Comments

લોકો શાસક પાછળ રોકાણ કરે છે ને પછી વસૂલે પણ છે

લીવ ધ કોમ્યુનીટી બિહાઈન્ડ. રીઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ડૉ. રઘુરામ રાજન કહે છે કે રાજ્ય અને બજાર મળીને એટલે કે શાસકો અને વૃકોદરો મળીને પ્રજાસમૂહોને પાછળ ધકેલી રહ્યા છે. શા માટે? કારણ કે વૃકોદરોએ શાસકોના કબજામાં રાજ્યની માલિકીનું જે કાંઈ હતું એ છીનવી લીધું છે અને હવે તેઓ પ્રજાની માલિકીનું જે કાંઈ છે એ છીનવી લેવા માગે છે અને તેમાં તેમને શાસકોની મદદ જોઈએ છે.

હવે જો પ્રજાસમૂહોને પાછળ ધકેલવા હોય તો તે કઈ રીતે ધકેલી શકાય? બીજું કયા પ્રજાસમૂહોને પાછળ ધકેલવાના અને કઈ રીતે?

પ્રજાસમૂહો બે પ્રકારના હોય અથવા બે પ્રકારે રચાય છે. એક ઓળખ આધારિત અને બીજા આર્થિક હિતો ઉપર આધારિત. જ્ઞાતિ, પેટા-જ્ઞાતિ, વંશ, ધર્મ, સંપ્રદાય, પેટા-સંપ્રદાય, પ્રદેશ,  ભાષા આધારિત જે સમૂહો રચાય છે એમાં જોડનારું તત્ત્વ ઓળખ હોય છે. એમાં આર્થિક હિત-સંબંધો અલગ અલગ હોય છે અને કેટલીક વાર તો વિરોધી પણ હોય છે.

એક જ ઓળખ ધારાવનાર એક જ સમુદાયની બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ શોષક અને શોષિતનો પણ હોઈ શકે છે. આનાથી ઉલટું આર્થિક હિત-સંબંધો ઉપર આધારિત સમુદાયો ઓળખથી પ્રેરિત નથી હોતા, સમાન હિત દ્વારા પ્રેરિત હોય છે. ઉદ્યોગપતિ, નાના ઉદ્યોગપતિ, ખેડૂત, નાના ખેડૂત, વેપારી, દલાલ, આડતિયા, વણકર, કારીગર, જે તે ક્ષેત્રમાં નોકરી કરતા કર્મચારી, મજૂરો, નોકરી કે રોજગારીની તલાશ કરતા યુવાનો, વિજ્ઞાનીઓ, ટેકનોલોજીસ્ટો, ડોક્ટર કે વકીલ જેવા પ્રોફેશનલો વગેરે. તેઓ એકંદરે સમાન હિત ધરાવતા હોય છે.

અહીં એક વાત નોંધી લેવી જોઈએ કે આર્થિક હિતસંબંધો ધરાવતા સમુદાયો પાછા જે તે ઓળખ આધારિત સમુદાયોના સભ્ય તો હોય જ છે અને વૃકોદરો અને શાસકો તેનો ઉપયોગ કરે છે.

વાચકોને યાદ હશે કે દેશમાં જ્યારે આયોજન પંચ અસ્તિત્વ ધરાવતું હતું ત્યારે દેશના સર્વાંગીણ વિકાસમાં ભાગીદારી ધરાવતા સમાન હિતસંબંધો ઉપર આધારિત પ્રત્યેક સમુદાયોના અભિપ્રાયો અને સૂચનો મંગાવવામાં આવતાં હતાં. સમાન આર્થિક હિત ધરાવતા દરેક પ્રજા-સમૂહોના પ્રતિનિધિમંડળો પોતપોતાની માગણીઓ લઈને પંચના સભ્યોને મળતા હતા અને પંચમાં પ્રમાણમાં વ્યાપક હિતસંબંધો આધારિત સમૂહોના પ્રતિનિધિઓને સભ્ય તરીકે પણ લેવામાં આવતા હતા.

આયોજન પંચ દરેકને સાંભળ્યા પછી આગલા પાંચ વર્ષ માટેનું આયોજન કરતું હતું. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી પહેલું કામ આયોજનપંચને ખતમ કરવાનું કર્યું હતું. આ યોગાનુયોગ નહોતો. એની પાછળનો ઈરાદો કોમ્યુનીટીઓને પાછળ ધકેલી દેવાનો હતો. નાના-નાના આર્થિક હિતસંબંધોના અવાજો રાજ્યને કાને પડવા ન જોઈએ. જો સત્તાવાર રીતે તેની નોંધ લેવાય તો સત્તાવાર રીતે તેનો ઉકેલ પણ શોધવો જોઈએ. માટે ન રહે બાંસ, ન બજે બાંસુરી. લીવ કોમ્યુનીટી બિહાઈન્ડ.

