સુરત: (Surat) ભાજપની રેલીઓ (BJP Rally) કે કાર્યક્રમમાં કોરોનાના નિયમ ભંગ મુદ્દે કોઇ પગલાં લેવાતાં નથી. ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોકમાં બે યુવક દ્વારા ‘મોટા ભાઇને સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કનો (Mask) નિયમ લાગુ પડતો નથી’ તેવાં લખાણ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના (C R Patil) ફોટો સાથેનાં બેનરો સાથે દેખાવો કરાયા હતા. વરાછાના માનગઢ ચોકમાં બે યુવાનો દ્વારા સીઆર પાટીલના ફોટા સાથેના બેનર સાથે પોલીસની વ્હાલાદવલાની નીતિનો વિરોધ કરાયો હતો.
વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોક પાસે ભાવિન પટેલ નામની વ્યક્તિએ સી.આર.પાટીલનાં બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. બેનરમાં લખવામાં આવ્યું હતું કે, મોટા ભાઈ માટે સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કનો કોઈ નિયમ લાગુ પડતો નથી. જ્યારે સામાન્ય નાગરિકો માટે માસ્ક એટલે 1 હજાર રૂપિયાનો દંડ લેવાય છે. વિરોધ નોંધાવનાર ભાવિન પટેલે જણાવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ તેઓ મોતીવાલા પર્ફ્યુમની ગલી પાસેથી પસાર થઇ રહ્યો હતો, એ વેળાએ ત્યાં ધૂળ હોવાથી મેં માસ્ક નીચે પહેર્યું હતું. જેથી પોલીસવાળાઓએ મને ઘેરીને દંડ વસૂલ્યો હતો. મેં અનેક આજીજી કરી હતી. પરંતુ મારી આજીજી કોઈએ માન્ય રાખી ન હતી. ત્યાં હાજર પોલીસકર્મીઓએ અન્ય લોકોને ફોન પર વાત કરાવતાં જવા દીધા હતા.
પોલીસ દ્વારા દંડાયા બાદ ભાવિન પટેલે સી.આર.પાટીલ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સી.આર.પાટીલ જાહેરમાં અનેક રેલીઓ કરે છે અને માસ્ક વગર ફરે છે, ત્યારે તંત્ર દ્વારા તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં કેમ આવી નથી. માત્ર સામાન્ય જનતાને જ કેમ દંડ કરવામાં આવે છે? જોકે હાલ આ વિચાર મોટાભાગના શહેરવાસીઓમાં ચર્ચા જગાવી રહ્યો છે કે સામાન્ય લોકોને માસ્ક પહેરવા બાબતે સખત નિયમોનું પાલન કરવું પડે છે. અને જો માસ્ક ન પહેરેલ હોય તો દંડ પણ વસૂલી લેવાય છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવતા મોટા મેળાવડાઓમાં આ નિયમ કેમ લાગૂ નથી પડતો?
આમ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોકમાં બે યુવક દ્વારા ‘મોટા ભાઇને સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કનો (Mask) નિયમ લાગુ પડતો નથી’ તેવાં લખાણ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના (C R Patil) ફોટો સાથેનાં બેનરો સાથે દેખાવો કરાયા હતા.