રૂપિયો ઓલટાઈમ ડાઉન થતાં ભારતીય અર્થતંત્ર ચિંતાજનક સ્થિતિમાં મુકાયું છે. આજે તા. 21 નવેમ્બરના રોજ ડોલર સામે રૂપિયો એક તબક્કે 89.34ના સ્તર પર પહોંચી ગયો હતો. આ ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. સતત નબળા પડી રહેલા રૂપિયાના લીધે દેશમાં ફુગાવો વધી રહ્યો છે. આયાતનો ખર્ચ પણ ચિંતાજનક હદે પહોંચી ગયો છે.
ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આજે શુક્રવારે ડોલરની સરખામણીએ રૂપિયો રેકોર્ડ સ્તરે નીચે પહોંચી ગયો હતો. રૂપિયો 71 પૈસા નબળો પડીને 1 ડોલરની સરખામણીએ 89.46 રૂપિયા પર ટ્રેડ થયો હતો.
કરન્સી એક્સપર્ટ અનુસાર ડોલરની ઊંચી માંગ અને ભારતીય રિઝર્વ બેન્કના લો-સપોર્ટના લીધે રૂપિયો દબાણમાં જોવા મળ્યો. બપોરે 3.05 કલાકે રૂપિયો ડોલરની સરખામણીએ 89.46 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે દિવસની શરૂઆતમાં તે 88.67 હતો. છેલ્લા ટ્રેડ દિવસે તે 88.70 પર બંધ થયો હતો.
વિશ્વભરમાં ડોલરના મજબૂત થવાથી ઊભા થયેલા દબાણે રૂપિયાને વધુ નબળો બનાવ્યો છે. ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઘટાડવાની સંભાવના ઓછી થવાથી વૈશ્વિક રોકાણકારોમાં જોખમ ટાળવાના વલણમાં વધારો થયો છે. તેની સાથે જ અમેરિકા-ભારત વેપાર સોદામાં વિલંબથી પણ અનિશ્ચિતતા વધી છે.
ભારત–અમેરિકા વેપાર કરારમાં વિલંબથી ચિંતા વધી
ભારત અને અમેરિકા વચ્ચેના મહત્વના વેપાર સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ થવાથી બજારની સ્થિતિ વધુ નબળી પડી રહી છે. અમેરિકા એશિયન દેશોમાં ભારત પર સૌથી ઊંચા ટેરિફ લાદે છે.
માર્કેટ વિશ્લેષકોનું માનવું છે કે હાલની વૈશ્વિક પરિસ્થિતિ, નાણાકીય તંગી અને વેપાર અનિશ્ચિતતા રૂપિયાને આગળ પણ દબાણ હેઠળ રાખી શકે છે.
આ ઘટાડા સાથે રૂપિયો પાછલા દિવસની સરખામણીએ 0.86 ટકા નબળો પડ્યો છે. એક્સપર્ટ અનુસાર રૂપિયામાં સૌથી મોટો ઈન્ટ્રા ડે ઘટાડો 67 પૈસા જોવા મળ્યો છે, જે 8 મે 2025 પછી સૌથી મોટી છે. ત્યારે રૂપિયો 89 પૈસા નીચે ગયો હતો.
છેલ્લા છ મહિનામાં સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો
નિષ્ણાતો કહે છે કે રૂપિયાનો ઘટાડો વૈશ્વિક બજારમાં ડોલરના મજબૂત થવા અને સ્થાનિક આર્થિક દબાણને કારણે થયો હતો. આ સ્તરને ઐતિહાસિક નીચો માનવામાં આવે છે અને છેલ્લા છ મહિનામાં સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો છે. નોંધનીય છે કે ગુરુવારે (20 નવેમ્બર) રૂપિયો 20 પૈસા નબળો પડીને 88.68 પર બંધ થયો હતો.
આ કારણોના લીધે રૂપિયો નબળો પડ્યો
નિષ્ણાતો જણાવે છે કે રૂપિયા પર દબાણનું કારણ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ ઓછી થવા અને યુએસ-ભારત વેપાર વિવાદને આભારી છે. ઓગસ્ટના અંતમાં અમેરિકા દ્વારા ભારતમાંથી નિકાસ પર ટેરિફ લાદવામાં આવ્યા પછી રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.
ખાનગી ક્ષેત્રની બેંકના એક વેપારીએ જણાવ્યું હતું કે તાજેતરના સત્રોમાં 88.80 ના સ્તરનો સક્રિયપણે બચાવ કરનારી સેન્ટ્રલ બેંકે હવે તેની દખલગીરી ઘટાડી દીધી છે. જોકે, જ્યારે રૂપિયો 88.80 ના સ્તરને તોડી ગયો, ત્યારે ટ્રેડિંગ વોલ્યુમમાં અચાનક વધારો જોવા મળ્યો. વેપારીઓ કહે છે કે રિઝર્વ બેંક ભવિષ્યમાં ચલણમાં વધુ ઘટાડો અટકાવવા માટે હસ્તક્ષેપ કરી શકે છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં વધુ પડતી અસ્થિરતાને રોકવા માટે RBI એ રૂપિયાને ટેકો આપ્યો છે.