National

પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારા બાબતે હાલમાં એક RTI થતાં સરકારનો આ ‘ખેલ’ બહાર આવી ગયો!

સરકાર (Government OF India) ક્યાં સુધી પેટ્રોલ અને ડિઝલમાં લોકોને લૂંટશે? રોજ સવાર પડે અને પેટ્રોલ-ડિઝલના (Petrol Diesel) ભાવમાં વધારો (price rise) થઈ ગયો હોય છે. કોરોનામાં જ્યાં લોકોની કમર પર એટલો માર વાગ્યો છે કે બે ટંકનું ખાવાનું ભેગું કરવામાં પણ પરસેવો પડી જાય છે ત્યાં રોજ વધતા પેટ્રોલ-ડિઝલના ભાવોને કારણે લોકો હવે બેવડ વળી રહ્યાં છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા પાછળ સરકાર દ્વારા અનેક કારણો આપવામાં આવી રહ્યાં છે. પરંતુ હકીકત એ છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાથી સરકાર પોતાની તિજોરી ભરી રહી છે. જેમ ભાવો વધે છે તેમ પેટ્રોલ અને ડિઝલ પરની સરકારની એક્સાઈઝ ડ્યુટીની આવક પણ વધે છે. જેનો સીધો લાભ સરકારને મળે છે. હજુ હમણાં જ કેટલાક મહિનાઓ પહેલા પેટ્રોલ-ડિઝલનો ભાવ 75 રૂપિયાની આસપાસ હતો, જે હવે સીધો 100 રૂપિયાની પણ ઉપર પહોંચી ગયો છે. આમ તો સરકાર પેટ્રોલ અને ડિઝલથી તેની તિજોરી તરબતર થઈ રહી છે તે સ્વીકારવા તૈયાર નથી પરંતુ તાજેતરમાં એક આરટીઆઈ થતાં તેમાં સરકારનો આ ‘ખેલ’ બહાર આવી ગયો છે.

પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાથી નાણાંકીય વર્ષ 2020-21માં સરકારને કેટલી આવક થઈ તે અંગે આરટીઆઈ કરવામાં આવી હતી. નાણામંત્રાલય સાથે સંકળાયેલા ડિરેકટોરેટ જનરલ ઓફ સિસ્ટમ્સ એન્ડ ડેટા મેનેજમેન્ટ દ્વારા અપાયેલા આરટીઆઈના જવાબમાં ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા છે. જેમાં સરકારે વર્ષ 2020-21માં પેટ્રોલિયમ પ્રોડકટ્સ પર કસ્ટમ અને એક્સાઈઝ ડ્યુટી તરીકે રૂપિયા 4,51,542,56 કરોડની કમાણી કરી છે. હદ તો ત્યારે થાય છે કે આ કમાણી ગત વર્ષની કમાણી કરતાં 56 ટકા વધારે છે. એટલે સમજી શકાય છે કે સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના નામે લોકોના ખિસ્સા ખંખેરવાનો ધંધો જ કર્યો છે. સરકારને જે આવક થઈ તેમાં વર્ષ 2020-21માં પેટ્રોલિયમ પેદાશોના આયાત પર 37806.96 કરોડની કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવી હતી. તો સામે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાંથી 4.13 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે.

આની સામે ગત વર્ષે સરકાર દ્વારા પેટ્રોલિયમ પેદાશોની આયાત પર કસ્ટમ ડ્યુટી તરીકે 46046.09 કરોડની આવક ઊભી કરવામાં આવી હતી. જ્યારે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી તરીકે 2.42 લાખ કરોડ રૂપિયા ભેગા કર્યાં હતાં. એટલે કે વર્ષ 2019-20માં સરકારે બંને ટેક્સ મળીને 2.88 લાખ કરોડ રૂપિયાની આવક કરી હતી. એક તરફ સામાન્યજન પેટ્રોલ-ડિઝલના ભાવ વધારામાં ખંખેરાઈ રહ્યો છે અને બીજી તરફ સરકારની તિજોરી છલકાઈ રહી છે ત્યારે હવે સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલ પરની ડ્યુટી ઘટાડીને લોકોને રાહત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને કારણે દેશની આખી અર્થવ્યવસ્થા ખોરવાઈ રહી છે. સામાન્ય નાગરિક તો આ ભાવવધારાની નીચે દબાઈ જ ગયો છે પરંતુ સાથે સાથે આ ભાવ વધારાની આડઅસરરૂપે ટ્રાન્સપોર્ટેશનના ભાવો વધ્યા છે અને તેને કારણે દરેક વસ્તુઓ મોંધી થઈ રહી છે. સરકારને સામાન્યજનની આ મુશ્કેલીઓ દેખાતી જ નથી.

પેટ્રોલ અને ડિઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગણી ઘણા સમયથી કરવામાં આવી રહી છે પરંતુ સરકાર દ્વારા તેની માંગ સ્વીકારવામાં આવતી નથી. જો આ બંને પેટ્રોલિયમ પ્રોડક્ટસને જીએસટીના દાયરામાં લઈ આવવામાં આવે તો લોકોને તેની રાહત મળે તેમ છે. નાગરિકોની દશા એટલી ખરાબ છે કે તેઓ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે લડી શકે તેમ પણ નથી. સરકાર તેનો પૂરો લાભ ઉઠાવી રહી છે અને પેટ્રોલિયમ કંપનીઓ રોજ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારી રહી છે. સરકારે ખરેખર લોકોની સહનશક્તિની પરીક્ષા લેવી જોઈએ નહીં. ભૂતકાળમાં જ્યારે પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વધારો થતો હતો ત્યારે તે સમયે વિપક્ષમાં રહેલી હાલની મોદી અને ભાજપની સરકાર દ્વારા આ વધારાનો જોરશોરથી વિરોધ કરવામાં આવતો હતો. જ્યારે હવે તેમની પાસે શાસન છે ત્યારે ભાવોમાં ઘટાડો થવાને બદલે ભાવો વધી રહ્યાં છે. જો સરકાર નહીં સમજે તો આગામી દિવસોમાં લોકોનો આક્રોશ સ્ફોટક બને તો નવાઈ નહીં હોય. સરકાર જેટલી જલ્દી સમજે તે સારૂં છે.

Most Popular

To Top