Vadodara

RTOનું સર્વર ફરી ઠપ્પ, ટેસ્ટ ટ્રેકની કામગીરી ખોરવાઈ : વાહનોની લાંબી કતાર લાગી

ટુ વ્હીલર-ફોરવીલર મળી કુલ 250 થી વધુ જેટલી અરજીઓને રિશિડ્યુલ કરાશે :

અવાર નવાર આરટીઓનું સર્વર બંધ થવા છતાં હજુ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.6

વડોદરાના આરટીઓમાં ફરી ટેક્નિકલ કારણોસર સર્વર ડાઉન થઈ ગયું છે. જેના કારણે લોકોને ધક્કો પડી રહ્યો છે. જેની આજની એપોઇન્ટમેન્ટ હતી તેવા અરજદારો ટેસ્ટ સહિતની કામગીરી માટે પહોંચ્યા હતા. પરંતુ, સર્વર ડાઉન થતા અરજદારો અટવાયા હતા. જોકે સર્વર પુનઃ કાર્યરત નહિ થાયતો આશરે 250 જેટલી અપોઈન્ટમેન્ટ રીશિડ્યુઅલ કરવામાં આવશે.

ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેર જીસ્વાન માધ્યમથી સારથી સોફ્ટવેર સાથે સંકલન સાંધી પ્રોસેસ કરતું હોય છે. અગાઉ પણ ટેકનિકલ કારણોસર બે વખત કામગીરી ખોરવાઈ હતી. દરમ્યાન આજે 11:15 કલાકેથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહી હતી. જેના કારણે આરટીઓમાં કામ અર્થે આવેલા અરજદારો અટવાયા હતા. અંદાજે ટુ વ્હીલર અને ફોરવીલર મળી 250 થી વધુ અરજીઓને રીશિડ્યુઅલ કરવામાં આવશે. અરજી રિશિડયુલ થતા અરજદારોને મેસેજ થકી સમગ્ર બાબતની જાણકારી આપવામાં આવે છે. લોકો કામ-ધંધા બંધ રાખીને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે અને પાર્સિંગ સહિતની કામગીરી માટે જતા હોય છે. પરંતુ આરટીઓનું સર્વર છાશવારે ડાઉન થઈ જતા હાલાકી વેઠવાનો વખત આવે છે. આમ, અવાર નવાર આરટીઓનું સર્વર બંધ થાય છે, પણ હજુ સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. તેવામાં ગુરુવારે પહોંચેલા અરજદારોને હવે આગળના દિવસની એપોઇન્ટમેન્ટ જો સર્વર શરૂ નહીં થાય તો આપવામાં આવશે. આજે રાબેતા મુજબ અરજદારો જેમની આજની એપોઇન્ટમેન્ટ હતી, તેઓ પોતાના કામ માટે ધંધા રોજગાર, વિદ્યાર્થી વર્ગ અભ્યાસ છોડી આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા હતા. જોકે, સર્વર ઠપ્પ થયું હોવાનું માલુમ પડતા હાલાકી વેઠવાની ફરજ પડી હતી. લાયસન્સ સંબંધિત ટેસ્ટ માટે પહોચેલા અરજદારોની વાહનોની લાંબી કતાર લાગી હતી. જોકે, સર્વર ફરીથી શરૂ નહિ થાય તો અરજદારોને મેસેજ થકી તેમની એપોઇન્ટમેન્ટ રિશીડ્યુઅલ કરવામાં આવી હોવાની જાણ કરી દેવામાં આવશે.

Most Popular

To Top