સૈફ અલીખાનની એ બાબતે દાદ દેવી જોઇએ કે તે ફિલ્મો મેળવતો રહે છે. તે કયારેય ટોપ ટેન સ્ટારની યાદીમાં નથી આવ્યો અને એજ કદાચ તેના ટકી જવાનું કારણ છે. ટોપ સ્ટારની સફળતા અને નિષ્ફળતા બધાને નજરે ચડે છે. તેમની પર કરોડોનું રોકાણ હોય છે. જે ટોપ પર નથી હોતા તેના માથે એવું દબાણ નથી હોતું. સૈફ ખરેખર જ સેફ છે. તે સહાયક હીરોમાંથી હીરો બન્યો તો પણ મોટો ફરક નથી પડયો કારણ કે તે મોટી ફિલ્મોનો હીરો નહોતો. સૈફ ટકી જવાનું જાણે છે એટલે ‘સેક્રેડ ગેમ્સ’ અને ‘તાંડવ’ જેવી સિરીઝમાં પણ પોતાની ક્ષમતા દેખાડી આપી. બાકી તમે જુઓ તો છેલ્લા ૫-૭ વર્ષમાં તેના નામે કોઇ મોટી સફળતા ચડી નથી.
‘ગો ગોવા ગોન’ અને ‘બુલેટ રાજા’ (૨૦૧૩) – ફલોપ. ‘હમશકલ્સ’, ‘હેપી એન્ડિંગ’ (૨૦૧૪) – ફલોપ, ‘ડોલી કી ડોલી’, ‘ફેન્ટમ’ (૨૦૧૫) – ફલોપ, ‘રોફ’ (૨૦૧૭) -ફલોપ, ‘કાલાકાંડી’ (૨૦૧૮) ‘બઝાર’ (૨૦૧૮) -ફલોપ. ‘લાલ કપ્તાન’ (૨૦૧૯), ‘તાનાજી’, ‘જવાની જાનેમન’, ‘દિલ બેચારા’ (૨૦૨૦) – ફલોપ, ‘ભૂત પોલીસ’, ‘બંટી ઔર બબલી’, ‘યે હે બંબઇ મેરી જાન’ (૨૦૨૧) – ફલોપ. તમે જ વિચારો જો તે ટોપ સ્ટાર હોત તો કયારનો ફેંકાઇ ગયો હોત. આ શાહરૂખ ખાન જ જોઇ લોને!
સૈફ અલીખાન હવે બે મેજર ગણાતી ફિલ્મોમાં આવી રહ્યો છે, જેમાંની ‘વિક્રમ વેધા’ તો આવતા સપ્તાહે રજૂ થશે. બીજી છે ‘આદિ પુરુષ’. પ્રોડકશન વેલ્યુની દૃષ્ટિએ બન્ને મોટી ફિલ્મ છે. એકમાં તે ઋતિક રોશન સાથે છે ને બીજીમાં પ્રભાસ સાથે. ‘આદિપુરુષ’માં તે રાવણની ભૂમિકામાં છે તો ‘વિક્રમ વેધા’માં વિક્રમ. હમણાં આર. માધવને સૈફની ખૂબ પ્રશંસા કરી હતી કારણકે મૂળ તમિલ ફિલ્મમાં ઇન્સ્પેકટર વિક્રમની ભૂમિકા તેણે જ કરી હતી. હકીકતે આ બંને ફિલ્મોમાં તેને હીરોની સામે ટકકરની ભૂમિકા મળી છે. સૈફ આમ તો મલ્ટીસ્ટારર ફિલ્મોનો વારંવાર હિસ્સો બન્યો છે પણ એવી ફિલ્મમાં તે બીજા સ્ટાર સામે પોતાનું વજૂદ સાબિત કરી દેખાડે છે.
આ વર્ષે ઘણી ફલોપ ફિલ્મો આવી છે અને ‘બ્રહ્માસ્ત્ર’ પછી ‘વિક્રમ વેધા’ રજૂ થશે. ઋતિકની પણ તે ખૂબ મહત્વની ફિલ્મ છે એટલે સહુની નજર છે. સૈફ અલી ખાન કદાચ આ બે ફિલ્મથી પોતાની કારકિર્દીનું એકસ્ટેન્શન મેળવી લેશે. સૈફના કરીના સાથે લગ્નને આવતા મહિને ૧૬મીએ ૧૦ વર્ષ થશે. તેને આ બીજા લગ્ન ફળ્યા છે. હવે તે લફડાઓથી પણ દૂર રહે છે અને સંતાનોને ય સંભાળે છે. અમૃતાસીંઘ સાથેનું લગ્ન જીવન ખરાબે ચડેલું એવું હવે નહીં થશે. સૈફ બાવન વર્ષનો થયો છે. હવે મેચ્યોર ન બને તો સમજો કે લાગી ગયા. સૈફ અભિનય બાબતે તો ઘણા વર્ષથી ગંભીર છે જ. તે એની દિકરી સારા અલી ખાનની કારકિર્દીને પણ ડિસ્ટર્બ નથી કરતો. સારા – અમૃતા બધું મેનેજ કરે છે તો શું કામ પડે? એટલે કહી શકાય કે છોટે નવાબ ખરેખર ‘સેફ ઝોન’માં છે. •