નર્મદાના કેવડિયા ખાતે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમાને એકતાનો સંદેશ આપવાના આશયથી બોલીવૂડના જાણીતા અદાકાર અને પ્રખર સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમને મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડિયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજેલી ‘રન ફોર યુનિટી’ના દોડનું ગુરુવારે પલસાણાના માખીંગા ગામે પલસાણા મામલતદાર, રમતગમત અધિકારી અને અન્ય વહીવટી તંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.
રજવાડા જોડીને અખંડ ભારતનું શિલ્પ ઘડનારા સરદાર વલ્લભભાઇ પટેલને સાર્થક અંજલિ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં અજોડ ગણાય એવા સ્મારકના રૂપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-“સરદાર પ્રતિમા“નું નિર્માણ કરાવ્યું છે. ભૂતકાળમાં તેને હાર્દમાં રાખીને અનેકવાર રાષ્ટ્રીય એક્તાનો સંદેશ આપતી રન ફોર યુનિટીનું આયોજન વિવિધ સંસ્થાઓએ કર્યું છે. તેની જ એક કડી જેવી આ દોડ યાત્રાનું આયોજન સોમને એકતા અને સંવાદિતાને મજબૂત કરવાના હેતુસર અને વિવિધતામાં એકતાનો સંદેશ આપવા કર્યું છે.
વિવિધતામાં એકતાનો પ્રેરક સંદેશ આપતી પ્રખર સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમનની સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા તા.૧૭ મીથી શિવાજી ચોક મુંબઇ ખાતેથી સાંજે પ કલાકે શરૂ થયેલી રન ફોર યુનિટી દોડ ગુરુવારે પલસાણા આવી પહોંચી હતી. આ દોડ તા.૨૧મી ઓગસ્ટે સાંજે પ વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા પહોંચશે.