National

શું બ્લેક ફંગસ માટે કોરોના ટેસ્ટ માટે નાકમાં નંખાતી સળી જવાબદાર છે?

નવી દિલ્હી: આરટીપીસીઆર (RTPCR) કે રેપિડ ટેસ્ટ કોરોના છે કે નહીં તે જાણવા માટે ખૂબજ જરૂરી છે ત્યારે હવે શું આ ટેસ્ટ એજ મ્યુકર માઈકોસિસ (Mucormycosis) નામની નવી બીમારીને જન્મ આપ્યું છે તે બાબત ચર્ચાનો વિષય બની રહી છે. દેશના અનેક રાજ્યોમાં કોવિડમાંથી સાજા થયેલા અનેક દર્દીઓમાં આજકાલ બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઇકોસિસની સમસ્યા જોવા મળી રહી છે. આ ફૂગના ચેપની સમસ્યા વકરવા માટેનું કારણ હજી સ્પષ્ટ થતું નથી ત્યારે અનેક થિયરીઓ રજૂ થઇ રહી છે જેમાં વધુ એક થિયરી એ ઉમેરાઇ છે કે કોવિડ-૧૯ના ટેસ્ટ કરવા માટે રૂ વિંટાળેલી સળી નાકમાં (Rope In Nose) નાખવામાં આવે છે તેનાથી આ સમસ્યા સર્જાઇ રહી છે. જો આવું હોય તો આ બાબતની આરટીપીસીઆર તેમજ રેપિડ ટેસ્ટ (Test) પર વિપરિત અસર પડી શકે છે. કારણકે પહેલાંથી જ કેટલાક લોકો ડરના કારણે ટેસ્ટ કરાવી રહ્યા નથી તેના પર અગર ફંગસ વાળી વાતમાં જરાક પણ તથ્ય જણાશે તો શું લોકો ટેસ્ટ કરાવવાનું જ છોડી દેશે તે એક મોટો સવાલ નજીકના ભવિષ્યમાં ઉપસ્થિત થઈ શકે છે.

રેપિડ એન્ટિજન ટેસ્ટ ઉપરાંત આરટી-પીસીઆર ટેસ્ટ માટે પણ નાકમાંથી સ્વેબ લેવા માટે આવી સળી નાકમાં નાખવામાં આવે છે. ટોચની સરકારી હોસ્પિટલોમાં કાર્યરત કેટલાક નિષ્ણાતો હવે એવા અભિપ્રાય પર પહોંચ્યા છે કે મ્યુકોર્માઇકોસિસ અથવા બ્લેક ફંગસના ફેલાવા માટે નાકમાં નાખવામાં આવતી દૂષિત સળીઓ જવાબદાર છે. ફૂગ વાતવારણમાં હોય છે અને ગમે તે વસ્તુ પર ચોંટી જઈ શકે છે. એવું જોવા મળ્યું છે કે જેમને હાલમાં બ્લેક ફંગસની સમસ્યા સર્જાઇ છે તેમાંથી ૬૦ ટકા દર્દીઓ તો એવા છે કે જેમને સ્ટીરોઇડ આપવામાં આવ્યું નથી કે કોવિડ-૧૯ની સારવાર માટે તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા નથી. આવા દર્દીઓનું અવલોકન કર્યા બાદ નિષ્ણાતોનો મત એવો છે કે આરટી-પીસીઆર ટેસ્ટ વખતે નાકમાં રૂવાળી સળી નાખવાનું આ ફૂગની મહામારી પાછળ મુખ્ય કારણોમાંનું એક હોઇ શકે છે. પૂછપરછ કરતા માલમ પડ્યું કે આમાંના દર્દીઓએ કોરોના છે કે નહીં એ માટે અનેકવાર ટેસ્ટ કરાવ્યા હતા. આનાથી તબીબો માને છે કે આનું કારણ સ્વૉબ છે.

વિદેશોમાં આ સળીઓ વપરાશ પહેલાં સ્ટરીલાઇઝ્ડ થાય છે

અત્યાર સુધી એવી થિયરીઓ પણ રજૂ થતી હતી કે સ્ટીરોઇડ લેનાર દર્દીઓને મ્યુકોર્માઇકોસિસ થઇ શકે છે અને ઑક્સિજન આપતી વખતે કાળજી નહીં રખાય તો બ્લેક ફંગસ લાગી શકે છે. પરંતુ હાલના નિરીક્ષણો ફેરવિચારણા માગે છે. કેટલાક નિષ્ણાતો હવે માને છે કે નાકમાં આવતી સળી પરનું રૂ બરાબર સ્વચ્છ ન હોય તો બ્લેક ફંગસ લાગી શકે છે. યુકે અને અમેરિકા જેવા પશ્ચિમી દેશોમાં આ રૂ ઉપયોગ પહેલા ગામા રેડિયેશન વડે સ્ટરીલાઇઝ્ડ કરવામાં આવે છે જ્યારે ભારતમાં આવી ખાસ કાળજી રખાતી નથી તેથી બ્લેક ફંગસની સમસ્યા તે સર્જી શકે છે. યુકે અને અમેરિકા જેવા દેશોમાં તો સ્ટિરોઇડ અને ઑક્સિજન વ્યાપક વપરાય છે પણ ત્યાં કદી દર્દીઓને આ રોગ થયો નથી. તબીબો કહે છે કે આપણે ત્યાં મોડે મોડે આરટી-પીસીઆર ટેસ્ટના ભાવ ઘટ્યા છે અને ઘણાં નવા ખેલાડી બજારમાં આવ્યા છે. આ ટેસ્ટ કિટ જ્યાં બને છે એના હાઇજિન સ્થિતિથી આપણે વાકેફ નથી.

Most Popular

To Top