Top News

રશિયા યુક્રેન સાથે વાતચીત કરવા તૈયાર, પરંતુ રાખી આ શરત…

4:38 PM 02/25/2022: રશિયા અને યુક્રેન વચ્ચે સતત બીજા દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વભરના દેશો રશિયાનો વિરોધ કરી રહ્યા છે. રશિયાને યુદ્ધ છોડીને વાતચીતથી આ વિવાદ હલ કરવા માટે જણાવી રહ્યા છે. જો કે હવે રશિયા યુક્રેન સાથે વાતચીત કરવા રાજી થયું છે. એક ન્યુઝ એજન્સીના અહેવાલ મુજબ, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવેએ યુદ્ધ સમાપ્ત થવાની આશાને નકારી છે. તેમણે જણાવ્યું કે રશિયા યુક્રેન સાથે વાતચીત કરવા તૈયાર છે. પરંતુ જો યુક્રેન આત્મસમર્પણ કરી દે તો.

4:15 PM 02/25/2022: યુક્રેને ચેર્નોબિલ પરમાણુ સાઇટ પરનું નિયંત્રણ ગુમાવ્યું છે, જ્યાં યુક્રેનિયન દળોએ રશિયન સૈનિકો સાથે ભીષણ યુદ્ધ કર્યું હતું. આ પ્લાન્ટ પાસે હુમલો થતા અનેક વિસ્ફોટ પણ થયા હતા. જેના કારણે આ પરમાણુ પ્લાન્ટમાં રેડિયેશનનું સ્તર વધી ગયું છે. યુક્રેનની ન્યુક્લિયર એજન્સીએ આ વાતની પુષ્ટિ કરી છે. કે રેડિયેશનના સ્તરમાં વધારો થવાને કારણે આ વિસ્તારમાં રહેતા હજારો લોકોના જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. તેમને સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર યુરોપમાં કિરણોત્સર્ગી કચરો ફેલાવીને એપ્રિલ 1986માં પરમાણુ રિએક્ટરમાં વિસ્ફોટ થયો ત્યારે આ પ્લાન્ટ વિશ્વની સૌથી ખરાબ પરમાણુ દુર્ઘટનાનું સ્થળ હતું. આ પ્લાન્ટ કિવની રાજધાનીથી 130 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે નાગરિકોને રશિયન લશ્કરી હિલચાલ વિશેની માહિતી આપવા જણાવ્યું છે. સાથે જ તેમના પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવા પણ જણાવ્યું છે.

4:01 PM 02/25/2022: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ યુક્રેનનાં ૧૩ સૈનિકને મારી નાખ્યા છે. શરણાગતિનો ઇનકાર કરવા બદલ રશિયાએ 13 યુક્રેનિયન સૈનિકોના જીવ લઈ ટાપુ પર કબજો કરી લીધો છે. જ્યારે રશિયન યુદ્ધ જહાજ પરના સૈનિકોએ 13 સરહદ રક્ષકોને આત્મસમર્પણ કરવાનું કહ્યું, ત્યારે તેઓએ ના પાડી, ત્યારબાદ રશિયન સૈનિકોએ તેમને મારી નાખ્યા. સૈનિકોની બહાદુરી માટે યુક્રેને તેમને “HERO OF Ukraine”સન્માનથી નવાજ્યા છે. તમને જણાવી દઈએ કે સ્નેક આઈલેન્ડ, જેને ઝમિની આઈલેન્ડ પણ કહેવામાં આવે છે, તે ઓડેસાની દક્ષિણે કાળા સમુદ્રમાં છે. રશિયન યુદ્ધ જહાજ ત્યાં પહોંચ્યું અને હુમલો કરવાની ધમકી આપી અને આત્મસમર્પણ કરવાનું કહ્યું. તેના પર ત્યાં હાજર સીમા રક્ષકોએ બહાદુરી બતાવીને પડકાર ફેંક્યો. પછી યુદ્ધ જહાજમાં હાજર રશિયન સૈનિકો સાથે દુર્વ્યવહાર, અવગણના કરી અને આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો. આ પછી રશિયાએ તેને મારી નાખ્યો. મળતી માહિતી મુજબ, રશિયન નેવીએ મોસ્કવા અને વેસિલી બાયકોવ યુદ્ધ જહાજોને ટાપુ તરફ મોકલ્યા હતા. ટાપુ પરના સૈનિકોને પહેલા ડેક ગનથી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં તેના પર રશિયન સૈનિકો મોકલીને આ ટાપુ પર કબજો કરવામાં આવ્યો હતો.

