકે છે. રશિયાની સેના ટૂંક સમયમાં કિવ પર કબજો કરી શકે છે, યુક્રેન પર હુમલાની ગતિને ઝડપથી વધી રહી છે. રશિયાના સૈનિકો રાજધાની કિવમાં પ્રવેશ્યા છે અને યુક્રેનિયન સૈનિકો સાથે તેમની સામ-સામે લડાઈ શરૂ થઈ ગઈ છે.
આ યુદ્ધ દરમ્યાન યુક્રેન સીમા પાસેની સેટેલાઈટ તસ્વીરો સામે આવી છે.જેમાં રશિયાએ મોટી સંખ્યામાં હેલિકોપ્ટર અને સૈનિકોનો ખડકલો કરી દીધો છે. તસવીરોમાં ખ્યાલ આવે છે કે, રશિયામાં ઓછામાં ઓછા 150 હેલિકોપ્ટર અને મોટી સંખ્યામાં સૈનિકોને યુક્રેન બોર્ડરથી અમુક અંતરે જ તહેનાત કરવામાં આવ્યા છે.
મેક્સાર ટેક્નોલોજી દ્વારા આ તસ્વીર જાહેર કરાયેલી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ હેલિકોપ્ટર અને સેના દક્ષિણ બેલારુસમાં તહેનાત કરવામાં આવ્યા છે. તસવીરોમાં બેલારુસ શહેરના ચોજનિકી પાસે મોટી સંખ્યામાં હેલિકોપ્ટર તહેનાત કરવામાં આવ્યા છે. જેમાં 90થી વધારે હેલિકોપ્ટર એક રસ્તા પર ઉભા છે.
દક્ષિણી બેલારુસમાં સૈન્ય તહેનાત
ખાનગી અમેરિકન કંપનીના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે લેવામાં આવેલી સેટેલાઈટ તસવીરોમાં યુક્રેન સીમાથી લગભગ 20 માઈલના અંતરે દક્ષિણી બેલારુસમાં ઘણી મોટી સંખ્યામાં સૈન્ય તહેનાત કરવામાં આવ્યું છે અને અંદાજે 150 ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર દેખાઈ રહ્યા છે. બીજી બાજુ બેલારુસીના શહેર ચોજનિકીની પાસે જે 90થી વધારે હેલિકોપ્ટર રસ્તા પર દેખાય છે તે પાંચ માઈલ કરતા વધુ વિસ્તારમાં ફેલાયેલા છે. નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હજી પણ સ્થિતિ નિયંત્રણમાં લાગતી નથી.
10 એરક્રાફ્ટ અને 20 ક્રૂઝ મિસાઇલોનો નાશ, યુક્રેનનો દાવો
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે ત્રણ દિવસના યુદ્ધમાં તેમના 137 નાયકોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી 10 લશ્કરી અધિકારીઓ છે. યુક્રેનની સેનાનો દાવો છે કે તેઓએ 1000 થી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. તે જ સમયે, રશિયન સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે તેઓએ યુક્રેનમાં 211 સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા છે.
યુક્રેન દાવો કરે છે કે તેણે ઓછામાં ઓછી 80 રશિયન ટેન્ક, 516 બખ્તરબંધ વાહનો, 7 હેલિકોપ્ટર, 10 એરક્રાફ્ટ અને 20 ક્રૂઝ મિસાઇલોનો નાશ કર્યો છે.રશિયન સૈન્ય વિમાનને ગોળીબાર કર્યા પછી યુક્રેન હવે તેનો બીજો દાવો કર્યો છે, યુક્રેનિયન સૈન્યએ જણાવ્યું હતું કે હુમલાના બીજા દિવસે 25 ફેબ્રુઆરીએ કિવમાં 60 રશિયન સૈનિકો માર્યા ગયા હતા. તે જ સમયે, રશિયન સૈનિકો કિવથી 40 કિલોમીટર દક્ષિણમાં વાસિલ્કિવમાં પ્રવેશ્યા હતા.