surat : શહેરમાં કામ કરતા હજાર સફાઇ કામદારો ( cleaner ) ની હાજરીમાં ગોલમાલ થતી હોવાની બૂમ અવારનવાર ઊઠી છે. એકથી વધુ વખત સુરત મનપાના કામદારોનું હાજરી કૌભાંડ બહાર આવી ચૂક્યું છે. ત્યારે મનપાના નવા ભાજપ શાસકોને પણ કામદારોની હાજરીમાં ચાલતી ગોલમાલનો અનુભવ થતાં શાસકો ચોંકી ઊઠ્યા છે. તેમજ સુરત મનપાના તમામ કામદારો, તેની હાજરીની પ્રક્રિયા, ચૂકવાતો પગાર વગેરેની માહિતી રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ હાજરી કૌભાંડ ( scam) ને કારણે મનપાની તિજોરીને ચૂનો લાગતો કેવી રીતે અટકાવી શકાય એ બાબતે વિચારણા હાથ ધરાઇ છે.
મળતી વિગત મુજબ ડિંડોલીમાં સફાઇ તેમજ ગટર ઊભરાવા વગેરેની ફરિયાદો વધી જતાં સ્થાનિક નગરસેવક શાસક પક્ષના નેતા અમીત રાજપૂતે અન્ય નગરસેવકોને હાજર રાખી આ વિસ્તારની સફાઇ વ્યવસ્થાનો રાઉન્ડ લીધા બાદ વોર્ડ ઓફિસે તપાસ કરી હતી. ત્યારે એવું બહાર આવ્યું હતું કે, આ વોર્ડ ઓફિસમાં 90થી વધુ સફાઇ કામદારો ફાળવાયા છે. પરંતુ હાજર માત્ર 55 હતા. આ બાબતે સ્થાનિક સેનેટરી ઇન્સ્પેક્ટરને પૂછતાં તેમણે પણ એવું જણાવ્યું હતું કે, કામદારો દાદાગીરી કરી હાજરી પૂરીને ચાલ્યા જાય છે. અટકાવવા જતાં બે વખત તો હુમલો પણ કરાયો હતો. તેથી ચોંકી ઊઠેલા અમિત રાજપૂતે આ મુદ્દે મનપાના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી સફાઇ કામદારોની હાજરી બાબતે તપાસ કરવા અને આ કૌભાંડને અટકાવવા વિચારણા હાથ ધરી છે.
રૂટિન સફાઈ પણ કોન્ટ્રાક્ટથી થઈ શકે કે નહીં ? શક્યતા ચકાસાશે
મનપાના પદાધિકારીઓએ સફાઇ કામદારોની હાજરીમાં ચાલતી ગોલમાલ બાબતે જાણ્યા બાદ એવી વિચારણા પણ હાથ ધરી છે કે, જેમ રાત્રિ સફાઇ કોન્ટ્રાક્ટ ( cleaning contract) પદ્ધતિથી થાય છે તેમ જે-તે વોર્ડ વિસ્તારમાં પણ કોન્ટ્રાક્ટથી સફાઇ થઇ શકે કે કેમ ? જો આવું શક્ય બને તો હાલના મનપાના કર્મચારી ( smc employee) ઓ છે તેવા સફાઇ કામદારોને મનપામાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં મૂકી શકાય અને જૂના શહેરના જે-તે વોર્ડમાં સફાઇનું કામ ઇજારાથી કરાવી શકાય કે કેમ તેવી શક્યતા ચકાસવા પણ નક્કી કરાયું છે.