Dakshin Gujarat

નવસારીના RTOમાં લાયસન્સ માટે ઓનલાઇન અરજી રદ કરી રીલોડ કરાવાય છે!

નવસારી: (Navsari) નવસારી આરટીઓની (RTO) કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઇ છે. સુરતના ફોલ્ડરિયાઓને સાહેબના આશીર્વાદ હોવાને કારણે અહીં ફોલ્ડરિયાઓ સાથે મીલીભગત કરી ન હોય એવા વાહન ચાલકોની લાયસન્સ માટે ઓનલાઇન અરજી (Online Application) રદ કરી રીલોડ કરાવાતી હોવાની ફરિયાદ (Complaint) પણ મુખ્યમંત્રીની (CM) થઇ છે.

નવસારી આરટીઓની કચેરીમાં ઘીકેળાંની જ્યાફતને કારણે વાહન માલિકો તથા વાહન ચાલકોના અહીં ગજવા ખંખેરાઇ જતા હોય છે. સામાન્ય રીતે હવે સરકારે વાહન ચાલકો માટે લાયસન્સ મેળવવાની સુવિધા સરળ કરી નાંખી છે. ઓનલાઇન અરજી કરીને તમે સરળતાથી લાયસન્સ મેળવી શકો એવી નેમ રૂપાણી સરકારની છે. પરંતુ નવસારી આરટીઓ કચેરીનો ખેલ જુદો જ છે. અહીં ભાજપ સરકારના પ્રજા હિત ઉપર એઆરટીઓ પ્રકાશ ચૌધરીની ટીમ પાણી ફેરવી રહી છે.

અહીં લાયસન્સ માટે ઓનલાઇન અરજી કરનારાઓ પણ સુરતના વચેટીયાઓને સાથે નહીં રાખે તો તેમની અરજી રદ કરીને રીલોડ કરવા માટે સુચના અપાય છે. સ્વાભાવિક છે કે દરરોજ લાયસન્સ માટે સો- દોઢસો અરજી આવતી હોય છે. એ અરજી સુરતના દલાલો થકી જ થવી જોઇએ એવો વણલખ્યો ફતવો પાળવામાં નવસારી આરટીઓ કચેરી ખૂબ જ ઉત્સાહી છે. સુરતના દલાલો અહીં મોટે પાયે બે નંબરના કામ કરે છે, તેને કારણે અનેક બેનંબરી કામો પાછળ તેઓ મોટી રકમનું નૈવેધ ધરે છે. એ કારણે જ આરટીઓ કચેરીના અધિકારીઓ પણ સુરતના દલાલો ઉપર વિશેષ પ્રેમ રાખતા હોય છે. એમ કહેવાય છે કે એક અરજી દીઠ નવસારી આરટીઓ કચેરીમાં 100 રૂપિયા લેવાય છે. આ નાણાં કોને પહોંચતા હશે એ તપાસનો વિષય છે. આ તમામ મુદ્દાઓ અંગે મુખ્યમંત્રીને એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને નવસારી સિવાયના વાહનચાલકોને લાયસન્સ અને વાહન રજીસ્ટર્ડ કરાવવા જેવી સુવિધા માટે ફોલ્ડરિયાઓ ખડેપગે હોય છે. એ દ્વારા જ અહીં ભ્રષ્ટાચારની ગંગા વહે છે. એ અંગે પણ ફરિયાદમાં જણાવાયું છે.

આરટીઓનો ભ્રષ્ટાચારનો પડઘો વિધાનસભાની ચૂંટણીમાં પણ પડી શકે
તપાસનો ધમધમાટ શરૂ થયો છે, પરંતુ નવસારી આરટીઓ કચેરીમાં તેનો ગરમાટો જોવા મળ્યો નથી. અહીં હવે તળિયાઝાટક ફેરફારની જરૂર છે. એ વિના નવસારી આરટીઓમાં બાઝેલા ભ્રષ્ટાચારની ગંદકી બહાર નીકળી શકે એમ નથી. આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ રહી છે, ત્યારે નવસારી જિલ્લામાં આરટીઓનો ભ્રષ્ટાચાર અહીંના સ્થાનિક રાજકારણીઓને પણ નડી જાય એમ છે, ત્યારે આ ગંદકી દૂર કરવા રૂપાણી સરકાર ઝડપ કરે એ જરૂરી છે.

Most Popular

To Top