ચોક્કસ પ્રકારના આર્થિક હિતસંબંધો ધરાવતા સમુદાયોના અવાજોને અને તેમની માગણીઓને પાછળ ધકેલી દેવાની પહેલી તરકીબ આયોજન પંચ વિખેરી નાખવાની હતી. આ સિવાય સંસદમાં ચર્ચા ટાળવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. પણ જો હજુ એનાથી આગળ વધીને ચોક્કસ સમુદાયોના ગજવા ઉપર જ કાતર મારવી હોય તો? જેમ કે અત્યારે ખેડૂતોના ગજવા ઉપર કાતર મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમની પાસે જમીન છે અને વૃકોદરો એનો કબજો કરવા માગે છે.

આનો ઉપાય છે ઓળખ આધારિત પ્રજાસમૂહોની ઓળખ જાગૃત કરવી. ઓળખ આધારિત પ્રજા-સમૂહોનો ઉપયોગ હિત આધારિત પ્રજા-સમૂહોની વિરુદ્ધ કરવો. જેમ કે ધર્મનો, દેશપ્રેમનો, રાષ્ટ્રવાદનો એટલો કેફ ચડાવો કે તે કોઈ ખેડૂતનો દીકરો હોવા છતાં ખેડૂતના હિતની વિરુદ્ધ બોલે. નાના વેપારીનો દીકરો પોતે જ નાના વેપારીના હિતની વિરુદ્ધ બોલે. રેલવેનો ત્રીજા વર્ગનો પાસ ખરીદવાની તાકાત ન હોય એ ચતુર્થ વર્ગના કર્મચારીનો દીકરો રેલવેના ખાનગીકરણને ટેકો આપે.

ટૂંકમાં હિતસંબંધો આધારિત સમુદાયોના લોકોને ઓળખ આધારિત સમુદાયોમાં ધકેલો એટલે હિતસંબંધો એની મેળે પાછળ ધકેલાઈ જશે. ઓળખનો અને મહાન હોવાનો નશો કરાવો અને સતત નશામાં રાખો. સતત ડરાવો અને સતત રડાવો.

ઓથાર ઊતરવો ન જોઈએ, સતત ધૂણતો રહેવો જોઈએ. ખેડૂતોના અવાજો કાને નહીં પડવા જોઈએ. હિંદુઓના અવાજો કાને પડવા જોઈએ. બ્રાહ્મણોના અવાજો કાને પડવા જોઈએ. દેશપ્રેમીઓના અવાજો કાને પડવા જોઈએ. એ પણ રડનારા અથવા ‘બીજા’ને ગાળો દેનારા.

અને જેના ચોક્કસ સમુદાયના હિત સાથે સીધો સંબંધ જ ન હોય એનું તો પૂછવું જ શું? ખેડૂતોને એલફેલ ગાળો આપનારા આવા લોકો છે. ખેડૂતને એલફેલ ગાળો આપવામાં આવતી હોય અને છતાં ખેડૂતના દીકરાને એનાથી કોઈ ફરક પણ ન પડતો હોય ત્યારે કલ્પના કરો કે એ નશો કેવો હશે! બન્ને હિંદુ છે પણ એક હિંદુ બીજા હિંદુને મા-બહેનની ગાળો આપે છે. બન્ને એક જ રાષ્ટ્રનાં સંતાન છે પણ એક સંતાન બીજા સંતાનને ગાળો આપે છે. તેમને ખબર જ નથી કે તેમના આર્થિક હિતસંબંધોને પાછળ ધકેલવામાં આવી રહ્યા છે.

શાસકો શા માટે વૃકોદરોને મદદ કરે છે અથવા તો કરવી પડે છે? આ સવાલનો જવાબ ફરી એક વાર સમજી લો. એટલા માટે કે તેઓ તેમના આશ્રિત છે. તેઓ તેમને સત્તા સુધી પહોંચાડે છે અને તેઓ તેમને સત્તામાં ટકાવી રાખે છે.

અંદાજે દસ હજાર કરોડમાં લડાતી ચૂંટણીઓ અને સરેરાશ પાંચ કરોડનો વિધાનસભ્ય અને દસ કરોડનો સંસદસભ્ય દેશપ્રેમની પેદાશ નથી, માર્કેટની પેદાશ છે. આ સિવાય શાસકની ઈમેજ અને બ્રૅન્ડ વેલ્યુ પણ બનવી જોઈએ જેની પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચવા પડે.

જે લોકો શાસકો પાછળ રોકાણ કરે છે તેમને વસૂલ કરતાં પણ આવડે છે. હકીકતમાં આ વણલખી પણ પાકી સમજૂતીવાળી ભાગીદારી છે અને એ માત્ર ભારતમાં જ નથી, વૈશ્વિક છે. ચતુષ્કોણ સીધી લીટીમાં ફેરવાઈ ગયો છે અથવા રઘુરામ રાજન કહે છે એમ ત્રીજો સ્તંભ તોડવામાં આવી રહ્યો છે.         

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top