SURAT

કલેક્ટર આયુષ ઓકે 1 દિવસમાં ખુલાસો કરવા આરટીઓ પાસે રિપોર્ટ માંગ્યો

સુરત: સુરત (Surat) આરટીઓના (RTO) પૂર્વાધને લગતી વિગતોને કેન્દ્રમાં રાખી ગત શુક્રવાર અને શનિવારે સિક્યોરિટી સ્ટાફ સાથેના મેળાપીપણામાં વિવાદાસ્પદ ટાઉટોએ ટેસ્ટ ટ્રેક (Test Track) પર ધામો નાંખતાં બારોબાર લાઇસન્સ આપવાનું ભૂત ફરી ધૂણ્યું હતું. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી જિલ્લાના વડા તરીકે કલેક્ટર આયુષ ઓકે સુઓમોટો મામલો હાથ પર લઈ સુરતના ઇનચાર્જ આરટીઓ ગજ્જરને પત્ર મોકલી 1 દિવસમાં ખુલાસો કરવા આદેશ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ઇનચાર્જ આરટીઓ બુધવારે સુરત બહાર ગયા હોવાથી આ મામલે આવતીકાલે કલેક્ટરને ઉત્તર પાઠવશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગત સપ્તાહે સુરતના ઇનચાર્જ આરટીઓ ગજ્જરને માહિતી મળતાં ટેસ્ટ ટ્રેક પર પહોંચી તેમણે ટાઉટોને ભગાડી સિક્યોરિટી સ્ટાફને ખખડાવ્યો હતો. સુરત આરટીઓમાં અગાઉ બારોબાર લાઇસન્સ આપવાના મળે પોલીસ કેસ નોંધાયા પછી હવે ટેસ્ટ ટ્રેક પર કાર ચલાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે એનો વિડીયો પણ લેવામાં આવે છે. અને સીસીટીવી ફૂટેજનો ડેટા પણ ભેગો કરવામાં આવે છે.

અગાઉ કેટલાક ટાઉટો સીસીટીવી કેમેરા અને ટેસ્ટ ટ્રેકનું સેન્સર બંધ કરાવી બારોબાર લાઇસન્સ આપતાં હતાં. સત્તાધારી પક્ષના અગ્રણીની ટેસ્ટ ટ્રેક ડ્રાઈવને લઈ પણ વિવાદ થયો હતો. હવે ફરી 4000થી 5000 રૂપિયામાં બારોબાર લાઇસન્સ આપવાની વાતો ચગી રહી છે. ટેસ્ટ ટ્રેકમાં નાપાસ ને પાસનું રિઝલ્ટ અપાવવાની વાતો કરી ટાઉટો લોકોને ખંખેરી રહ્યા છે. એમાં સિક્યોરિટી સ્ટાફની પણ મિલીભગતની ચર્ચા છે. સુરત આરટીઓઓના ટેસ્ટ ટ્રેક પર નજર રાખવા હાઈ રિઝોલ્યુએશન સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. તે પૈકી કેટલાક બંધ છે. લાંબા સમયથી ટેસ્ટ ટ્રેક પર ફરજ બજાવનાર કોન્ટ્રાક્ટરના સિક્યોરિટી ગાર્ડઝ ટાઉટો સાથે મળી ટેસ્ટ ટ્રેકની કાર્યવાહીને પ્રભાવિત કરી રહ્યા હતા. આ મામલે સુરતના ઇનચાર્જ આરટીઓની પ્રતિક્રિયા માટે સંપર્ક કરતાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

Most Popular

To Top