3:26 PM 02/25/2022: બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આજે સવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જાલેન્સકીને ફોન કરીને મદદનું વચન આપ્યું હતું. આ પહેલા બ્રિટને રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા હતા. તેના જવાબમાં રશિયાએ આકરા પગલાં ભર્યા છે. રશિયાએ હવે યુક્રેનને મદદ કરનારા દેશો સામે કાર્યવાહી શરૂ કરી છે. યુક્રેન પર હુમલાના પગલે વિશ્વભરનાં દેશો રશિયા સામે નારાજ છે અને તેના પર પ્રતિબંધો લાદી રહ્યા છે. ત્યારે બ્રિટને રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા હતા. તેના જવાબમાં રશિયાએ આ પગલું ભર્યું છે. રશિયન પ્રતિબંધો બ્રિટિશ એરલાઇન્સની મુશ્કેલીઓમાં વધારો કરશે. રશિયન પ્રતિબંધોને કારણે, બ્રિટિશ એરલાઇન્સના વિમાનો હવે કોઈપણ રશિયન એરપોર્ટ પર ઉતરી શકશે નહીં અથવા રશિયન એરસ્પેસનો ઉપયોગ કરી શકશે નહીં.

2:47 PM 02/25/2022: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનની રાજધાની કિવ પર કબજો મેળવવા માટે રશિયા એડી ચોટીનું જોર લગાવી રહી છે. રશિયન સેનાએ સ્નેક આઇલેન્ડ કબજે કરી લીધું છે.જ્યારે યુક્રેનએ મેલિટોપોલ પાછુ છીનવી લીધું છે. યુક્રેનની સેનાનો દાવો છે કે તેઓએ બે રશિયન પેરાટ્રૂપર્સને પકડી લીધા છે. અગાઉ એવી માહિતી મળી હતી કે યુક્રેનની સેનાએ મેલિટોપોલ શહેર પર ફરીથી કબજો કરી લીધો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે યુક્રેનની 18 ટેન્કને નષ્ટ કરી દીધી છે. આ સિવાય 7 રોકેટ સિસ્ટમને નુકસાન પહોંચ્યું છે અને 41 મોટર વાહનોનો નાશ થયો છે.

1:38 PM 02/25/2022: યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતના 15 હજારથી વધુ લોકો ત્યાંના વિવિધ શહેરોમાં ફસાયેલા છે. લગભગ 4 હજાર લોકો ત્યાંથી નીકળી ગયા છે. એર ઈન્ડિયાની શરૂઆતની ફ્લાઈટમાંથી પણ ઘણા લોકોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. રશિયન બોમ્બમારો અને બંને દેશોની સેનાઓ વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે. રશિયન ટેન્કોને પ્રવેશતા અટકાવવા માટે સેનાએ કિવની બહારના ત્રણ પુલને ઉડાવી દીધા. યુદ્ધની વચ્ચે ભારતીયોની મુશ્કેલીઓ વધી રહી છે. તેમની પાસે ખાવા પીવાનું પણ નથી. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે કેન્દ્ર સરકાર અને એમ્બેસીએ ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે રોમાનિયા અને હંગેરીનો માર્ગ પસંદ કર્યો છે. આ માર્ગ પરથી ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. હંગેરીમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે હાલમાં રોમાનિયાની સરહદ પર ઉઝોરોડ નજીક હંગેરિયન સરહદ પર ચૉપ-ઝાહોની અને ચેર્નિવત્સીમાં પોરુબને-સિરેટ ખાતે ટીમો પહોંચી રહી છે. હંગેરીમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે પહેલા તે ભારતીયો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, જેઓ ઉપરોક્ત સરહદ ચોકીઓની નજીકમાં રહે છે, તેમને સંગઠિત રીતે ત્યાં પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. તેને આ માટે વિદેશ મંત્રાલયની ટીમ સાથે સંકલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

Most Popular

To Top