મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે સોમવારે રાજ્યમાં સંવેદના દિનની ઉજવણી કરાઈ હતી. રૂપાણીએ રાજકોટમાં યોજાયેલા સમારંભમાં કહ્યું હતું કે મહામારી અને તાઉતે વાવાઝોડામાં જનતાની સેવામાં પ્રશાસને અભૂતપૂર્વ સંવેદનશીલતા દાખવી છે પણ પલાયન કે પીછેહઠ કરી નથી.
વર્તમાન સરકાર જાડી ચામડીની નહીં, પરંતુ ગરીબો, પીડીતો, શોષિતો માટેની સંવેદનશીલ સરકાર છે. સમાજના નબળા વર્ગોની સેવા એ જ અમારો મંત્ર છે. નવ દિવસ સુધી યોજાનારા કાર્યક્રમો એ પાંચ વર્ષની ઉજવણી નથી પરંતુ રાજ્ય સરકારે આદરેલો જનસેવાયજ્ઞ છે.
આજે 2જી ઓગસ્ટ-સંવેદના દિવસે રાજ્યવ્યાપી ‘સેવા સેતુ કાર્યક્રમ’ના છઠ્ઠા તબકાનો રાજકોટથી આરંભ કરાયો હતો.
રૂપાણીના હસ્તે ‘સેવા સેતુ કાર્યક્રમ’ના વિવિધ લાભાર્થીઓને રૂપિયા ૪.૭૫ કરોડની સાધન સહાયનું વિતરણ, કોરોનાકાળમાં અનાથ બનેલા ૩૯૬૩ બાળકોને આર્થિક સહાયનું વિતરણ કરાયું હતું.રૂપાણીએ તેમના જન્મદિવસે નવી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘રાજ્યની વિધવા મહિલાઓના સમાજમાં પુન:સ્થાપન માટે ‘ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર રૂ. ૫૦ હજાર આપશે.
’ કષ્ટપૂર્ણ વૈધવ્ય જીવન જીવતી મહિલા પુન:લગ્ન કરવા પ્રેરાય અને પગભર બની નવું જીવન જીવે તે માટે આ યોજના શરૂ કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત કોરોનાકાળમાં માતા કે પિતા કોઇ એક વાલી ગુમાવનાર બાળકને પણ રાજ્ય સરકાર રૂ. ૨ હજાર પ્રતિમાસ આર્થિક સહાય ‘એક વાલી યોજના’ અંતર્ગત આપશે. કોરોનાકાળમાં પોતાના પાલનહાર ગુમાવનાર એક પણ બાળક નિરાધાર ન રહે અને આર્થિક સહાય મેળવી ઉજ્જવળ કારકીર્દી ઘડી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
લોકોના કામ કરવા સરકાર સામે ચાલીને એમના દ્વારે આવી છે: સીએમ
સેવાસેતુને રાજ્ય સરકારની સંવેદનશીલતાનું આગવું ઉદાહરણ ગણાવીને રૂપાણીએ કહ્યું હતું કે, ‘હવે લોકોને પોતાના સરકારી કામકાજ માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહી નથી. લોકોના કામ કરવા સરકાર સામે ચાલીને એમના દ્વારે આવી છે.’